આ વિડિયોને લઈને લોકફરિયાદ ઊઠતાં વિવાદ પણ સર્જાયો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
તાજેતરમાં એક ડાન્સરે મુંબઈની લોકલ ટ્રેનમાં બેલી ડાન્સનો વિડિયો વાઇરલ કર્યો હતો. જોકે આ વિડિયોને લઈને લોકફરિયાદ ઊઠતાં વિવાદ પણ સર્જાયો હતો. હવે ‘બૉલીવુડ કા ભાઈજાન સલમાન ખાન’ના ડાન્સનો વિડિયો સામે આવ્યો છે, જેમાં સલમાન ખાનની સ્ટાઇલમાં એક ડાન્સરે મન મૂકીને ડાન્સ કર્યો હતો. આ વિડિયો મુંબઈ મૅટર્સ નામના એક્સ હૅન્ડલ અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. ૨૦૦૫માં આવેલી ફિલ્મ ‘નો એન્ટ્રી’ના સૉન્ગ ‘ઇશ્ક કી ગલ વિચ નો એન્ટ્રી’ પર જોમપૂર્વક ડાન્સ કરનાર સલમાનના ડુપ્લિકેટે બ્લુ ટીશર્ટ અને બ્લૅક ડેનિમ પહેર્યાં હતાં. ઘણા મુસાફરો એના ઉત્સાહમાં વધારો કરવા બૂમ પાડીને તેને વધાવી રહ્યા હતા. એક સમયે તો આ સલમાનના ડાય હાર્ડ ફૅને બે સીટ વચ્ચે ઊભા રહીને પણ ડાન્સ કર્યો હતો.
આ વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘મુંબઈની લોકલ ટ્રેનની સફર આશ્ચર્ય પમાડવામાં પાછળ નથી રહેતી.’ ઘણા યુઝર કમેન્ટ કરી રહ્યા છે કે હાર્બરલાઇન પર સલમાનનો ડાન્સ જોયો. અન્યએ રમૂજ કરી કે લોકો ટ્રેનમાં બોર થઈ રહ્યા હતા. બીજા એકે લખ્યું કે સલમાન તેની આવનારી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે.

