દિવા અને કોપર સ્ટેશન વચ્ચે ચાલતી ટ્રેનમાંથી પડી જતાં ગંભીર રીતે ઈજા થયા બાદ જીવ ગુમાવ્યો
ટ્રેન-અકસ્માતમાં જિનલ સૈયાએ જીવ ગુમાવ્યો હતો
ડોમ્બિવલી-ઈસ્ટમાં નૌપાડા રોડ અનંતમ રિજન્સીમાં બિલ્ડિંગ નંબર-૧૬માં રહેતી અને ઘરે આવી રહેલી ૩૬ વર્ષના જિનલ જગદીશ સૈયાનું સોમવારે રાતે ટ્રેનમાંથી પડતાં અકસ્માત થતાં મૃત્યુ થયું હતું. ગઈ કાલે તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જિનલના મૃત્યુથી પરિવારજનો ભારે આઘાતમાં આવી ગયા છે એટલે તેની પ્રાર્થનાસભા રાખવામાં આવી નથી.
જિનલ સૈયા વી. ટી.માં એક પ્રાઇવેટ કંપનીમાં બૅક ઑફિસમાં કામ કરતી હતી. ગેલડા ગામની જિનલ સોમવારે ટ્રેન પકડીને ડોમ્બિવલી આવી રહી હતી એ વખતે તે દિવા અને કોપર સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ બનાવ વિશે જિનલના સંબંધીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જિનલ ઑફિસેથી આવતી વખતે કોઈ ફિક્સ ટ્રેન પકડતી નહોતી. સોમવારે પોણાઆઠ વાગ્યે દિવા અને કોપર સ્ટેશન વચ્ચે ટ્રેન-અકસ્માત થતાં જિનલે જીવ ગુમાવ્યો હતો. અમને રાતે દસ વાગ્યે રેલવે પોલીસનો ફોન આવ્યો હતો. અમે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે પોસ્ટમૉર્ટમ પણ કરી લીધું હતું. અમને ગઈ કાલે બપોરે મૃતદેહ આપવામાં આવ્યો હતો અને અમે અંતિમસંસ્કાર કર્યા હતા. જોકે અકસ્માત કઈ રીતે થયો અને શું થયું એ વિશે કંઈ જ ખબર નથી.’