એક પુત્ર જેલમાં છે તો બીજા પુત્રને ડ્રગ્સના કેસમાં ફસાવવામાં આવ્યા બાદ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા એને પગલે બિલ્ડર ગુરુનાથ ચિચકરે આ પગલું ભર્યું
નવી મુંબઈના બિલ્ડર ગુરુનાથ ચિચકર.
નવી મુંબઈના જાણીતા બિલ્ડર ગુરુનાથ ચિચકરે ગઈ કાલે સવારના સાડાઆઠ વાગ્યે તેમના ઘરમાં માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ગુરુનાથ ચિચકરનો એક પુત્ર જેલમાં છે અને બીજા પુત્ર સામે ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા ૨૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવાના મામલામાં વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ મામલામાં ANCએ ગુરુનાથ ચિચકરને છ વખત ફોન કરીને પૂછપરછ કરવા માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ ગયા નહોતા. ગુરુવારે પણ પોલીસે ફરી એક વખત ફોન કરીને પોલીસ-સ્ટેશનમાં આવવાનું કહ્યું હતું. ગઈ કાલે સવારના બિલ્ડરે આત્મહત્યા કરી હતી.
ગુરુનાથ ચિચકરના ઘરમાંથી એક સુસાઇડ-નોટ મળી આવી છે. એમાં તેમણે લખ્યું હતું કે ‘માતા-પિતા સંઘર્ષ કરીને બાળકોને સારામાં સારું જીવન મળે એ માટેના પ્રયત્ન કરે છે, પણ ઘણી વાર સંતાન જુદા માર્ગે જાય છે એમાં તેનાં માતા-પિતાનો શું દોષ? એક પુત્રે ખોટું કામ કર્યું હોવાથી તે જેલમાં છે એટલે તેની સાથેના તમામ સંબંધ કાપી નાખ્યા છે. બીજા પુત્રને પોલીસે ડ્રગ્સના કેસમાં ખોટો ફસાવ્યો છે. એને લીધે ખૂબ બદનામી થઈ છે એ સહન નથી થતી. મારી એક જ વિનંતી છે કે આ પ્રકરણમાં અમારા જેવા નિષ્પાપ લોકોને ફસાવવામાં ન આવે. આ પાપમાં સામેલ તમામ લોકોને શિક્ષા થવી જોઈએ. બસ, એટલી જ અપેક્ષા છે.’

