Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘણા દિવસે સૂરજદાદાનાં દર્શન થયાં

ઘણા દિવસે સૂરજદાદાનાં દર્શન થયાં

31 July, 2023 11:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગામી ચાર દિવસ છૂટોછવાયો જ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ધોધમાર વરસી મુંબઈગરાને ભીંજવી નાખનારા વરસાદે હવે વિરામ લીધો છે. આવતા ચાર દિવસ એટલે કે ગુરુવાર સુધી મૌસમ વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર છૂટાંછવાયાં ઝાપટાં પડતાં રહેશે, પણ જોરદાર વરસાદનો સ્પેલ હાલ પૂરતો અટકી ગયો છે.

મૌસમ વિભાગે પાલઘર, થાણે, મુંબઈ, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાંથી મુંબઈને ગ્રીન ઝોન ડિક્લેર કરાયો છે, જ્યારે કોંકણના અન્ય જિલ્લાઓમાં યલો અલર્ટ-હળવાંથી ભારે ઝાપટાં પડી શકે એમ જણાવાયું છે.બીએમસીના જણાવ્યા અનુસાર ગઈ કાલે  મુંબઈ સિટીમાં ૦.૭૦ મિ.મી., પૂર્વનાં પરાંમાં ૩.૮૫ મિ.મી. અને પશ્ચિમનાં પરાંમાં ૧.૯૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ગઈ કાલે મુંબઈમાં ઝાડ, ડાળી ટૂટી પડવાની પૂર્વનાં પરાંઓમાં બે અને પશ્ચિમનાં પરાંમાં પાંચ ફરિયાદો મળી હતી, જ્યારે ભીંત તૂટી પડવાની એકમાત્ર ઘટના પૂર્વનાં પરાંમાં નોંધાઈ હતી.


મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ સારો પડ્યો હોવાથી ચાર તળાવો તુલસી, વિહાર, મોડકસાગર અને તાનસા તો છલકાઈ ગયાં છે; જ્યારે અપર વૈતરણામાં રવિવારે સવારે ૧,૧૩,૦૫૨ મિલ્યન લિટર, મધ્ય વૈતરણામાં ૧,૭૩,૨૩૬ મિલ્યન લિટર અને ભાતસામાં ૪,૭૫,૯૯૮ મિલ્યન લિટર પાણીનો જથ્થો નોંધાયો હતો. ભારે વરસાદને કારણે હાલ નદી-નાળાં-તળાવોમાં પાણીની સારી આવક થઈ છે. એટલે સહેલાણીઓ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. જોકે એમાં અકસ્માતો થતા હોવાથી સરકારે જાનના જોખમે આવી જગ્યાએ ન જવા અનુરોધ કર્યો છે. ગઈ કાલે પાલઘર જિલ્લામાં દહાણુ નજીકના વાઘાડી ખાતે એક દંપતી સૂર્યા નદીના ભીમ-બંધ પર ફરવા ગયું હતું. ત્યાં મહિલા પાણીમાં  જઈ સેલ્ફી કાઢવાના ચક્કરમાં પગ લપસતાં પાણીમાં ખેંચાવા માંડી હતી. એ વખતે દહાણુ પંચાયત સમિતિના ઉપસભાપતિ ત્યાં હાજર હતા, તેમણે તરત જ પાણીમાં ઝંપલાવીએ મહિલાને બચાવી લીધી હતી.

નાશિકના ત્ર્યંબકેશ્વર પાસે પણ અનેક યુવોનોનાં ગ્રુપ સહેલગાહ માટે નીકળી પડ્યાં હતાં. જોકે પર્યટન સ્થળે દારૂ પીને જઈ ધમાલ મચાવતા યુવાનોને રોકવા પોલીસે ઝડપી પગલાં લીધાં હતાં. પોલીસ બ્રેથ-ઍનૅલાઇઝર સાથે તેમની ચકાસણી કરી હતી અને જે યુવાનોએ દારૂ પીધો હતો તેમને જવા દેવાયા નહોતા અને તેમના પર ઍક્શન લેવાઈ હતી.


શનિ-રવિની રજાઓ દરમ્યાન શાહાપુરના કસારા નજીકના અશોકાધોધ પર પોલીસે મનાઈ કરી હોવા છતાં જંગલના કાચા રસ્તે અનેક લોકો જોખમ લઈને પહોંચી ગયા હતા, પણ પહેલેથી તહેનાત પોલીસે તેમને પાછા કાઢ્યા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2023 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK