ત્રણ સુધરાઈએ નોટિસ જાહેર કરી, પણ એમાં મુંબઈ મહાનગરપાલિકાનો સમાવેશ નથી
બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર
માઘી ગણેશોત્સવ શરૂ થવાના એક દિવસ પહેલાં બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ સહિત છ મહાનગરપાલિકાઓને પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિ બનાવનારા, સ્થાપના અને વિસર્જન કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે થાણે, મીરા ભાઈંદર અને કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા સિવાય કોઈએ કોર્ટના આદેશને ગંભીરતાથી ન લીધો હોવાનું જણાઈ આવ્યું છે. આ ત્રણેય સુધરાઈએ PoPની મૂર્તિ બાબતે નોટિસ જાહેર કરી છે પણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), નવી મુંબઈ અને વસઈ-વિરાર મહાનગરપાલિકાએ હાઈ કોર્ટના આદેશની અવગણના કરી હોવાનું જાણવા મળ્યું હતું.
હાઈ કોર્ટના આદેશને પગલે થાણે, મીરા ભાઈંદર મહાનગરપાલિકાએ આ સંબંધે ૩૧ જાન્યુઆરી તો કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાએ ૧ ફેબ્રુઆરીએ નોટિસ જાહેર કરી હતી; જેમાં PoPની મૂર્તિની બનાવનારા, સ્થાપના કરનારા અને વિસર્જન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે એવું લખ્યું હતું. BMC, વસઈ-વિરાર અને નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આવી કોઈ નોટિસ કે ચેતવણી ગઈ કાલ સુધી જાહેર નહોતી કરવામાં આવી.

