પ્રવાસીઓએ બેસ્ટને વિનંતી કરી છે, પણ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગે હજી કંઈ જવાબ નથી આપ્યોઃ પૅસેન્જરોના ગ્રુપે બે બસ પણ સાચવી રાખવા કહ્યું છે

૧૯૩૭માં મુંબઈમાં ડબલ-ડેકર બસની શરૂઆત થઈ હતી
આઠ દાયકા કરતાં વધુ સમયથી મુંબઈના પબ્લિક ટ્રાન્સપોર્ટના મહત્ત્વના અંગ સમાન ડબલ-ડેકર બસ શુક્રવારથી ઇતિહાસ બની જશે. ૧૯૯૦થી પ્રવાસીઓને જોવાલાયક સ્થળો દેખાડતી ટૂરિસ્ટ બસ પણ ઑક્ટોબરના પહેલા સપ્તાહ સુધી જ જોવા મળશે. પ્રવાસી જૂથોએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન, ટૂરિઝમ મિનિસ્ટર અને બેસ્ટ પ્રશાસન તંત્રને અનિક ડેપોમાં આવેલા મ્યુઝિયમમાં બે બસને સાચવવા માટે વિનંતી કરી છે. બેસ્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે ત્રણ ઓપન ડેક બસ સહિત હાલ બેસ્ટના કાફલામાં માત્ર સાત ડબલ-ડેકર બસ છે. તમામ બસને ૧૫ વર્ષ થઈ ગયાં હોવાથી ૧૫ સપ્ટેમ્બરથી એમને કાયમ માટે રસ્તા પરથી દૂર કરવામાં આવશે. લાલ રંગની ડબલ-ડેકર બસને ૧૯૩૭થી શહેરમાં શરૂ કરવામાં આવી હતી. ત્યારથી એ મુંબઈની ઓળખ બની હતી. ૧૯૯૦ના દાયકામાં બેસ્ટ પાસે ૯૦૦ ડબલ-ડેકર બસ હતી, પરંતુ ૯૦ના દાયકા બાદ એની સંખ્યા ક્રમશઃ ઘટાડવામાં આવી. ૨૦૦૮ બાદ વધુ મેઇન્ટેનન્સ ખર્ચને જોતાં ડબલ-ડેકર બસની ખરીદી બંધ કરવામાં આવી હતી. સુધરાઈએ જોવાલાયક સ્થળો માટે બૅટરીથી ચાલતી ડબલ-ડેકર ઈ-બસ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે એથી આવી બસ જોવા મળશે. પ્રવાસી સિદ્ધાર્થ જોશીએ કહ્યું હતું કે ‘નવી બસ એસી હોવાથી જૂની બસમાં જે રીતે આગળના ભાગમાં બેસીને બારીમાંથી આવતા પવનને માણવાની તક મળતી હતી એ હવે નહીં મળે.’
શુક્રવારે સાઉથ મુંબઈમાં ઘણા પ્રવાસીઓ ડબલ-ડેકર બસને શાનદાર વિદાય આપવા માગે છે, પરંતુ બેસ્ટ પ્રશાસને પ્રવાસી જૂથની વિનંતીનો કોઈ જવાબ આપ્યો નથી. ‘આપલી બેસ્ટ આપલ્યાસાઠી’ના કાર્યકારી પ્રમુખ સિદ્ધેશ મ્હાત્રેએ કહ્યું હતું કે ‘૧૯૬૪માં શહેરના રસ્તાઓ પરથી ટ્રામ કાયમ માટે અદૃશ્ય થઈ. શહેરમાં સિંગલ અને ડબલ-ડેકર બન્ને પ્રકારની ટ્રામ હતી, પરંતુ એક પણ પ્રકારની ટ્રામને સાચવીને રાખવામાં ન આવી. ત્યાર બાદ લોકોને દેખાડવા માટે છેક કલકત્તાથી ટ્રામ મગાવવી પડી હતી, એને પણ કાટ લાગી ગયો હતો. થોડાં વર્ષો પહેલાં જ એનું સમારકામ કરવામાં આવ્યું છે અને હાલ બોરીબંદરમાં એને સાચવવામાં આવી છે. વિશ્વનાં દરેક મેટ્રો શહેરમાં એક ટ્રાન્સપોર્ટ મ્યુઝિયમ હોય છે, પણ મુંબઈમાં નથી. આ બસોને સાચવી રાખીને એ દિશામાં એક પગલું જરૂર ભરવું જોઈએ.’