શહેરના પાણીપુરવઠાને વધારનારા બે પ્રોજેક્ટ અટવાયેલા છે : મનોરી ડિસેલિનેશન યોજના ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે એવો દાવો
પાણીકાપનો સામનો કરી રહેલી દહિસર-ઈસ્ટની આંબાવાડીમાં મહિલા ડોલમાં પાણીનો સંગ્રહ કરે છે. નિમેશ દવે
છેલ્લા એક દાયકામાં પાંચ વખત શહેરમાં પાણીકાપ લાદવામાં આવ્યો હતો. આ વર્ષે પણ પાણીનું સ્તર ઘટીને ૧૨ ટકા રહ્યું હોવાથી વધુ એક વખત પાણીકાપ લાદવો પડશે. શહેરના લોકોને નિયમિત પાણીપુરવઠો મળી રહે એ માટે સુધરાઈએ રાજ્ય સરકાર પાસે મદદથી આશા રાખી છે, પરંતુ આ સમસ્યાનું કોઈ કાયમી સમાધાન દિવાસ્વપ્ન સમાન છે. મનોરી ડિસેલિનેશન (શુદ્ધીકરણ) પ્લાન્ટ અને ગારગાઈ ડૅમ જેવા પ્રસ્તાવિત પ્રોજેક્ટ શહેરના પાણીપુરવઠામાં ૨૦ ટકાનો વધારો કરી શકે છે. શહેરને સાત જળાશયમાંથી રોજ ૩૮૫ કરોડ લિટર પાણી મળે છે. એમાંથી પાંચ શહેરની બહાર આવેલાં છે. છેલ્લાં ૧૦ વર્ષમાં સરેરાશ પુરવઠો બદલાયો નથી. શહેરની વધતી માગને પહોંચી વળવા કોઈ નવા પ્રોજેકટ શરૂ કરાયા નથી.
એક મહિનામાં શરૂ થઈ શકે છે
મનોરી ડિસેલિનેશન પ્લાન્ટ અગાઉની સરકારમાં ઝડપથી આગળ વધ્યો હતો, પણ વર્તમાન શિંદે સરકારે એને હાંસિયામાં ધકેલી દીધો છે. આ પ્લાન્ટ તૈયાર થશે તો શહેરમાં દૈનિક પાણીપુરવઠામાં ૨૦ કરોડ લિટરનો વધારો થશે. સુધરાઈએ ફેબ્રુઆરી ૨૦૨૧માં આ પ્રસ્તાવ માટે ઇઝરાયલની કંપનીની નિમણુક કરી હતી. સુધરાઈએ ૨૦૨૨ જાન્યુઆરીમાં ઇઝરાયલની કંપનીએ તૈયાર કરેલી ડિઝાઇનની સમીક્ષા કરવા એસએમઈસી ઇન્ડિયાને રોકી હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે કન્સલ્ટન્ટે નવેમ્બર મહિનામાં ડિઝાઇનને મંજૂરી આપી હતી, પરંતુ પ્રોજેક્ટ હજી શરૂ થયો નથી. એક મહિનામાં ટેન્ડર બહાર પડાશે. જો બધું યોજના મુજબ થયું તો પ્રોજેક્ટ પૂરો થવામાં ત્રણ વર્ષનો સમય લાગશે.
ગારગાઈને મંજૂરીની જરૂર
ગારગાઈ ડૅમ શહેરને દૈનિક ૪૪ કરોડ લિટર પાણી પૂરું પાડી શકે છે, પરંતુ એ માટે તાનસા અભયારણ્યના ૭૦૦ હેક્ટરમાં ફેલાયેલાં ચાર લાખથી વધુ વૃક્ષોને કાપવાં પડે. એના માટે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરીની જરૂર પડે. તમામ મંજૂરી મળ્યા બાદ પ્રોજેક્ટ ઓછામાં ઓછાં ચાર વર્ષમાં પૂરો થઈ શકે છે. દમણગંગા નદી પર ત્રીજો પ્રોજેક્ટ છે, પણ છેલ્લા એક દાયકાથી માત્ર કાગળ પર જ છે. સુધરાઈએ ગારગાઈ અને દમણ ગંગા પ્રોજેક્ટ માટે ૩૫૦૦ કરોડનો ઉલ્લેખ કર્યો છે, પણ એના માટે કોઈ અલગ જોગવાઈ નથી.
૨૦૧૪થી શહેરમાં પાણીકાપ
વર્ષ ૨૦૨૨ : વરસાદ લંબાતાં પાણીનો જથ્થો ઘટીને ૯ ટકા થઈ જતાં ૨૮ જૂનથી ૧૨ જુલાઈ સુધી ૧૦ ટકા પાણીકાપ
ADVERTISEMENT
૨૦૨૦ : ઓછો વરસાદ પડતાં પાંચથી ૨૯ ઑગસ્ટ વચ્ચે ૧૦ ટકા પાણીકાપ
૨૦૧૮-’૧૯ : ૧૪ નવેમ્બર ૨૦૧૮થી જુલાઈ ૨૦૧૯ સુધી ૧૦ ટકા પાણીકાપ
૨૦૧૫-’૧૬ : જુલાઈથી ૨૦ ટકા પાણીકાપ મુકાયો એ બીજા વર્ષના ચોમાસા સુધી યથાવત્ રહ્યો
૨૦૧૪ : જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન ૨૦ ટકા પાણીકાપ