નાગપુરમાં સોમવારે હિંસા ફાટી નીકળવાને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ૧૫૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી
સોમવારે થયેલા રમખાણમાં બળીને ખાખ થયેલાં વાહનો.
નાગપુરમાં સોમવારે હિંસા ફાટી નીકળવાને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ૧૫૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી. પોલીસની વ્યાપક કાર્યવાહી અને ચુસ્ત બંદોબસ્તથી ગઈ કાલે સ્થિતિ નિયંત્રણમાં જોવા મળી હતી. નાગપુરના કોતવાલી તહસીલ, લકડગંજ, નંદનવન, સદર, મહાલ સહિતના વિસ્તારમાં સોમવારે ટોળાએ ભારે પથ્થરમારો અને આગ લગાવી હતી. આથી પોલીસે આ વિસ્તારોમાં ભારે બંદોબસ્ત ગોઠવીને દંગલ કરનારા ૧૫૦થી વધુ લોકોને ઓળખી કાઢીને તેમની ધરપકડ કરી હતી. પોલીસે નાગપુરના તમામ માર્ગમાં બૅરિકેડ્સ મૂકી દીધાં છે અને મોટા પ્રમાણમાં સશસ્ત્ર જવાન તહેનાત કરી દીધા હોવાથી ગઈ કાલે નાગપુરમાં ભરદિવસે સન્નાટો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળવાની વિનંતી કરવામાં આવી હતી એટલે મોટા ભાગના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. દરેક રસ્તા પર માત્ર પોલીસ જ જોવા મળી હતી.



