આ ઘટના ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે ચીરાબજારમાં આવેલી દાદીસેઠ અગિયારી લેનની બીજી ફણસવાડીમાં બની હતી
તસવીર : આશિષ રાજે
તળ મુંબઈના ચીરાબજારમાં આવેલા ગાંધી બિલ્ડિંગની કમ્પાઉન્ડ-વૉલ ગઈ કાલે હાઉસ ગલીમાં તૂટી પડતાં બે જણનાં મોત થયાં હતાં અને એક જણ ઘાયલ થયો હતો.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર આ ઘટના ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે ચીરાબજારમાં આવેલી દાદીસેઠ અગિયારી લેનની બીજી ફણસવાડીમાં બની હતી. પાંચથી સાત ફીટ ઊંચી અને ૩૦ ફીટ લાંબી કમ્પાઉન્ડ-વૉલ તૂટીને બાજુની હાઉસ ગલીમાં પડી હતી. ઘટનાની જાણ થતાં ફાયર-બ્રિગેડ પોલીસ અને BMCના અધિકારીઓ સ્પૉટ પર પહોંચી ગયા હતા. કાટમાળ હેઠળથી વિનયકુમાર નિષાદ (ઉં.વ. ૩૦) અને રામચંદ્ર સહાની (ઉં.વ. ૩૦)ને ગોકુળદાસ તેજપાલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ૧૯ વર્ષના સની કનોજિયાને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી.


