PETA ઇન્ડિયાએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને આ વિશે રજૂઆત કરી હતી
પ્રતીકાત્મક તસવીર
પ્રાણીઓના અધિકારો માટે કામ કરતી સંસ્થા પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA) ઇન્ડિયાએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે બીજી ઑક્ટોબરે ગાંધી જયંતીથી દેશભરમાં હોર્ડિંગ્સ, ટીવી, ઑનલાઇન પ્લૅટફૉર્મ અને અન્ય તમામ માધ્યમો પર માંસની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવે. સંસ્થાનું કહેવું છે કે આ પગલું મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
PETA ઇન્ડિયાએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને આ વિશે રજૂઆત કરી હતી. સંસ્થાના વીગન ઍન્ડ કૉર્પોરેટ પ્રોજેક્ટ્સના અધિકારીના જણાવ્યા અનુસાર ભારતમાં વર્ષોથી શાકાહારી ભોજનની પરંપરા રહી છે જેને વિશ્વભરમાં પ્રોત્સાહન મળવું જોઈએ. સંસ્થાએ યુરોપનાં કેટલાંક શહેરોનો હવાલો આપ્યો હતો જ્યાં પર્યાવરણની ચિંતાને કારણે માંસની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત માંસઉદ્યોગમાં પ્રાણીઓ પ્રત્યે થતી ક્રૂરતા, બીમારીઓનો ફેલાવો અને ભવિષ્યમાં H5N1 બર્ડ-ફ્લુના જોખમને ટાળવા માટે પણ આવી જાહેરાતો બંધ કરવી જરૂરી હોવાનું સંસ્થાએ જણાવ્યું છે.
