હરિતા ભદ્રાએ ૨૦૦ મીટરની દોડમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો, જપાન જતી વખતે મિડ-ડેને કહેલું કે દેશનું નામ રોશન કરીશ
એશિયન ગેમ્સમાં ભારતને બ્રૉન્ઝ મેડલ જિતાડ્યા પછી તિરંગા સાથે ખુશખુશાલ હરિતા ભદ્રા.
મુંબઈની ૨૩ વર્ષની દોડવીર હરિતા ભદ્રાએ પોતાની પહેલી એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. જપાનમાં મહિલાઓની ૨૦૦ મીટરની દોડની ફાઇનલમાં ૨૩.૨૦ સેકન્ડનો સમય નોંધાવીને હરિતા ભદ્રાએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જપાનની હરીફે ૨૩.૨૧ સેકન્ડમાં રેસ પૂરી કરી હોવાથી હરિતા ભદ્રાએ ૦.૦૧ સેકન્ડના અંતરથી પોડિયમ ફિનિશ કર્યું હતું. સિંગાપોરની હરીફે ૨૨.૭૮ સેકન્ડમાં અને ચીનની હરીફે ૨૨.૯૩ સેકન્ડમાં રેસ પૂરી કરીને ટૉપ-ટૂમાં સ્થાન મેળવ્યું હતું.
ઘાટકોપરની ૨૩ વર્ષની કચ્છી ભાનુશાલી ગર્લ હરિતા ભદ્રાએ જપાન જતાં પહેલાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ પર આ મારી ડેબ્યુ ચૅમ્પિયિનશિપ હશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરવા ઉત્સુક છું. આખું વર્ષ પ્રૅક્ટિસ પણ જોરદાર કરી છે.’
ADVERTISEMENT
હરિતા ભદ્રાએ બ્રૉન્ઝ મેડલ જીતીને ભારતનું નામ ખરા અર્થમાં રોશન કરી બતાવ્યું છે.
હરિતા અનેક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ભારતનું નામ રોશન કરશે એવી અપેક્ષા છે. આગામી પાંચ વર્ષમાં તે પોતાને ઑલિમ્પિક્સમાં જોવા માગે છે.
૨૪ જૂનથી ૨૮ જૂન વચ્ચે ભુવનેશ્વરના કલિંગામાં આયોજિત ૬૫મી ઇન્ટરસ્ટેટ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં મહિલાઓની ૨૦૦ મીટર દોડમાં ૨૩.૧૪ સેકન્ડમાં ફિનિશલાઇન પાર કરીને હરિતાએ એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય કર્યું હતું.
હરિતા સ્પોર્ટ્સ સાયન્સ, કોચિંગ અને ફિઝિકલ એજ્યુકેશનમાં BSc (ઑનર્સ) ડિગ્રી ધરાવે છે
રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ લેવા ૨૦૨૨-’૨૫માં હરિતાએ લંડનની લોફબરો યુનિવર્સિટીથી સ્પોર્ટ્સ સાયન્સ, કોચિંગ અને ફિઝિકલ એજ્યુકેશનમાં BSc (ઑનર્સ)ની ડિગ્રી લીધી. ગયા વર્ષે ઑગસ્ટમાં મુંબઈ પાછા આવ્યા બાદ તેણે નવી મુંબઈના ઉલવેમાં આવેલા રિલાયન્સ ફાઉન્ડેશનમાં કોચ રોહિત માનેના માર્ગદર્શનમાં તાલીમ શરૂ કરી હતી. દરરોજ ૩ કલાકની પ્રૅક્ટિસ અને ડાયટને ફોકસમાં રાખીને તેણે દોડવાની ઝડપ વધારી હતી.
