મુંબઈ ટ્રાફિક-પોલીસના હેલ્પલાઇન નંબર પર આવો મેસેજ મળતાં પોલીસ દોડતી થઈ ઃ અજમેરથી મેસેજ કરવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ટ્રાફિક-પોલીસના હેલ્પલાઇનના વૉટ્સઍપ નંબર પર ગઈ કાલે સવારે મેસેજ મળ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બૉમ્બથી ઉડાવી દેવા માટે પાકિસ્તાની જાસૂસી સંસ્થા
ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના બે એજન્ટે પ્લાન બનાવ્યો છે. ધમકીનો મેસેજ મળ્યા બાદ પોલીસ કામે લાગી હતી. મેસેજ અજમેરથી આવ્યો હોવાનું જણાયું હતું. આથી પોલીસની એક ટીમ આરોપીને શોધવા માટે અજમેર જવા રવાના થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આવી ધમકીના મોટા ભાગના મેસેજ બોગસ હોય છે, પણ મામલો વડા પ્રધાનને લગતો છે એટલે પોલીસ કોઈ ચાન્સ લેવા નથી માગતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં પણ આવો જ ધમકીનો ફોન પોલીસના કન્ટ્રોલ-રૂમને મળ્યો હતો. જોકે તપાસ બાદ ધમકી ખોટી હોવાનું જણાયું હતું.


