આમ તો છેતરપિંડીની આ ઘટના જૂનથી ઑગસ્ટ ૨૦૨૪ સુધી થઈ હતી. જોકે મહિલાએ હાલમાં જ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં રહેતી ૪૬ વર્ષની મહિલાને સાઇબર ગઠિયાએ પોતાને ફૉરેનની વ્યક્તિ દર્શાવીને ફ્રેન્ડશિપ કરી હતી અને પછી ફૉરેનથી ગિફ્ટ પાર્સલ મોકલાવ્યું હોવાનું કહીને ૪૯.૫૯ લાખ રૂપિયા પડાવી ગયા હતા. આમ તો છેતરપિંડીની આ ઘટના જૂનથી ઑગસ્ટ ૨૦૨૪ સુધી થઈ હતી. જોકે મહિલાએ હાલમાં જ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હતી.
મહિલાએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે ‘ઇન્સ્ટાગ્રામ પર યુનાઇટેડ કિંગડમ (UK)ની એક વ્યક્તિએ મારો સંપર્ક કર્યો હતો અને અમારી વચ્ચે ફ્રેન્ડશિપ થઈ હતી. એ પછી UKની વ્યક્તિએ મને એક્સપેન્સિવ ગિફ્ટનું પાર્સલ મોકલ્યું છે એમ જણાવ્યું હતું. ત્યાર બાદ મને દિલ્હી ઍરપોર્ટના કસ્ટમ્સ ઑફિસરનો ફોન આવ્યો હતો કે મારા નામનું પાર્સલ આવ્યું છે અને એ ક્લિયર કરવા મારે કસ્ટમ્સ-ડ્યુટી, ફૉરેન એક્સચેન્જ ફી અને પાર્સલ હૅન્ડલિંગ ચાર્જિસ ભરવાં પડશે. આમ મારી પાસેથી થોડા-થોડા કરીને ૪૯.૫૯ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા, પણ એ એક્સપેન્સિવ ગિફ્ટનું પાર્સલ મને મળ્યું નહોતું. લાંબા સમય સુધી મેં આરોપીઓનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ સંપર્ક ન થઈ શક્યો ત્યારે મને જાણ થઈ હતી કે મારી સાથે છેતરપિંડી થઈ છે.’

