૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર થઈ
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા
બૉલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈ પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. લોન-કમ-ઇન્વેસ્ટમેન્ટની ડીલમાં એક બિઝનેસમૅન સાથે ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ૧૪ ઑગસ્ટે જુહુ પોલીસ-સ્ટેશનમાં શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમૅન પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ને સોંપવામાં આવી છે. શુક્રવારે EOW દ્વારા આ દંપતી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. લુકઆઉટ નોટિસ મળવાથી શિલ્પા અને રાજની ગતિવિધિઓ પર પોલીસ નજર રાખી શકશે અને તેઓ દેશ છોડીને બહાર નહીં જઈ શકે.
પોલીસે આપેલી માહિતી મુજબ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના બેસ્ટડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ નામના ઑનલાઇન શૉપિંગ પ્લૅટફૉર્મ દ્વારા ૬૦ વર્ષના બિઝનેસમૅન અને લોટસ કૅપિટલ ફાઇનૅન્શિયલ સર્વિસિસના ડિરેક્ટર દીપક કોઠારીને લોન-કમ-ઇન્વેસ્ટમેન્ટની એક ડીલ આપવામાં આવી હતી. ડીલ પેટે બિઝનેસમૅન પાસેથી ૬૦.૪૮ કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ રકમ બિઝનેસને બદલે અંગત રીતે ઉપયોગમાં લેવાનો અને રકમ પરત ન કરી હોવાનો દાવો ફરિયાદીએ કર્યો હતો. એના અનુસંધાનમાં કુન્દ્રા દંપતી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.


