૨૫ વર્ષ પહેલાં થયેલી બચુભાઈ પટણીની હત્યાના કેસમાં સવજીભાઈ દોષમુક્ત છૂટી ગયેલા એટલે એનો બદલો લેવા બચુભાઈના પરિવારજનોએ આપી હતી ૨૫ લાખની સુપારી

સવજીભાઈ પટેલ (જમણે)ની હત્યાની માહિતી આપવા પ્રેસ કૉન્ફરન્સને સંબોધી રહેલી નવી મુંબઈ પોલીસ
આ કામને અંજામ આપવા મેહેક નારિયા નામની વ્યક્તિને કહ્યું હતું, જેણે બાંદરામાં કોઈની મદદ લઈને બિહારથી ત્રણ શૂટરને બોલાવીને આ કામ પાર પડાવ્યું. કાવતરાખોર હજી ફરાર
નવી મુંબઈના નેરુળમાં કન્સ્ટ્રક્શનનું બહોળું કામકાજ ધરાવતા ઇમ્પેરિયા ગ્રુપના સવજી મંજેરી (પટેલ)ની બુધવાર, ૧૫ માર્ચે નેરુળમાં જ બાઇક પર આવેલા બે હત્યારાઓએ ગોળી મારીને હત્યા કરી હતી અને નાસી ગયા હતા. એ કેસની તપાસ કરી રહેલી નવી મુંબઈની નેરુળ પોલીસની ટીમે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ સપોર્ટના આધારે કેસ સૉલ્વ કરી નાખ્યો છે. સવજીભાઈની હત્યાની સુપારી આપનાર મેહેક જયરામ નારિયા (૨૮ વર્ષ)ને રાજકોટથી ઝડપી લેવાયો છે. તેની સાથે જ ૨૫ લાખ રૂપિયાની સુપારી આપીને સવજીભાઈ પર ફાયરિંગ કરવા બિહારથી બોલાવાયેલા ત્રણ શૂટરોને પણ ઝડપી લેવાયા છે. જોકે આ કેસમાં ૬થી ૭ બીજા આરોપીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવતાં તેમની શોધ ચલાવાઈ રહી છે.
આ કેસની માહિતી આપતાં નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર તાનાજી ભગતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ આ કેસમાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મળ્યાં હતાં અને એ પછી ટેક્નિકલ સપોર્ટ લઈને કેસની ઝડપી અને ઝીણવટભરી તપાસ કરાઈ હતી. સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં બાઇકનો નંબર મળ્યો હતો અને એ બાઇક મેહેક જયરામ નારિયાના નામે રજિસ્ટર હતી. મેહેક પણ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને નાની બે-ત્રણ ટકા પાર્ટનરશિપ સાથે અલગ-અલગ ગ્રુપમાં ગુજરાતમાં તેમના વતનમાં કામ કરે છે. વળી મેહેક નારિયા અને મૃતક સવજીભાઈ એકબીજાને ઓળખે છે અને સંબંધી થાય છે. ૧૯૯૮માં બચુભાઈ પટણીની હત્યા થઈ હતી જેમાં સવજીભાઈ આરોપી હતા. જોકે એ કેસમાં ત્યાર બાદ કોર્ટે તેમને છોડી મૂક્યા હતા. જોકે એ વાતનો રંજ બચુભાઈના પરિવારને રહી ગયો હતો એટલે તેમણે મેહેક નારિયા નામની વ્યક્તિને સવજીભાઈનો કાંટો કાઢવાનું કામ આપ્યું હતું.’
સવજીભાઈની હત્યા કરવા સુધી ઉશ્કેરાવાનું કારણ શું બન્યું અને કઈ રીતે એને આખરી અંજામ આપવામાં આવ્યો એ વિશે માહિતી આપતાં ઇન્સ્પેક્ટર તાનાજી ભગતે વધુમાં કહ્યું હતું કે ‘બંને પરિવાર વચ્ચે આમ તો જૂની અદાવત હતી. એમાં ગયા ઑક્ટોબર મહિનામાં સવજીભાઈ વતન ગયા હતા ત્યારે સામેના પરિવારના એક વૃદ્ધની મારઝૂડ કેટલાક કોળી યુવાનોએ કરી હતી. સામેના પરિવારને શંકા હતી કે એની પાછળ પણ સવજીભાઈનો હાથ હોવો જોઈએ. નવેમ્બરમાં ફરીથી સવજીભાઈ વતન ગયા ત્યારે આ બાબતે તેમની અને સામેના પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી અને તણખા ઝર્યા હતા. ત્યારે સવજીભાઈએ સંભળાવી દીધું હતું કે હા, મેં જ તેમને માર ખવડાવ્યો હતો. એથી એ પરિવાર ગિન્નાયો હતો. મેહેકે ત્યાર બાદ બચુભાઈના પરિવારજનોના કહેવા પર સવજીભાઈનો કાંટો કાઢી નાખવા ચક્રો ચલાવ્યાં હતાં. તેણે ઓળખાણ લગાવી બાંદરાથી કોઈની મધ્યસ્થીથી બિહારના યુવાનોને ૨૫ લાખની સુપારી આપી હતી. મેહેક પોતે નવી મુંબઈ આવ્યો હતો. ૧૧, ૧૨ અને ૧૩ માર્ચે તે શૂટરો સાથે જ હતો અને તેમણે રેકી કરી હતી. સવજીભાઈ કોણ છે એ તેણે જાતે શૂટરો સાથે રહીને બતાવ્યું હતું. અધૂરામાં પૂરું, તેણે શૂટરોને ભાગી જવા પોતાની બાઇક આપી હતી. બાંદરામાં જ રોકાયેલા શૂટરોએ એક દિવસ આરામ કર્યો હતો અને ૧૫મીએ સાંજે પ્લાન અમલમાં મૂકી સવજીભાઈની હત્યા કરીને નાસી ગયા હતા.’
નેરુળ પોલીસની એક ટીમ પોલીસ બિહાર જઈને આ કેસના શૂટરો કૌશલ વિજેન્દર યાદવ (૧૮ વર્ષ), સોનુ વિજેન્દર યાદવ (૨૩ વર્ષ) અને ગૌરવ વિકાસ યાદવ (૨૪ વર્ષ )ને પણ ઝડપી લાવી છે. જોકે આ કેસમાં બચુભાઈના પરિવારજનો હજી નથી પકડાયા.