Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇમ સ્લૉટ તો મળ્યો પણ વૅક્સિન ન મળી

ટાઇમ સ્લૉટ તો મળ્યો પણ વૅક્સિન ન મળી

07 May, 2021 07:24 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

મુંબઈનાં મોટા ભાગનાં જમ્બો કોવિડ સેન્ટર પર આવા અનેક કિસ્સા જોવા મળ્યા : ખાસ કરીને દહિસર અને ગોરેગામમાં ભારે અફરાતફરીનો માહોલ ફરી જોવા મળ્યો : હજીય વૅક્સિનેશન માટે રીતસરની પડાપડી થાય છે

દહિસરના વૅક્સિનેશન સેન્ટરમાં સતત બીજા દિવસે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

દહિસરના વૅક્સિનેશન સેન્ટરમાં સતત બીજા દિવસે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.


મુંબઈમાં વૅક્સિનેશન સેન્ટર પર વૅક્સિનનો પુરવઠો મર્યાદિત છે અને એની સામે સુરક્ષાકવચ સમાન વૅક્સિન મેળવવા લોકો મોટી સંખ્યામાં સેન્ટરમાં પહોંચી રહ્યા છે. મુંબઈના બીકેસી, ગોરેગામના નેસ્કો અને દહિસરના જમ્બો કોવિડ વૅક્સિનેશન સેન્ટરમાં લોકો વહેલી સવારથી જ લાંબી લાઇન લગાડી રહ્યા છે. મોટા ભાગના લોકો રજિસ્ટ્રેશન કર્યા વગર જ સેન્ટર પર પહોંચી રહ્યા હોવાથી સેન્ટર પર અફરાતફરીનો માહોલ જોવા મળે છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. એના કારણે ભારે જહેમતે રજિસ્ટ્રેશન કરીને ટાઇમ સ્લૉટ મેળવીને સેન્ટરે પહોંચી રહેલા લોકોએ ભારે ભીડના કારણે અને વહેલી સવારથી લાઇન લગાવીને લોકો ઊભા રહેતા હોવાને કારણે વૅક્સિન લીધા વગર નિરાશ થઈને પાછા જવું પડી રહ્યું છે. 

ગઈ કાલે સેન્ટર ફરી શરૂ થયાના બીજા દિવસે પણ દહિસરના જમ્બો કોવિડ વૅક્સિનેશન સેન્ટર પર વૅક્સિન લેવા રીતસરની પડાપડી થઈ હતી. ગોરેગામના નેસ્કો સેન્ટર પર ગઈ કાલે સવારે છ વાગ્યાથી લોકો લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા. બીકેસીના સેન્ટરમાં પણ ભીડ જોવા મળી હતી, પરંતુ ત્યાં રજિસ્ટ્રેશન કરીને આવતા લોકોને જ વૅક્સિન અપાઈ રહી હતી. 



દહિસરમાં વૅક્સિન લેવા આવેલા લોકો યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે નારાજ થયા હતા અને પરિસ્થિતિ વણસી હતી, પરંતુ દહિસર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક પ્રવીણ પાટીલે કુનહેપૂર્વક થાળે પાડી હતી. 


દહિસરમાં અફરાતફરીનો માહોલ
ગયા શુક્રવાર બાદ બુધવારે એટલે કે ચાર દિવસ બંધ રહ્યા પછી દહિસરના જમ્બો કોવિડ વૅક્સિનેશન સેન્ટરમાં સતત બીજા દિવસે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બુધવારે બપોરના વૅક્સિનનો જથ્થો આવતાં સેન્ટર ફરી એક વાર શરૂ કરવામાં આવ્યું હતું. ગઈ કાલે વહેલી સવારથી લાઇન લગાડી ઊભા રહેલા ૨૦૦૦ લોકોને ટોકન આપવામાં આવ્યા હતા અને એમાં ૮૦૦ ઑનલાઇન રજિસ્ટર થયેલા લોકોને વૅક્સિન આપવામાં આવી હતી, જ્યારે અનેક લોકો રજિસ્ટ્રેશન કરીને પણ સેન્ટર પરથી નારાજ થઈને ગયા હતા.

અંધેરીથી આવેલા ૭૩ વર્ષના બાયપાસ કરેલા હાર્ટ પેશન્ટ નીલમ શાહને તેમની દીકરી શ્વેતા શાહ દહિસરના સેન્ટરમાં લઈને આવી હતી. રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાની સાથે બપોરે ૩થી ૬નો ટાઇમ સ્લૉટ મળ્યો હોવા છતાં તેમણે વૅક્સિનેશન મેળવવા જદ્દોજહદ કરવી પડી હતી. 
શ્વેતા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસ પહેલાં અમે બીકેસી સેન્ટરમાં ગયા, પરંતુ તેમણે અમને શાંતિથી સમજાવ્યું કે રજિસ્ટ્રેશન કર્યા વગર વૅક્સિન મળશે નહીં. એથી અમે રજિસ્ટ્રેશન કરીને અહીં બીજો ડોઝ મેળવા ગઈ કાલે આવ્યા હતા, પરંતુ અપૉઇન્ટમેન્ટ હોવા છતાં વૅક્સિન મળી નહીં. મમ્મીને આ હાલતમાં એક કલાકથી વધુ સમય થયો સેન્ટરમાં રાહ જોતાં, છતાં આજે નહીં મળે એવું કહી દેવાયું હતું. અહીં જરાય સિસ્ટમ જ નથી. રજિસ્ટ્રેશન કરીને આવે એ લોકોને પ્રાયોરિટી આપવાને બદલે લાઇન લગાવીને ઊભા રહે છે તેમને વૅક્સિન અપાય છે. આ જ રીતે કરવાનું હતું તો રજિસ્ટ્રેશન કરવાનું શું કામ કહેવાય છે?’


આ પ્રમાણે અનેક લોકો સેન્ટરથી પાછા ગયા હતા. બોરીવલીમાં રહેતા ૭૨ વર્ષના સતીશ અંબાલાલ શાહ અને તેમનાં ૭૧ વર્ષનાં પત્ની કૈલાશ શાહે વૅક્સિન પૂરી થઈ જવાથી નિરાશ થઈને પાછા જવું પડ્યું હતું. બોરીવલીના ૯૦ વર્ષના ગુલાબી માધાને લાંબો સમય રોકાયા બાદ વૅક્સિનનો બીજો ડોઝ મળી રહ્યો હોવાથી તેમણે રાહત અનુભવી હતી. 

દહિસર કોવિડ સેન્ટર પર પડાપડી ન થાય એ માટે પોલીસ વિશેષ ધ્યાન આપશે
પોલીસ વિભાગ, સેન્ટરને સંભાળતું વહીવટી તંત્ર, નગરસેવક જગદીશ ઓઝા એમ તમામે ગઈ કાલની ભીડને જોઈને ચર્ચા કરી હતી તેમ જ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવતા લોકોને પ્રાયોરિટી આપવાની વાત કરી હતી. ઉપરાંત ભીડ ન થાય એ માટે સેન્ટર પર બૅરિકેડ્સ સાથે પોલીસ બંદોબસ્ત કઈ રીતે કરવો એ પણ ચર્ચા કરાઈ હતી. 

નેસ્કોમાં સવારે છ વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહી ગયા
દહિસરની જેમ ગોરેગામના નેસ્કો વૅક્સિનેશન સેન્ટરમાં લોકો સવારે છ વાગ્યાથી જ લાંબી લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા. એટલી લાંબી લાઇન લગાડી હતી કે વૅક્સિન મળશે કે નહીં એ ચિંતા લોકોમાં જોવા મળી હતી.

નો રજિસ્ટ્રેશન, નો વૅક્સિન…
બીએમસીના કમિશનર ઈકબાલ ચહલના જણાવ્યા અનુસાર ‘મુંબઈમાં ૧૪૭ કોવિડ વૅક્સિનેશન સેન્ટર દ્વારા વૅક્સિનનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. પરંતુ ૧ મેથી ૧૮ વર્ષથી વધુ વયજૂથના નાગરિકોની વૅક્સિનેશન શરૂ કરાયા બાદ સેન્ટર પર વધુ પડતી ભીડ ઉમટી પડી રહી છે. જેના કારણે સેન્ટર પર સોશ્યલ ડિસ્ટટીંગની સાથે કોવિડના નિયમોનું પાલન કરવું શક્ય થઈ રહ્યું નથી. એથી જેને પણ વૅક્સિન લેવી હોય તેમણે કોવિન પોર્ટલ કે ઍપ પર રજિસ્ટ્રેશન કરવું અને અપોઈમેન્ટ બુક કર્યા બાદ જ સેન્ટર પર પહોંચવાનું રહેશે. ફક્ત ૪૫થી વધુ ઉંમરના લોકો જેને કોવેક્સિનનો બીજો ડોઝ બાકી હોય તેમના પહેલા ડોઝનું સર્ટિફિકેટ જોઈને જ સેન્ટરની અંદર એન્ટ્રી આપવામાં આવશે. એ ઉપરાંત હૅલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઈન વર્કરનો જેમનો પહેલો અને બીજો ડોઝ બાકી હોય. તેમ જ હવે સેન્ટરના ઈન્ચાર્જ અપોઈમેન્ટ લીધી હોય એનું વેરિફિકેશન કરીને જ એન્ટ્રી આપશે.’

 અમે રજિસ્ટ્રેશન કરીને અહીં બીજો ડોઝ મેળવવા ગઈ કાલે (દહિસર જમ્બો કોવિડ સેન્ટર) પહોંચ્યાં હતાં, પરંતુ અપૉઇન્ટમેન્ટ હોવા છતાં વૅક્સિન મળી નહીં. આ જ રીતે કરવાનું હતું તો રજિસ્ટ્રેશન કરવાનું શું કામ કહેવાય છે?
શ્વેતા શાહ

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2021 07:24 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK