Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ દાદાજી ૧૦૦ વર્ષના છે પણ ખરેખર તો યંગસ્ટર છે

આ દાદાજી ૧૦૦ વર્ષના છે પણ ખરેખર તો યંગસ્ટર છે

Published : 29 August, 2026 11:34 AM | IST | Mumbai
Darshini Vashi

૯૪ વર્ષની ઉંમર સુધી જૉબ કરી, એના માટે રોજ ટ્રેનમાં મલાડથી અંધેરી જતા; ૯૬ વર્ષની ઉંમરે યુરોપ અને ૯૮ વર્ષની ઉંમરે દુબઈ ફરવા ગયા : કનકરાય બાવીસીની ઍક્ટિવ લાઇફ અને સ્વાવલંબી જીવન પ્રેરણારૂપ છે

૧૦૦મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે કનકરાય બાવીસી

People Live

૧૦૦મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે કનકરાય બાવીસી


૧૯૨૬ની સાલમાં જેતપુરમાં જન્મેલા અને હાલમાં તેમના દીકરા સંજયની સાથે મલાડ (વેસ્ટ)માં રહેતા કનકરાય બાવીસી ત્રીજી ઑગસ્ટે ૧૦૧મા વર્ષમાં પ્રવેશ્યા છે. સામાન્ય રીતે આજના સમયમાં ૧૦૦ વર્ષનું આયુષ્ય જૂજ લોકો ભોગવી શકે છે. અેમાં પણ આ ઉંમર સુધી આવતાં-આવતાં મોટા ભાગના લોકો ખાટલાવશ થઈ જતા હોય છે અથવા તો હૉસ્પિટલનાં ચક્કર મારતા હોય છે, પરંતુ કનકરાય બાવીસીની સ્ટોરી કંઈક અલગ જ છે. આયુષ્યનાં ૧૦૦ વર્ષ પૂરાં કર્યા હોવા છતાં તેમની અૅક્ટિવ લાઇફ અને સ્વાવલંબી જીવન દરેકને પ્રેરણા આપે એવું છે.

૧૦૦ વર્ષની ઉંમરે પણ સ્પષ્ટ બોલી શકતા કનકરાય બાવીસી કહે છે, ‘મને યાદ નથી કે હું ક્યારે પણ એમ જ બેસી રહ્યો હોઉં. સતત પોતાની જાતને વ્યસ્ત રાખું છું અને રોજ નવું-નવું શીખવાના પ્રયત્નો કરું છું. નાનપણથી હું ખૂબ જ સ્ટ્રૉન્ગ રહ્યો છું. આઝાદીની ચળવળમાં બ્રિટિશરોની લાઠી પણ ખાધી છે અને નસીબની લાઠી પણ ખાધી છે. નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવારને પોષવા ગામ છોડીને મુંબઈ આવ્યો. મુંબઈમાં આવીને અનેક ધક્કા ખાધા, જે મળતું એ કામ કરી લેતો. કામે પણ ચાલીને જતો અને પૈસા જે બચતા અેનો ઉપયોગ પરિવારની જરૂરિયાત પૂરી કરવા કરતો. આમ કેટલાંય વર્ષો વીતી ગયાં. બાળકો મોટાં થઈ ગયાં અને હવે તેમનાં બાળકો પણ મોટાં થઈ ગયાં, પરંતુ આખું જીવન શરીર અને મન બન્નેને સતત એવું કાર્યશીલ રાખ્યું કે આજે ૧૦૦ વર્ષની ઉંમરે પણ બેસી રહેવાનું મન થતું નથી. મારાં બાળકો અને પૌત્ર-પૌત્રી મને ખૂબ જ પ્રેમ કરે છે, મારો આદર-સમ્માન કરે છે જે મારું ખરું વળતર છે. તેમના લીધે હું ૯૪ વર્ષની ઉંમર સુધી નોકરી કરી શક્યો અને ૯૬ વર્ષની ઉંમરે વિદેશના પ્રવાસે જઈ શક્યો.’



પોતાના દાદા વિશે વાત કરતાં પૌત્રી મેઘા બાવીસી કહે છે, ‘દાદાએ ૯૪ વર્ષની ઉંમર સુધી નોકરી કરી હતી. ૧૯૯૫માં તેમણે એક ટેક્સટાઇલ મિલ જૉઇન કરેલી અને એમાં ૬૬ વર્ષ કામ કર્યું. રોજ મલાડથી ટ્રેન પકડીને અંધેરી જતા, પરંતુ પછી કોરોના આવ્યો એટલે તેઓ ઘરમાં બેસવા તૈયાર થયા હતા અને ત્યાર બાદ અમે તેમને નોકરી માટે જવા જ દીધા નહોતા. તેમનો જીવનમંત્ર છે, ‘વૉકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ’. આજે લોકોને પાંચ મિનિટ ચાલવાનું હોય તો પણ રિક્ષા શોધે ત્યારે મારા દાદા રોજ કેટલાય કિલોમીટર ચાલી નાખે છે. તેમનું માનવું છે કે જ્યાં સુધી તમારા પગ ચાલશે ત્યાં સુધી તમારું શરીર પણ ચાલશે.’


૯૬ વર્ષે યુરોપ

દાદા ૯૬ વર્ષની ઉંમરે યુરોપ ફરવા ગયા હતા એ વિશે જણાવતાં મેઘા કહે છે, ‘કોઈ પણ ટૂરવાળા તેમને એકલા વિદેશ લઈ જવા તૈયાર હતા નહીં. આટલી મોટી ઉંમરની વ્યક્તિને એકલા વિદેશના પ્રવાસે લઈ જવું તેમને જોખમી લાગતું હતું, પરંતુ દાદાને તો જવું જ હતું એટલે પછી તેઓ મારા કાકા અને તેમના મોટા દીકરા ભરત અને તેમની પત્ની દર્શના સાથે ટૂર પર ગયા. વિદેશમાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જ સૌથી મોટો હોય છે એટલે તેઓ પૈસા બચાવવા યુરોપમાં મોટા ભાગનાં સ્થળે પગપાળા જતા હતા. લગભગ ૩૦ કિલોમીટર કરતાં વધુ અંતર તેમણે પગપાળા કાપ્યું હતું. તેમની ઉંમરના માણસને આ રીતે યુરોપના રસ્તા પર ચાલતા જોઈને ત્યાંના લોકલ લોકો તેમને રસ્તામાં રોકીને તેમને તેમની ઉંમર પૂછતા હતા અને કેટલાક લોકો તો તેમનાથી એટલા બધા પ્રભાવિત થઈ જતા હતા કે તેમની સાથે સેલ્ફી પણ લેતા હતા. આવી જ રીતે તેઓ ૯૮ વર્ષની ઉંમરે દુબઈ પણ જઈ આવ્યા છે. ત્યાં તેઓ તેમના દીકરા અને મારાં પપ્પા-મમ્મી સંજય અને જયશ્રી સાથે ગયા હતા. દુબઈમાં દાદાએ ડેઝર્ટ સફારી કરી હતી. ના પાડવામાં આવી હતી છતાં તેઓ જીદ કરીને ડ્રાઇવરની બાજુમાં જઈને બેસી ગયા હતા અને કહ્યું કે જે થશે અે જોવાઈ જશે. તેઓ ફરવાના ખૂબ જ શોખીન છે. તેઓ દર વર્ષે અમારા વતનમાં પણ જાય છે. ભલે પોતાના સમયે મેટ્રિક સુધી જ ભણ્યા હતા છતાં તેઓ ખૂબ જ નૉલેજેબલ અને બ્રિલિયન્ટ છે. અંગ્રેજી ભાષા પર પણ તેમનું સારું એવું પ્રભુત્વ છે. તેમને લીગલ ટર્મ વિશે પણ સારું એવું નૉલેજ છે. કોઈ પણ કાનૂની દસ્તાવેજો પર તેઓ વકીલની સાથે વાત કરી શકે છે. અમને નોકરી માટે ઑફર-લેટર આવ્યો હોય તો તેઓ જ સૌથી પહેલાં એની સ્ટડી કરે અને પછી અમને નિર્ણય લેવામાં મદદ કરે. તેમની સૂઝબૂઝ ખૂબ જ સારી છે.’


નખમાં પણ રોગ નથી

૧૦૦ વર્ષની ઉંમરે દાદાને નખમાં પણ રોગ નથી એમ જણાવતાં મેઘા કહે છે, ‘તેઓ આજ સુધી એક પણ વખત હૉસ્પિટલમાં ઍડ્‌મિટ નથી થયા. ઉંમરના હિસાબે તેમને ઊંચું સંભળાય છે, એ સિવાય તેમને બીજી કોઈ બીમારી નથી. તેમની હેલ્થ એકદમ ઑલરાઇટ છે. એક ઉદાહરણ આપું તો કોરોના આવ્યો ત્યારે મારા દાદા કાશ્મીરમાં હતા. તેઓ મુંબઈ ઘરે આવ્યા ત્યાર બાદ તેમના સહિત દરેકને કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં એટલે અમે બધાએ રિપોર્ટ કઢાવ્યો હતો. અમને બધાને કોરોનાની સારી એવી અસર થઈ હતી, જ્યારે મારા દાદાને નજીવી અસર થઈ હતી અને તેઓ અમારા બધા કરતાં ઝડપથી હોમ-કૅરમાં રિકવર પણ થઈ ગયા હતા. આ જોઈને ડૉક્ટરને પણ નવાઈ લાગી હતી. તેમની તંદુરસ્ત તબિયત પાછળનું કારણ તેમની નિયમિત લાઇફ, રેગ્યુલર વૉકિંગ, ખુશમિજાજ સ્વભાવ અને સમતોલ ભોજન છે. તેમનો રોજનો કાર્યક્રમ લગભગ નક્કી જ હોય છે, પરંતુ OTT પર રોજ રાત્રે સિરીઝ જોવાનું તેઓ ક્યારેય ભૂલતા નથી. રોજ સવારે વહેલા ઊઠીને ચાલવા જાય છે. ચાલીને આવે પછી ન્યુઝપેપર વાંચે છે અને રોજ ‘મિડ-ડે’ તો ખાસ વાંચે છે અને એમાં આવતાં ક્રૉસવર્ડ અને પઝલ્સ ભરે છે. પોતાનું દરેક કામ તેઓ જ જાતે કરે છે. તેઓ જમતા હોય અને તેમને કંઈ જોઈતું હોય તો તેઓ કોઈને કહેતા નથી, પોતે જ રસોડામાં જઈને લઈ આવે છે. ઘરમાં કોઈ બિલ આવ્યાં હોય તો તેઓ ચૂકવવા નીકળી જાય છે. કપડાંની ઇસ્ત્રી કરવાની બાકી હોય તો તેઓ જાતે જ કરવા બેસી જાય છે. બપોરે હેડફોન લગાડીને મ્યુઝિક સાંભળે. મારાં દાદી અત્યારે હયાત નથી, પરંતુ તેઓ જ્યારે હતાં ત્યારે ખૂબ ગીતો ગાતાં. તેમને સંગીતમાં પણ ખૂબ રસ હતો અને સારી એવી હથોટી પણ હતી એટલે મારા દાદાને પણ પહેલાંથી સંગીતનો શોખ રહ્યો છે. સાંજે ભજન-કીર્તન કરે. રાત્રે ફૅમિલી સાથે બેસીને વાતો કરે. અમે કોઈક પર્સનલ કે ફાઇનૅન્શિયલ બાબતમાં ગૂંચવાતા હોઈએ તો અમને સલાહ-સૂચન આપે અને રાત્રે નેટફ્લિક્સ પર સિરીઝ અથવા તો મૂવી જોઈને જ સૂવે. બૉલીવુડની જ નહીં, હૉલીવુડની સિરીઝ અને મૂવી પણ તેઓ જુએ છે.’ 

૧૦૦મી વર્ષગાંઠનું સેલિબ્રેશન

પૌત્રી મેઘા બાવીસી કહે છે, `દાદાની ૧૦૦મી વર્ષગાંઠના સેલિબ્રેશનમાં અમે દાદાને સરપ્રાઇઝ આપી હતી. હવે તેમના મિત્રો તો કોઈ હયાત નથી તેમ છતાં તેઓ જેમની સાથે ચાલવા જાય છે, બિલ્ડિંગના ઓળખીતા લોકો, ફૅમિલી-ફ્રેન્ડ્સ અને ક્લોઝ રિલેટિવ હોય અેવા ૧૦૦ જણને અમે બર્થ-ડે માટે આમંત્રણ આપ્યું હતું. અમે એક સિંગરને પણ બોલાવ્યો હતો. તેણે જૂનાં-નવાં બધાં ગીતો ગાયાં. ગુજરાતી ગરબા પણ ગવડાવ્યા અને દાદા એમાં મન ભરીને નાચ્યા. એક યંગસ્ટરનો બર્થ-ડે સેલિબ્રેટ કરવામાં આવે એ રીતે અમે દાદાનો કર્યો હતો.`

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 11:34 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK