આજે કેટલાક વિસ્તારોમાં ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડી શકે
ગઈ કાલે મરીન ડ્રાઇવ પર વરસાદની મજા માણતા મુંબઈગરો.
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે છૂટાંછવાયાં પણ ધોધમાર ઝાપટાં પડ્યાં હતાં. કેટલીક જગ્યાએ કડાકાભડાકા સાથે વરસાદ ત્રાટક્યો હતો. મુંબઈમાં ગઈ કાલે આખો દિવસ વાદળાં છવાયેલાં રહ્યાં હતાં અને વચ્ચે-વચ્ચે વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં હતાં. મુંબઈ સહિત આખા મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં આ જ પરિસ્થિતિ હતી. આજે પણ છૂટોછવાયો ધોધમાર વરસાદ પડી શકે છે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
મુંબઈમાં આજે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન પચીસ ડિગ્રીની આસપાસ રહેશે. આજે કેટલાક વિસ્તારોમાં ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડી શકે એવી શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે.

