૩૦ સપ્ટેમ્બર સુધી એ કાર્યરત રહેશે : એમએમઆરડીએ દ્વારા ચાર નંબર જાહેર કરવામાં આવ્યા : એના પર વરસાદમાં પાણી ભરાવું, વૃક્ષ તૂટવું, ટ્રાફિકની સમસ્યા સંબંધી ફરિયાદ થઈ શકશે
ફાઇલ તસવીર
ચોમાસું નજીક છે ત્યારે વરસાદ સંબંધી સમસ્યા ઊભી થાય ત્યારે લોકો સંપર્ક કરી શકે એ માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરીડીએ) દ્વારા એક કન્ટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, જે આજથી કાર્યરત થઈ જશે અને ૩૦ સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેશે. બીએમસી, પીડબ્યુડી, એમએઆરડીએ જેવી ડિઝૅસ્ટર કન્ટ્રોલ એજન્સી સાથે તાલમેલ ગોઠવીને લોકોની ફરિયાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ચોમાસામાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં લોકો અને વાહનોની અવરજવર પર અસર થતી હોય છે એને ધ્યાનમાં રાખીને એમએમઆરડીએ દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વરસાદના સમયમાં વૃક્ષ તૂટી પડવાં, પાણી ભરાવું, અકસ્માત, ટ્રાફિક-જૅમ કે રસ્તાના ખાડા જેવી મુશ્કેલી વખતે લોકો આ કન્ટ્રોલ રૂમના નંબરો પર ફોન કરીને મદદ મેળવી શકશે. આ કન્ટ્રોલ રૂમ ૨૪/૭ ચાલશે એટલે કર્મચારીઓ અહીં ત્રણ શિફ્ટમાં કામ કરશે.
ADVERTISEMENT
ગયા વર્ષના અંતમાં ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે બીએમસીએ એમએમઆરડીએને હસ્તાંતરિત કર્યાં હતા. અત્યારે એમએમઆરડીએ દ્વારા એમએમઆરમાં મેટ્રો રેલ, મુંબઈ
ટ્રાર્ન્સ-હાર્બર લિન્ક, સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ એક્સ્ટેન્શન, ઐરોલી-કટઈ નાકા ટનલ-કમ-એલિવેટેડ રોડ પ્રોજેક્ટ, શિવડી-વરલી કનેક્ટર, છેડાનગર જંક્શન રોડ વગેરે પ્રોજેક્ટ ચાલી
રહ્યા છે. એમએમઆરડીએના કમિશનર એસવીઆર શ્રીનિવાસે કહ્યું હતું કે ‘અત્યારે ચાલી રહેલાં કામ જેમને સોંપવામાં આવ્યાં છે એ કૉન્ટ્રૅક્ટરોને સુરક્ષા પર ભાર આપવાનું કહેવામાં આવ્યું છે. તેમને સાઇડના સ્થળે બૅરિકેટિંગ, નુકસાન પામેલા રસ્તાનું કામ, રસ્તામાં નાખવામાં આવેલા કાટમાળને હટાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ સિવાય ચોમાસામાં જે સ્થળે પાણી ભરાવાની મુશ્કેલી છે ત્યાં પાણી ન ભરાય એ માટેની વ્યવસ્થા ઊભી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. લોકો ચોમાસામાં વરસાદ સંબંધી ફરિયાદ કરી શકે એ માટે કન્ટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, જે ૧ જૂનથી ૩૦ સપ્ટેમ્બર સુધી ૨૪/૭ કલાક કાર્યરત રહેશે.’
આ નંબરો પર મદદ મળશે
022-26591241
022-26594176
86574 02090
18000228801


