Mumbai Weather: આકાશ આંશિક રીતે ચોખ્ખું જોવા મળ્યું હતું. છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા નથી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
છેલ્લા અમુક દિવસથી જાણે મેઘરાજાએ વિરામ લીધો હોય એવું વાતાવરણ મુંબઈમાં (Mumbai Weather) જોવા મળી રહ્યું છે. આજે બુધવારે સ્વારથી જ મુંબઈમાં આકાશ આંશિક રીતે ચોખ્ખું જોવા મળ્યું હતું. આજે મોટેભાગે મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી બહુ જ ઓછી જોવા મળશે. હા, દિવસના અંતે આકાશ જરાક વાદળછાયું થઇ શકે છે. છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા નથી. મુંબઈમાં આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. આજે પવનની ગતિ પણ લગભગ 12 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે રહેશે.
થાણે-પાલઘર-નવી મુંબઈમાં કેવું હશે વાતાવરણ ?
ADVERTISEMENT
મુંબઈનાં આસપાસના વિસ્તાર (Mumbai Weather)ની વાત કરીએ તો થાણે અને નવી મુંબઈમાં આજે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. ત્યાં અન્સિક રીતે આકાશ વાદળછાયું રહેશે. જોકે, એ પણ કહી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની શક્યતા વ્યક્ત નથી કરાઈ. પાડોશી જીલ્લા પાલઘરની વાત કરવામાં આવે તો ત્યાં પણ વાતાવરણ શુષ્ક જ જોવા મળશે. ક્યારેક ક્યારેક વચ્ચે ઝરમર ઝાપટા થઇ શકે છે. જોકે, ભારે વરસાદની શક્યતા તો નથી જ. આમ પાલઘરમાં પણ આખો દિવસ ભેજવાળો અને વાદળછાયો એવો મિશ્રિત જશે.
મુંબઈની બહાર દક્ષિણ તરફ જઈએ તો રાયગઢ, રત્નાગિરી અને સિંધુદૂર્ગના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કે જ્યાં જુલાઈ અને ઓગસ્ટમાં મૂશળધાર વરસાદ (Mumbai Weather) થયો હતો અને તારાજી સર્જાઈ હતી. ત્યાં હવે હળવો વરસાદ જ અપેક્ષિત છે. પરંતુ ભારે વરસાદની કોઈ આગાહી નથી કરવામાં આવી. અહીં પણ દિવસનું તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ અને 31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
આમ જોતા જણાઈ રહ્યું છે કે ધીરે ધીરે હવે વર્ષના ચોમાસાનું જોર ઓછુ થઇ રહ્યું છે. હવામાન વિભાગે કોંકણ પ્રદેશ માટે સુદ્ધા કોઈ નવી આગાહી જારી કરી નથી.
મુંબઈનાં તળાવો કેટલાં છલક્યાં?
Mumbai Weather: મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં તળાવોમાં પાણીનું સ્તર પણ તેમના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી વધ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના આંકડા અનુસાર મુંબઈ શહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં પાણીનો સંયુક્ત જથ્થો 97.57 ટકા સુધી પહોંચી ગયો હતો. ગઈકાલે મંગળવારના રોજ બીએમસીના જણાવ્યા અનુસાર આ જળાશયોમાં સામૂહિક પાણીનો જથ્થો 14,12,235 મિલિયન લિટર થઇ ગયો હતો જે તેમની કુલ ક્ષમતાના 97.57 ટકા જેટલો માનવામાં આવે છે. બીએમસી તરફથી આખા મુંબઈ શહેરને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી વગેરે તળાવોમાંથી દરરોજ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.


