મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અનેક ગાડીઓ ખોટકાઈ, લાઇન લાગી ગઈ: સમૃદ્ધિ મહામાર્ગ પર પણ ઇગતપુરી એક્ઝિટ પાસે મોટરિસ્ટો ફસાયા
લોનાવલા, ખંડાલા પાસે સખત ટ્રાફિક જૅમમાં ફસાયેલા સહેલાણીઓએ કલાકો સુધી કારમાં જ બેસી રહેવું પડ્યું હતું.
લૉન્ગ વીક-એન્ડ આવતાં જ મુંબઈગરાઓ મુંબઈ બહાર લોનાવલા, માથેરાન, મહાબળેશ્વર જવા નીકળી પડતા હોય છે. આ વખતે ગઈ કાલે શુક્રવારે સ્વતંત્રતાદિન, શનિવારે ગોકુળાષ્ટમી અને રવિવારના વીકલી ઑફની ત્રણ દિવસની રજાઓ એકસાથે આવતાં અનેક મુંબઈગરાઓ પુણે તરફ જવા ગઈ કાલે સવારે નીકળી ગયા હતા. જોકે મુંબઈ-પુણે રોડ પર અનેક વ્હીકલમાં ટેક્નિકલ ફૉલ્ટ આવતાં ખાસ કરીને ક્લચ પ્લેટ જૅમ થતાં વાહનો રસ્તા વચ્ચે જ અટકી જતાં હતાં. એક તો રજાને કારણે જોરદાર ટ્રાફિક અને એમાં વાહનો અટકી જતાં ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. વાહનોની લાઇન લાગી ગઈ હતી અને કલાકો સુધી લોકોએ એક જ જગ્યાએ અટવાઈ જવું પડ્યું હતું. કેટલાક ફસાયેલા મોટરિસ્ટોએ સોશ્યલ મીડિયામાં મેસેજ કરીને કહી દીધું હતું કે જો આ રસ્તે આવવાનું વિચારતા હો અને હજી નીકળ્યા ન હો તો આ બાજુ આવવાનું ટાળજો, નહીં તો હેરાન થવું પડશે.
આવી જ પરિસ્થિતિ મુંબઈ–નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ પર ઇગતપુરી એક્ઝિટ પર જોવા મળી હતી. નાશિક, ઐરંગાબાદ અને એની આસપાસના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ પર જવા સહેલાણીઓએ ભારે ધસારો કર્યો હતો. એના કારણે ઇગતપુરી એક્ઝિટ પર બૉટલનેકને લીધે વાહનો અટક્યાં હતાં. એ જ રીતે મોટી સંખ્યામાં વાહનો હોવાથી ટોલનાકા પર પણ એની લાંબી કતારો લાગી ગઈ હતી. ફાસ્ટૅગ ફરજિયાત હોવા છતાં વાહનો નીકળવામાં વાર લાગતી હતી અને લોકોને હાડમારી ભોગવવી પડી હતી. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ ઑફિશ્યલી જાહેરાત નહોતી કરાઈ, પણ આજે અને આવતી કાલે પણ ટ્રાફિક રહેશે એવી આશંકા હોવાથી ટ્રાફિક કન્ટ્રોલ કરવા માટે મોટી સંખ્યામાં ટ્રાફિક-કૉન્સ્ટેબલ તહેનાત કરવામાં આવે એવી શક્યતા છે.


