આમ કહેવું છે સવજી પટેલના પુત્રનું : તે વધુમાં કહે છે કે મારા પપ્પા નીડર હતા અને તેઓ કાયદાકીય લડાઈ લડીને કચ્છની જમીન પાછી મેળવવા માગતા હતા

સવજી પટેલ
મુંબઈના જે વેપારીઓની જમીન ગુજરાતમાં છે તેમની સાથે આવું ન બને એ માટે અમે વડા પ્રધાન સુધી અમારી વાત પહોંચાડીશું
કચ્છ રાપરના ૫૬ વર્ષના ઉદ્યોગપતિ સવજી પટેલ કે સવજી ગોકર મંજેરીની નવી મુંબઈના નેરુળમાં બુધવારે ઘાતકી હત્યા થઈ હતી. પાટીદાર સમાજના અગ્રણી અને બિલ્ડરની તેમની જ કારમાં ચાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પાટીદાર અગ્રણીની દિનદહાડે આવી રીતે હત્યા થતાં પાટીદાર સમાજમાં શોકનો માહોલ છવાયો છે. હત્યા પાછળનાં બે મૂળ કારણ પરથી નવી મુંબઈ પોલીસની આશરે ૧૦ ટીમ તપાસ કરી રહી છે. આ હત્યા પછી પરિવાર દ્વારા પોલીસ પાસે પ્રોટેક્શનની માગણી કરવામાં આવી છે. હાલમાં પરિવાર ખૂબ ગભરાયેલો હોવાની માહિતી આપવામાં આવી હતી.
નવી મુંબઈમાં સીબીડી બેલાપુર સેક્ટર ૧૧માં આવેલા એક પ્લૉટમાં રહેતા અને ઇમ્પેરિયા ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર ધીરજ સવજી મંજેરીએ કરેલી ફરિયાદ અનુસાર બુધવારે સાંજે પાંચ વાગ્યે તેમના ઓળખીતા વાલજી ગોઠીએ તેમને ફોન કરી પપ્પાને ગોળીઓ મારવામાં આવી હોવાની જાણ કરી હતી. એ પછી તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ત્યારે સવજીભાઈને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
ઉદ્યોગપતિ સવજીભાઈના પુત્ર ધીરજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જેમના પર શંકા છે તેમનાં નામ અમે પોલીસને આપ્યાં છે. હત્યા પાછળ બે કારણ હાલમાં સામે આવી રહ્યાં છે. એમાં પહેલું છે રાપરમાં થયેલું ઇલેક્શન અને બીજું, કચ્છમાં જમીનનો મામલો દેખાઈ રહ્યો છે. જોકે આમાં કોઈ સ્પષ્ટતા નથી. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. મૃત્યુ પહેલાં પપ્પાએ જે વ્યક્તિઓ આગળ જતાં તકલીફ આપી શકે છે તેમનાં નામ આપ્યાં હતાં એ માહિતી પણ મેં પોલીસને આપી છે. આ હત્યા પછી હત્યારાઓ અમારા પરિવારને પણ નુકસાન પહોંચાડી શકે એવો એક પ્રકારનો ડર સતાવે છે, જેના માટે હું પોલીસ પાસે પ્રોટેક્શનની માગણી કરવાનો છું.’
મુંબઈ અને મહારાષ્ટ્રમાં કેટલાક એવા વેપારીઓ છે જેમની જમીન કચ્છ અને ગુજરાતમાં છે એમ જણાવીને ધીરજે કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળે છે કે જમીન મૂળ માલિકના નામ પરથી બીજાના નામે ટ્રાન્સફર કરી છેતરપિંડી કરીને પચાવી પાડવામાં આવતી હોય છે. અમારી જમીન માટે પણ આવું જ થયું છે. આ બાબતે સેટલમેન્ટ માટે વાયા-વાયા કેટલાક લોકો અમારી પાસે આવતા હતા. જોકે પપ્પા કહેતા કે આપણે સાચા છીએ તો આપણને ન્યાય જરૂર મળશે. પપ્પાની ઘટના પછી આવી બીજી કોઈ ઘટના ન બને એ માટે અમે વડા પ્રધાન સુધી જમીન આવી રીતે ટ્રાન્સફર થતી હોવાની માહિતી પહોંચાડીશું.’