Mumbai Rains: રવિવારે રાત્રે મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા; ગઈકાલ રાતના મુશળધાર વરસાદ બાદ શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા; દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી શહેરમાં `ઓરેન્જ એલર્ટ` જાહેર કર્યું છે
તસવીરઃ સતેજ શિંદે
મુંબઈ (Mumbai)માં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદ (Mumbai Rains)ને કારણે સોમવારે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની ગતિ ધીમી પડી હતી. બીજી તરફ, ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ આગામી થોડા દિવસો માટે આ આર્થિક રાજધાનીમાં `ઓરેન્જ એલર્ટ` (Mumbai Orange Alert) જાહેર કર્યું છે.
મુંબઈ સ્થિત આઈએમડીના પ્રાદેશિક હવામાન કેન્દ્ર દ્વારા આજે જારી કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, શહેરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ, વીજળીના કડાકા અને જોરદાર પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
ADVERTISEMENT
૩ જુલાઈ સુધી શહેરમાં ઓરેન્જ એલર્ટ
ચોમાસાની તીવ્ર ગતિવિધિઓ વચ્ચે સત્તાવાળાઓએ નાગરિકોને સાવધ રહેવાની ચેતવણી આપી છે. મુંબઈમાં ૨૯ જૂન, ૧ જુલાઈ, ૨ જુલાઈ અને ૩ જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાનની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન વીજળીના કડાકા-ભડાકા અને કલાકના ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા જોરદાર પવન સાથે વાવાઝોડું આવવાની પણ પ્રબળ સંભાવના છે.
મુંબઈમાં રાત્રે પડ્યો મુશળધાર વરસાદ
રાતભર મુંબઈના કેટલાક ભાગોમાં પડેલા અવિરત વરસાદ બાદ સોમવારે સવારે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને અનેક ઠેકાણે પાણી ભરાયું હતું. મરીન લાઈન્સ, પ્રભાદેવી, ભાયખલા, લાલબાગ, અંધેરી, માલાડ, જોગેશ્વરી, કુર્લા, મુલુંડ અને કાંજુરમાર્ગ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો.
રાત્રિ દરમિયાન પાણી ભરાઈ જવાના કારણે અંધેરી અને માલાડ સબવેને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા. મુંબઈ ટ્રાફિક પોલીસ (Mumbai Traffic Police)એ પાછળથી પુષ્ટિ કરી હતી કે સવાર સુધીમાં પાણીના સ્તર ઘટ્યા બાદ વાહનવ્યવહાર ફરી શરૂ થઈ ગયો હતો.
મરીન ડ્રાઈવના દ્રશ્યોમાં સતત પડી રહેલા વરસાદ વચ્ચે દરિયાના જોરદાર મોજા કિનારા સાથે અથડાતા જોવા મળ્યા હતા, જ્યારે મુંબઈ કોસ્ટલ રોડ અને પશ્ચિમી ઉપનગરોના રસ્તાઓ ભીના હોવાને કારણે ઓફિસના પીક અવર્સ (વ્યસ્ત સમય) દરમિયાન વાહનોની ગતિ ધીમી રહી હતી.
આઈએમડી (IMD)ના બુલેટિનમાં પાડોશી જિલ્લાઓ થાણે (Thane) અને રાયગઢ (Raigadh) માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે પાલઘર (Palghar)માં ૨૯ જૂને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે મુંબઈ માટે જણાવ્યું છે કે, કોંકણ (Konkan) ક્ષેત્રમાં ચોમાસું સક્રિય થતાં આગામી દિવસોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. શહેરમાં સતત ભારે વરસાદ અને સંવેદનશીલ વિસ્તારોમાં પાણી ભરાવાની સંભવિત ઘટનાઓની આગાહીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા (BMC)ના સત્તાવાળાઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો (Disaster Management Teams) એલર્ટ પર છે.
