Mumbai Road Accident: સીવરી તરફ જઈ રહેલ એક ૩૬ વર્ષના ભાઈની કાર ડમ્પર સાથે અથડાઈ હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
અટલ સેતુ પરથી અવારનવાર અકસ્માતોની ઘટના (Mumbai Road Accident) સામે આવતી હોય છે. તાજેતરમાં જ સીવરી તરફ જઈ રહેલ એક ૩૬ વર્ષના ભાઈની કાર ડમ્પર સાથે અથડાઈ હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. સચિન હનુમંત ખાડે નામનો આ ભાઈ મુંબઈમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેની પત્ની મુંબઈ પોલીસમાં સહાયક પોલીસ નિરીક્ષક તરીકેની ફરજ બજાવે છે. રિપોર્ટ અનુસાર સચિન ખાડેનું મૂળ ગામ માંડવે છે જે સતારાના ખાતવ તાલુકામાં આવેલું છે. સચિન મુંબઈમાં એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. જ્યારે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. તે સીવરીમાં રહેતો હતો.
કાર ડમ્પર સાથે અથડાઈ- કારનો કચ્ચરઘાણ નીકળી ગયો-આબાદ બચી ગયો ડ્રાઈવર
ADVERTISEMENT
Mumbai Road Accident: સચિનની કાર પાછળથી ડમ્પર સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી તીવ્ર હતી કે કારની પાછળની સીટ પર બેઠેલા સચિનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેની કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો પરંતુ સચિન બચી શક્યો નહોતો તેણે ઘટનાસ્થળે જ દમ તોડી નાખ્યો હતો. પોલીસ સૂત્રોએ આ ઘટના બાબતે જણાવ્યું હતું કે અટલ સેતુ પરથી પસાર થતી વખતે કાર નિયંત્રણ બહાર થઈ ગઈ હતી, જેના કારણે આ અકસ્માત (Mumbai Road Accident) થયો છે. હાલ, સીવરી પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
અન્ય એક અકસ્માત - જોગેશ્વરી પૂર્વમાં સ્કૂટર અને વોટરટેન્કર વચ્ચે ટક્કર થતાં 63 વર્ષીય મહિલાનું મોત થયું.
તાજેતરમાં આવી જ એક અન્ય ઘટના (Mumbai Road Accident) બની હતી જેમાં જોગેશ્વરી પૂર્વમાં પાણીના ટેન્કર અને સ્કૂટરની ટક્કર થઇ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે તેમાં 63 વર્ષીય મહિલા આશા દત્તારામ જાધવનું મોત નીપજ્યું હતું. આ ઘટના લગભગ બપોરે એક વાગ્યાની આસપાસ બની હતી. આશાબહેન તેના કોઈ સગાવ્હાલાના ઘરે પૂજામાંથી પરત આવી રહ્યા હતા. આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર 19 વર્ષીય આદિત્યને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જોકે, આદિત્યએ જણાવ્યું હતું કે ટેન્કર ચાલક અંગદ કુમાર ફોન પર વાત કરતા કરતા વાહન ચલાવી રહ્યો હતો. આશાબહેન ઘટનાસ્થળે જ બેમાન થઇ ગયા હતા અને તેઓને નજીકની જોગેશ્વરીની ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલ મુંબઈ પોલીસે ટેન્કરચાલક સામે ગુનો નોંધ્યો છે. આરોપી ચાલકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યો હતો. હાલ આ કેસ અંગે તપાસ ચાલી રહી છે.


