નિયમોનું પાલન પૂર્ણ થયું હોવાનો ક્લબનો દાવો, સભ્યોને ઑનલાઇન ફૂડ મગાવવા સૂચના
ફાઇલ તસવીર
મુંબઈના જાણીતા ‘ધ બૉમ્બે પ્રેસિડન્સી રેડિયો ક્લબ લિમિટેડ’ દ્વારા ફૂડ અૅન્ડ ડ્રગ અૅડ્મિનિસ્ટ્રેશન (FDA)ના આકસ્મિક નિરીક્ષણ બાદ પોતાના રસોડાનું કામકાજ અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ક્લબ-મૅનેજમેન્ટે પોતાના સભ્યોને જાણ કરી છે કે આગામી સૂચના ન મળે ત્યાં સુધી ફૂડ-સર્વિસ બંધ રહેશે, પરંતુ રમતગમતની સુવિધાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સમયગાળા દરમ્યાન સભ્યોને સ્વિગી, ઝોમાટો કે અન્ય ઑનલાઇન પ્લૅટફૉર્મ પરથી ફૂડ ઑર્ડર કરવાની સલાહ આપવામાં આવી છે.
બીજી તરફ રેડિયો ક્લબના જનરલ મૅનેજર ઓમપ્રકાશ તિવારીએ દાવો કર્યો હતો કે ‘બુધવારે FDAનું નિરીક્ષણ થયું હતું અને દર્શાવવામાં આવેલી તમામ ક્ષતિઓ તાત્કાલિક ધોરણે સુધારી લેવામાં આવી છે. અમે તમામ જરૂરી નિયમોનું પાલન પૂર્ણ કરી દીધું છે અને અમારું રસોડું ફરી કાર્યરત થઈ ગયું છે.’
ADVERTISEMENT
જોકે મૅનેજમેન્ટનો આ દાવો સભ્યોને મોકલવામાં આવેલી સત્તાવાર નોટિસ સાથે સુસંગત નથી જેમાં કિચન બંધ હોવાનું અને ઑનલાઇન ડિલિવરી પર નિર્ભર રહેવાનું સ્પષ્ટ જણાવાયું છે. પરિણામે FDA દ્વારા સત્તાવાર રીતે રસોડું બંધ કરવાનો આદેશ અપાયો હતો કે ક્લબે પોતે સ્વેચ્છાએ કામકાજ રોક્યું હતું અે વિશે અસ્પષ્ટતા પ્રવર્તી રહી છે.
