Mumbai Cyber Crime: ૬૨ વર્ષનાં ગૃહિણીને હાઈ રિટર્ન મળશે એવું કહીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા ઘણા સમયથી સાયબર ગુના (Mumbai Cyber Crime) વધી ગયા છે. હવે મુંબઈનાં ૬૨ વર્ષનાં મહિલા સાથે છેતરપિંડી થઇ હોવાની વાત મળી રહી છે. શેર માર્કેટમાં હાઈ રિટર્ન મેળવવાની લાલચમાં આ મહિલાને ૭.૮૮ કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે.
કઈ રીતે મહિલા ફસાઈ ઠગોની જાળમાં?
ADVERTISEMENT
રિપોર્ટ પ્રમાણે મુંબઈનાં ૬૨ વર્ષનાં ગૃહિણીને હાઈ રિટર્ન મળશે એવું કહીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ઠગોએ આ મહિલા પાસેથી 7.88 કરોડ રૂપિયા પડાવી (Mumbai Cyber Crime) લીધા હતા. પશ્ચિમ ક્ષેત્રના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઠગોએ બાંદ્રા વિસ્તારમાં રહેતી મહિલાને છેલ્લા બે મહિનાથી છેતરવા માટેના પ્રયાસ આદરી નાખ્યા હતા. તેઓ પોતે પ્રતિષ્ઠિત નાણાકીય સેવા કંપનીમાંથી આવે છે એવું કહીને મહિલાને શેર માર્જેટમાં ઇન્વેસ્ટ કરવાનું કહ્યું હતું. સૌ પ્રથમ તો આ મહિલાને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ મળ્યો હતો. ઠગે પોતે જે તે કંપનીના એક વરિષ્ઠ અધિકારીના સહાયક હોવાનો દાવો કર્યો હતો અને ત્યારબાદ શેરમાં ઇન્વેસ્ટ કરવાની ભલામણ કરી હતી. મહિલાએ રસ દાખવતાં ઠગોએ કંપનીના અધિકારીનો કોન્ટેક્ટ નંબર અને વેબસાઇટની લિંક શેર કરી હતી. ત્યારબાદ આ મહિલાને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવી હતી. ત્યાં ઠગોએ એને અન્ય ઠગ સાથે કોન્ટેક્ટ કરાવ્યો કે જેણે પોતાની ઓળખ ફાઇનાન્સ કંપની સાથે સંકળાયેલ અધિકારી તરીકેની આપી હતી. અહેવાલો અનુસાર આ મહિલાના કહેવા પર કુલ 7,88,87,000 રૂપિયા વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
પણ જયારે આ મહિલાએ પોતાના પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉપરથી એમ કહેવામાં આવ્યું કે તમારે વધારાની 10 ટકા રકમ જમા કરવી પડશે. એટલે આ મહિલાને શંકા ગઈ હતી. મહિલાએ પૂછપરછ કરી ત્યારે તે પોતે છેતરાઈ હોય એવું જણાવ્યું હતું. ઓનલાઈન સાયબર ફરિયાદ પોર્ટલ પર મહિલાની ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ અજાણ્યા ઠગો સામે કેસ નોંધ્યો છે અને આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે. પશ્ચિમ ક્ષેત્રના સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું સાયબર છેતરપિંડી (Mumbai Cyber Crime) કરનારા ઠગોએ બાંદ્રાની મહિલાને છેલ્લા બે મહિનાથી છેતરી હતી. પોતે એક પ્રતિષ્ઠિત નાણાકીય સેવા કંપનીના પ્રતિનિધિ હોય એમ કહીને વિશ્વાસ અપાવ્યો હતો. આ સાથે જ પોલીસે એવો દાવો કર્યો છે કે ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.
આ જ રીતે નવી મુંબઈનાં ૬૮ વર્ષીય મહિલાને બે સાયબર ગઠિયાઓ (Mumbai Cyber Crime) છેતરી ગયા હતા. આ મહિલાએ કુલ 10 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. સાયબર ગઠિયા પોતે ટેલિકોમ વિભાગ અને મુંબઈ સાયબર સેલના અધિકારીઓ હોવાનું કહીને મની લોન્ડરિંગ માટે તપાસ કરી રહ્યાં છે એમ કહીને મહિલાને ઠગી ગયા હતા.


