મોજીલા મુંબઈગરા ક્રિસમસની અને નવા વર્ષની ઉજવણી માટે પણ એટલા જ ઉત્સાહિત હોય છે અને એ માટે બચ્ચાંઓ સાથે લાલ ટોપી પહેરવામાં આનંદ અનુભવતા હોય છે.
ક્રિસમસમાં પણ ઠંડીનો ચમકારો જોવા નહીં મળે
મુંબઈ : મોજીલા મુંબઈગરા ક્રિસમસની અને નવા વર્ષની ઉજવણી માટે પણ એટલા જ ઉત્સાહિત હોય છે અને એ માટે બચ્ચાંઓ સાથે લાલ ટોપી પહેરવામાં આનંદ અનુભવતા હોય છે. સામાન્યપણે ડિસેમ્બર આવે એટલે ઠંડીનો ચમકારો મુંબઈમાં અનુભવાય છે અને મુંબઈગરા ક્રિસમસની મજા માણતા જોવા મળે છે. જોકે આ વખતે મુંબઈગરાને ક્રિસમસમાં પણ ઠંડીનો ચમકારો અનુભવવા મળશે કે કેમ એ વિશે શંકા છે. હાલમાં ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોનો અભાવ છે અને એ માટેનાં કુદરતી પરિબળો પણ એટલાં સ્ટ્રૉન્ગ નથી એટલે ઍટ લીસ્ટ મુંબઈમાં પારો નૉર્મલ કરતાં એકાદ ડિગ્રી વધારે જ રહેવાની સંભાવના છે.
મોસમ વિભાગના મુંબઈના ડિરેક્ટર સુનીલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં હાલ ઠંડીનો ચમકારો વર્તાય એવી શક્યતા ઓછી છે. મુંબઈ કોસ્ટલ એરિયામાં આવ્યું હોવાથી બપોરના સમયે સમુદ્ર પરથી આવતા પવાનોને કારણે પારામાં જલદીથી ઘટાડો નોંધાતો નથી. મુંબઈમાં ઠંડીનો જે ચમકારો જોવા મળતો હોય છે એની પાછળ ખાસ કરીને ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો કારણભૂત હોય છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પરથી ઠંડા પવનો હિમાલય તરફ આવતા હોય છે જેને કારણે હિમાલયમાં બરફ પડે છે અને ત્યાર બાદ ઉત્તર તરફથી પવનો દિક્ષણ તરફ વાય છે જેને કારણે ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે. હાલ બે-ચાર દિવસ થોડોઘણો પારો નીચે જાય અને ફરી પાછો એ ઉપર ચડે એવી પરિસ્થિતિ રહેવાની શક્યતા વધુ છે અને નૉમર્લી ડિસેમ્બરમાં જે ટેમ્પરેચર હોય એના કરતાં તો હાલ એકાદ ડિગ્રી જ પારો ઉપર રહેવાની શક્યતા છે. આગળ જે રીતે પરિબળો સર્જાશે એમ એમાં ફરક પડશે, પણ હાલ તો ડિસેમ્બરમાં એવા કોઈ મેજર ચેન્જિસ આવે એવું લાગી નથી રહ્યું.’