નવ દિવસ પહેલાં ભાઈંદરમાં રેલવે-ટ્રૅક પર માથું મૂકી દેનારા ગુજરાતી પિતા-પુત્ર ઘરેથી સ્ટેશન પહોંચ્યા એ દરમ્યાન આટલો સમય ક્યાં હતા એની માહિતી મેળવવાની કોશિશ કરી રહી છે પોલીસ. તેમનું માનવું છે કે આ સમયગાળામાં તેમણે શું કર્યું એના પરથી મળી શકે મહત્વની લીડ
આત્મહત્યા કરનાર પિતા-પુત્ર
નાલાસોપારાના રશ્મિ દિવ્યા કૉમ્પ્લેક્સમાં રહેતા હરીશ અને તેમના પુત્ર જય મહેતાએ ૮ જૂને સવારે ૧૧.૩૦ વાગ્યે ભાઈંદર રેલવે-સ્ટેશન નજીક લોકલ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી એ ઘટનાને ૯ દિવસ થઈ ગયા હોવા છતાં બન્નેએ કયા કારણસર આત્મહત્યા કરી એનો જવાબ વસઈ રેલવે-પોલીસને નથી મળી રહ્યો. આ કેસની તપાસના ભાગરૂપે સોમવારે સાંજે પોલીસે રશ્મિ દિવ્યા કૉમ્પ્લેક્સમાં પિતા-પુત્રના ઘરની આજુબાજુ રહેતા બે વ્યક્તિનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં હતાં. પોલીસ અત્યાર સુધી કુલ પાંચ જણનાં સ્ટેટમેન્ટ નોંધીને આગળની તપાસ કરી રહી છે.
હરીશ અને જય મહેતા ઘટનાના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે ઘરેથી નીકળીને ૯.૪૭ વાગ્યે વસઈ સ્ટેશન પહોંચ્યા હતા અને ૯.૫૧ વાગ્યે તેમણે ભાઈંદર જવા માટે ટિકિટ લીધી હતી એમ જણાવતાં વસઈ રેલવે પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ગણપત તુંબાડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે ૯.૫૧ વાગ્યે વસઈ રેલવે-સ્ટેશનથી ટિકિટ લઈ તેઓ ટ્રેન પકડીને ભાઈંદર ઊતર્યા હતા એ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)ના ફુટેજમાં જોવા મળે છે, પણ એ પહેલાં ૮.૩૦થી ૯.૪૭ વચ્ચેના સમયગાળામાં એટલે કે ૭૭ મિનિટ તેઓ ક્યાં હતા એની માહિતી હજી સુધી અમને નથી મળી. એ માટે બન્નેના કૉલ ડેટા રેકૉર્ડ અમે મગાવ્યા છે. બન્નેના મોબાઇલમાં છેલ્લા એક મહિનામાં જેમની પણ સાથે તેમણે ચૅટ કર્યું છે એનાં પ્રિન્ટઆઉટ કાઢી એમાં કોઈ પ્રકારની વિસંગતિ છે કે નહીં અથવા બન્નેની સતામણી થઈ છે કે નહીં એની વિગત અમે કાઢી રહ્યા છીએ. જોકે અત્યાર સુધી તો એમાં કશું નથી મળ્યું. જયની પત્નીને પણ અમે ત્રણ વાર પૂછપરછ માટે બોલાવી હતી. તેણે સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ઘરમાં તેમને કોઈ પ્રકારની પરેશાની નહોતી. તેમણે ૨૦૧૫માં ફ્લૅટ લીધો હતો ત્યારે થોડા ઘણા પૈસા સગાંસંબંધીઓ પાસેથી લીધા હતા એ પણ ચૂકવાઈ ગયા છે. ઘટનાની આગલી રાતે તેણે પતિ અને સસરાને વિડિયો-કૉલ કર્યો હતો અને એના સ્ક્રીન-શૉટ પણ પોતાની પાસે રાખ્યા છે. ’
ADVERTISEMENT
વસઈ રેલવે પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ગણપત તુંબાડાએ ‘મિડ-ડે’ને કહ્યું કે, `જય એક મહિના પહેલાં જ નવી નોકરીમાં જોડાયો હતો. એ પહેલાં તે અંધેરીમાં નોકરી કરતો હતો. એ સમયે જે તેના ઑફિસના મિત્રો હતા તેમની સાથે પણ અમે વાત કરીશું. જરૂર પડશે તો તેમનાં સ્ટેટમેન્ટ પણ લઈશું. આવા કેસમાં આત્મહત્યા કરનાર વ્યક્તિ છેલ્લા એક મહિનામાં જેને-જેને મળી હતી તેમની સાથે તેણે કઈ રીતે વાત કરી, શું વાત કરી અને કયા વિષય પર વાત કરી એ બહુ અગત્યનું હોય છે એટલે અમે વધુમાં વધુ લોકો સાથે વાત કરીને આ કેસમાં બન્નેનાં માઇન્ડમાં શું ચાલી રહ્યું હતું એ સમજવાનો પ્રત્યન કરી રહ્યા છીએ.`


