હારની સમીક્ષા કરવા કૉન્ગ્રેસે બોલાવેલી મીટિંગમાં પરાજિત ઉમેદવારો વરસી પડ્યા- ચૂંટણીમાં હારી ગયેલા પાર્ટીના નેતાએ રાજ્ય કૉન્ગ્રેસના અધ્યક્ષ પર કર્યો ગંભીર આરોપ
નાના પટોલે
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ની પાર્ટીની જેમ કૉન્ગ્રેસે પણ પોતાના હારેલા વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી. જોકે આ બેઠકમાં હારની સમીક્ષા કરવાને બદલે હારી ગયેલા ઉમેદવારોએ એના માટે પાર્ટીના અધ્યક્ષ નાના પાટોલેને જવાબદાર ગણાવી દીધા.
ચૂંટણીનાં પરિણામ આવ્યાં એ પહેલાં સુધી મુખ્ય પ્રધાન બનવા માટે મહેનત કરી રહેલા કૉન્ગ્રેસના નેતાઓ પર તમામ ઉમેદવાર નારાજ થયા હતા અને તેમણે કહ્યું હતું કે આપણા નેતાઓમાં એટલો બધો આત્મવિશ્વાસ આવી ગયો હતો કે તેઓ ઉમેદવાર માટે પ્રચાર કરવાને બદલે કઈ રીતે મુખ્ય પ્રધાન બની શકાય એના પર જ વધારે ફોકસ કરતા હતા. કૉન્ગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૧૬ બેઠક જ મળી છે જે આજ સુધીના મહારાષ્ટ્રના ઇતિહાસની સૌથી ઓછી છે. કૉન્ગ્રેસના નાગપુર મધ્યના ઉમેદવાર બંટી શેળકેએ તો જરા પણ ચિંતા કર્યા વગર કહ્યું કે ‘મારો પરાજય કૉન્ગ્રેસે જ કરાવ્યો છે. મને ટિકિટ આપી પણ સંગઠનનો એક પણ પદાધિકારી મારી સાથે નહોતો.’
ADVERTISEMENT
રાજ્ય કૉન્ગ્રેસના અધ્યક્ષ પર આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે ‘નાના પાટોલે ૧૦૦ ટકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માટે જ કામ કરે છે. ચૂંટણીપ્રચાર વખતે પ્રિયંકા ગાંધી આવ્યાં હતાં ત્યારે કૉન્ગ્રેસનો એક પણ નેતા ત્યાં હાજર નહોતો. આ કોની જવાબદારી હતી?’

