નવી મુંબઈની ઘટના, પિતા-પુત્ર ઘાયલ
એક ડમ્પર ડ્રાઇવરે અડફેટે લેતાં થયેલા અકસ્માતમાં પિતા-પુત્ર બન્ને ઘાયલ થયા હતા
સવારની સ્કૂલ હોવાથી દીકરાને સ્કૂલમાં મૂકવા ગયેલા નવી મુંબઈના જગદીશ લોહારની કારને ગઈ કાલે સવારે એક ડમ્પર ડ્રાઇવરે અડફેટે લેતાં થયેલા અકસ્માતમાં પિતા-પુત્ર બન્ને ઘાયલ થયા હતા. તેમને નવી મુંબઈની મહાત્મા ગાંધી મેમોરિયલ (MGM) હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બન્નેની તબિયત હાલ સ્થિર હોવાનું હૉસ્પિટલે જણાવ્યું હતું.
અકસ્માતની આ ઘટના ગઈ કાલે સવારે ૮ વાગ્યે બની હતી. APMC પોલીસ સ્ટેશનના ઑફિસરે આ બાબતે કહ્યું હતું કે ‘જગદીશ લોહાર તેમના દીકરાને સ્કૂલમાં મૂકવા જવા તેમની બલેનો કારમાં જઈ રહ્યા હતા. ત્યારે વાશીના સત્રા પ્લાઝા સિગ્નલથી જમણી તરફ ટર્ન લીધો હતો એ વખતે કોપરીગાંવ તરફ જઈ રહેલા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. કાર કેટલોક વખત ડમ્પરની આગળ ઘસડાઈ હતી. એ પછી ડમ્પર પણ આગળ જઈ પાણીની પાઇપલાઇન સાથે ટકરાઈને ઊભું રહી ગયું હતું. જગદીશ લોહાર અને તેમના દીકરાને નાની-મોટી ઈજા થઈ હતી. તેમને MGM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી બાજુ ડમ્પરના ડ્રાઇવરની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. તેણે ડમ્પર ચલાવતી વખતે દારૂ પીધો હતો કે નહીં એની ચકાસણી ચાલી રહી હતી.’


