મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે પણ વરસાદ પડી શકે, પણ એનું જોર ઓછું હોવાની શક્યતાઃ એપ્રિલ મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ પડ્યો
Mumbai Rains
મુંબઈમાં બુધવારે મધરાત બાદ એકાદ કલાક સુધી વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો (તસવીર : સૈયદ સમીર અબેદી)
મોસમ વિભાગે કરેલી આગાહીને જાણે સાચી પુરવાર કરવા માગતો હોય એમ બુધવારે રાતે મધરાત બાદ એક જ કલાકમાં જોરદાર વરસાદ પડ્યો હતો. જોકે વેસ્ટર્ન સબર્બમાં એ જોરદાર પડ્યો હતો, જ્યારે શહેર અને ઈસ્ટર્ન સબર્બ્સમાં નોંધપાત્ર કહી શકાય એવો વરસાદ નહોતો પડ્યો.
વેસ્ટર્નનાં અંધેરી પછીનાં પરાંના મુંબઈગરા માંડ હજી સૂતા હતા ત્યાં જ બુધવારે મધરાત બાદ જોરદાર કડાકા-ભડાકા થયા હતા. રાતની શાંતિમાં વીજળીના કડાકા-ભડાકા થતા હતા ત્યારે એનો અવાજ બહુ વાર સુધી થતો હતો અને ભય પમાડતો હતો. આવા કડાકા-ભડાકા મૉન્સૂનની મોસમમાં જ સાંભળવા મળતા હોય છે.
ADVERTISEMENT
મોસમ વિભાગના જણાવ્યા મુજબ એ એક કલાકમાં માલવણી ફાયર સ્ટેશન, ગોરેગામમાં ૨૧ એમએમ, બોરીવલીમાં ૧૯ એમએમ, જોગેશ્વરીમાં ૧૭ એમએમ, મરોલમાં ૧૪ એમએમ અને કાંદિવલીમાં ૧૨ એમએમ વરસાદ નોંધાયો હતો. ઓવરઑલ મુંબઈમાં ૨૪ કલાક દરમિયાન ૧૪ એમએમ વરસાદ નોંધાયો હતો જે એપ્રિલમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. આ વરસાદ વખતે જોરદાર પવન પણ ફૂંકાયો હતો અને અનેક જગ્યાએ નાનાં-મોટાં વૃક્ષો પડ્યાં હતાં અને નાનું-મોટું નુકસાન થયું હતું.
વેધશાળાનાં ડિરેક્ટર ડૉક્ટર સુષમા નાયરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્યપણે આ સીઝનમાં પવનના ઝોકમાં લાઇન ઑફ ડિસકન્ટિન્યુટી જોવા મળતી હોય છે જેમાં પૂર્વ તરફથી પવનો આવતા હોય છે અને પશ્ચિમમાંથી પણ આવતા હોય છે. આ વખતે પશ્ચિમના પવનોનું જોર વધુ હતું અને એમાં ભેજ વધુ હતો એટલે વરસાદ પડ્યો હતો. જોકે આ વરસાદ ટેમ્પરરી હોય છે અને એની ઇફેક્ટ મૉન્સૂનના વરસાદની જેમ લાંબી નથી ટકતી હોતી. નવાઈની અને અમને પણ અચરજ પમાડે એવી વાત એ જોવા મળી કે એ માત્ર કેટલાક ચોક્કસ વિસ્તારો (માત્ર વેસ્ટર્ન સબર્બ્સ)માં પડ્યો. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગુરુ અને શુક્રમાં વરસાદ પડી શકે, પણ એનું જોર કદાચ ઓછું હોય એવી શક્યતા છે.’
મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ ખાસ કરીને નાશિક, બિડ અને ધારાશિવમાં છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા વરસાદને કારણે પાકને બહુ જ નુકસાન થયું છે. મોસમ વિભાગે નાશિક સહિત પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી અને ઔરંગાબાદમાં હજી ચારથી પાંચ દિવસ વરસાદ પડશે એટલે ખેડૂતોને સાબદા રહેવા અને કાળજી લેવા જણાવ્યું છે.