Nalasopara Fire: નાલાસોપારામાં ઈસ્ટમાં ૧૪ માળની ઈમારતમાં ભીષણ આગ; ધુમાડાના કારણે બે મહિલાઓના મોત; હાઈડ્રોલિક લેડર દ્વારા ૨૫થી વધુ લોકોનું રેસ્ક્યૂ; પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
તસવીર સૌજન્યઃ એએનઆઈ
મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar) જિલ્લામાં આવેલા નાલાસોપારા (Nalasopara) ઈસ્ટની એક ૧૪ માળની રહેણાંક ઈમારતમાં મોડી રાત્રે ભયાનક આગ ફાટી નીકળતા બે મહિલાઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ઉપલા માળે અનેક રહીશો ફસાયા હતા. વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (Vasai-Virar City Municipal Corporation) ની ફાયર ફાઈટીંગ અને ઈમરજન્સી રેસ્ક્યૂ ટીમો મંગળવારે મોડી રાત્રે ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને હાઈડ્રોલિક લેડર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ૧૪મા માળની લેજ (છાજલી) પર ફસાયેલા એક જ પરિવારના ચાર સભ્યો સહિત ૨૫ થી વધુ રહીશોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
મૃતકોની ઓળખ ૫૦ વર્ષીય ફાલ્ગુની શાહ અને ૫૦ વર્ષીય અશ્વિની પારકર તરીકે થઈ છે. તુલીંજ હોસ્પિટલ (Tulinj Hospital)ના તબીબી અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે સત્તાવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ અતિશય ધુમાડો શ્વાસમાં જવાથી ગૂંગળામણને કારણે મોત થયું છે.
ADVERTISEMENT
મધ્ય અને ઉપલા માળ સુધી ઝડપથી ફેલાઈ આગ
આ આગ (Nalasopara Fire) મંગળવારે રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ આચોલે (Achole) સ્થિત નાલાસોપારા-વસઈ લિંક રોડ (Nalasopara-Vasai Link Road) પર આવેલી ઈમ્પિરિયલ હાઈટ્સ (Imperial Heights) ઈમારતના `બી` વિંગમાં શરૂ થઈ હતી. જોતજોતામાં આગની જ્વાળાઓએ ૮મા થી ૧૧મા માળ વચ્ચેના અનેક એપાર્ટમેન્ટ્સને લપેટમાં લઈ લીધા હતા, જેના કારણે સીડીઓના આંતરિક માર્ગોમાં ધુમાડો ભરાઈ ગયો હતો અને ઉપલા માળે રહેતા લોકો માટે બહાર નીકળવાના મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
બારીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈને ફસાયેલા રહીશો ગેલેરી (બાલકની) માં એકઠા થઈને મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. વાયરલ થયેલા વીડિયોના ભયાનક દ્રશ્યમાં, ૧૪મા માળે ફસાયેલા એક જ પરિવારના ચાર સભ્યો હાઈડ્રોલિક લિફ્ટ પહોંચે તે પહેલાં અસહ્ય ગરમી અને ધુમાડાથી બચવા માટે લગભગ ૪૫ મિનિટ સુધી બહારની નાની છાજલીને પકડીને ઉભા રહ્યા હતા.
મલ્ટી-એજન્સી રેસ્ક્યૂ ઓપરેશનમાં હાઈડ્રોલિક સીડીઓ તૈનાત કરાઈ
ઈમરજન્સી કોલ મળતા જ વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (VVMC)ના ફાયર ટેન્ડરો અને મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (Mira-Bhayandar Municipal Corporation)ની વધારાની ટીમોએ સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આચોલે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને પાલિકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોએ સ્થળ પર પહોંચી વિસ્તારને કોર્ડન કરી ભીડ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર ફાઈટરોએ ઉંચાઈ સુધી પહોંચતી હાઈડ્રોલિક ક્રેન લેડર્સનો ઉપયોગ કરીને ઉપલા માળની બાલકનીઓમાંથી ફસાયેલા લોકોને સીધા બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા લોકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે નાના-મોટા ધુમાડાની અસર અને આઘાતની સારવાર માટે કેટલાક લોકોને નાલાસોપારામાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કલાકોની કડી મહેનત બાદ ફાયર બ્રિગેડે મુખ્ય આગ પર કાબૂ મેળવ્યો હતો.
શોર્ટ સર્કિટની શંકા, સત્તાવાળાઓએ વિગતવાર તપાસના આદેશ આપ્યા
પાલિકાના ફાયર ઓફિસરો દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યો છે કે મધ્યના કોઈ માળ પર ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જોકે અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આગનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.
VVMC કમિશનર પૃથ્વીરાજ બી.પી. અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કૂલિંગ ઓપરેશનની દેખરેખ રાખવા અને પરિસ્થિતિની સમીક્ષા કરવા ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પાલિકા સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ઈમરજન્સી દરમિયાન ઈમારતની આંતરિક અગ્નિશામક સુરક્ષા પ્રણાલીઓ ચાલુ સ્થિતિમાં હતી કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે તકનીકી ઓડિટ કરવામાં આવશે, જ્યારે પોલીસ અધિકારીઓ વિસ્થાપિત રહીશોને પરત ફરવાની મંજૂરી આપતા પહેલા પ્રભાવિત માળની માળખાકીય સ્થિરતાની તપાસ કરી રહ્યા છે.
