પોલીસ મેદાનમાં પહોંચી ત્યારે ૧૦થી ૧૨ તૃતીયપંથીઓ જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા હતા અને અધિકારીઓ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નવી મુંબઈના રબાળે પોલીસ-સ્ટેશન નજીક ખાલી પડેલા સરકારી પ્લૉટ પર તૃતીયપંથીઓ લાંબા સમયથી કબજો કરીને બેઠા હતા. આ જગ્યા પર તેઓ ઘણી વાર દારૂ પીતા હતા, ત્યાંથી પસાર થતા લોકો પાસેથી બળજબરીપૂર્વક પૈસા માગતા હતા અને સ્થાનિક લોકોને હેરાન કરતા હતા. આ અંગે અનેક વાર ફરિયાદ મળતાં નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)એ સરકારી મેદાનમાં કરવામાં આવેલું અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ મેદાનમાં પહોંચી ત્યારે ૧૦થી ૧૨ તૃતીયપંથીઓ જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા હતા અને અધિકારીઓ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. અમુકે વાંધાજનક ચેષ્ટાઓ કરીને લોકોને ભેગા કરવાનું શરૂ કરી દીધું અને રસ્તો બ્લૉક કરી દીધો હતો. વધુ હોબાળો થતાં પોલીસે પાંચ જણની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
પોલીસ-સ્ટેશનમાં પહોંચીને પણ આરોપીઓનું વર્તન સુધર્યું નહોતું. પોલીસ અધિકારીઓ સાથે ચાલતા ઝઘડા દરમ્યાન એક તૃતીયપંથીએ અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પર કૂદીને તેના પર હુમલો કરી દીધો હતો. એમાં પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ હતી. આરોપીઓ સામે ગુનો નોંધ્યા બાદ પોલીસને તપાસ દરમ્યાન જણાયું હતું કે અમુક આરોપીઓ ક્રિમિનલ રેકૉર્ડ ધરાવે છે.


