જમીન, પ્રૉપર્ટી કે પૈસાની લેતીદેતીમાં થયેલા વિવાદને કારણે હત્યા થઈ હોવાની પોલીસને શંકા

ગઈ કાલે સાંજે સવજીભાઈ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
નવી મુંબઈના નેરુળના સેક્ટર ૬માં આવેલા અપના બઝાર સામે ગઈ કાલે સાંજે રિયલ એસ્ટટના એમ્પીરિયા ગ્રુપ સાથે સંકળાયેલા સવજીભાઈ ગોકર મંજેરી (પટેલ)ની ગોળી મારીને હત્યા કરાઈ હતી.
સવજીભાઈ સફેદ કારમાં ડ્રાઇવ કરીને જઈ રહ્યા હતા ત્યારે સાંજે ૫.૩૦ વાગ્યે બે હત્યારાઓ મોટરસાઇકલ પર આવ્યા હતા અને તેમના પર એકદમ નજીકથી ત્રણ ગોળી ફાયર કરીને નાસી છૂટ્યા હતા. સવજીભાઈએ ત્યાં જ દમ તોડી દીધો હતો. આ ઘટનાની જાણ તરત જ પોલીસ કન્ટ્રોલને કરાઈ હતી. સ્થાનિક નેરુળ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને મૃતદેહનો કબજો લઈને પંચનામું કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે હાજર લોકોની પૂછપરછ પણ કરી હતી. તપાસ દરમિયાન બુલેટ ફાયર કર્યા બાદના ત્રણ ખાલી શેલ પણ ઘટનાસ્થળેથી મળી આવ્યા છે. એવું કહેવાય છે કે સવજીભાઈ પટેલ બિલ્ડર હતા. પોલીસે મળેલી માહિતીના આધારે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવવાના પ્રયાસ શરૂ ધર્યા છે.
મુળ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સાણી-ગગોદર ગામના સવજીભાઈ મંજેરી એમ્પીરિયા ગ્રુપમાં ઍડ્વાઇઝર હતા. ફાયરિંગ કરીને હત્યા કરાઈ હોવાની જાણ થતાં ડીસીપી અમિત કાળે સહિત અન્ય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. પોલીસને શંકા છે કે જમીન, પ્રૉપર્ટી કે પછી પૈસાની લેતીદેતીમાં થયેલા વિવાદને કારણે તેમની હત્યા કરાઈ હોઈ શકે. એથી પોલીસે એ દિશામાં પણ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.