મુંબઈ લોકલ ટ્રેન પર પથ્થરમારોની ઘટના સામે આવી છે. કાંદિવલી અને બોરીવલી વચ્ચે આ ઘટના ઘટી હતી. શખ્સે શા માટે પથ્થરમારો કર્યો તેનું કારણ જાણી તમને પણ નવાઈ લાગશે.

પ્રતીકાત્મક તસવીર
Mumbai Local Train: ગત રોજ એટલે કે સોમવારે મુંબઈ લોકલ ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. એક શખ્સે એસી લોકલ ટ્રેન પર પથ્થર મારી એસી લોકલ ટ્રેનનો કાચ તોડી નાખ્યો હતો. મુંબઈ લોકલ ટ્રેન પર પથ્થરમારાની આ ઘટના કાંદિવલી અને બોરીવલી સ્ટેશન વચ્ચે પોઈસર નાળા પાસે બની હતી. બોરીવલી આરપીએફના વરિષ્ઠ પોલીસ અધિકારી દિનેશ યાદવે એક શંકાસ્પદની ધરપકડ કરી આ મામલે કેસ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. આરપીએફ અનુસાર એસી લોકલનો કાચ તૂટ્યો એ અંગે તપાસ શરૂ છે.
મુંબઈકર્સની લાઈફ લાઈન સમાન લોકલ ટ્રેન પર પથ્થરમારોની ઘટનાથી મુસાફરો પણ ડરી ગયા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે ચર્ચગેટ અને વિરાર વચ્ચે ચાલતી ફાસ્ટ એસી લોકલ પર પથ્થર ફેંકવામાં આવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના કાંદિવલી અને બોરીવલી સ્ટેશન વચ્ચે થઈ હતી.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર પથ્થરમારાથી એસી લોકલની બારીઓના પાંચથી છ કાચને નુકસાન થયું છે. આ ઘટના અંગે જેવી બોરીવલી રેલવે પોલીસને જાણ થઈ કે તે તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. આ પ્રકારણી ઘટના બીજી વાર ન બને તે માટે પોલીસ યોગ્ય કાર્યવાહી કરી છે.
બોરીવલી આરપીએફના વરિષ્ઠ અધિકારી દિનેશ યાદવે જણાવ્યું કે આ કેસ સંબંધિત એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. શંકાસ્પદની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીનું નામ સાહુ છે અને તે એક મજૂર છે. તે તેની બહેન અને બનેવી સાથે પોઈસર કાંદિવલી ઈસ્ટમાં રહે છે. સોમવારે પરિવારના સભ્યો સાથે તેનો ઝઘડો થયો હતો. જેને કારણે તે ખુબ જ અપસેટ હતો. રોષે ભરાઈને સાહુ ઘરની બહાર નીકળી રેલવે સ્ટેશન પર પહોંચી ગયો હતો.તેણે પહેલા પથ્થર તેના માથાં પર માર્યો અને બાદમાં ક્રોધે ભરાઈને પસાર થઈ રહેલી એસી ટ્રેન પર ફેંક્યો હતો. આ ઘટનામાં ટ્રેનની કાચની બારી તૂટી ગઈ હતી.

