આ ઉપરાંત અઢી લાખ રૂપિયા રોકડની પણ થઈ ચોરી : ગિરગામની આ ઘટનાની પ્રાથમિક તપાસમાં કોઈ જાણભેદુ હોવાની શંકા

પ્રતીકાત્મક તસવીર
ગિરગામમાં રહેતા મેટલના વેપારી પર્યુષણ નિમિત્તે દેરાસરમાં પ્રતિક્રમણ કરવા ગયા હતા. દરમિયાન, ચોરોએ ખાલી ઘરને ટાર્ગેટ કરીને વેપારીએ પુત્રીનાં લગ્ન માટે ભેગા કરેલા આશરે ૧૨ લાખ રૂપિયાના દાગીના અને અઢી લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ કેસમાં કોઈ જાણભેદુ હોવાની શંકા સાથે વી. પી. રોડ પોલીસ તપાસ કરી રહી છે. આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે.
ગિરગામમાં સી. પી. ટૅન્ક વિસ્તારમાં માધવબાગ મંદિરની સામે ચંદાવાડી વિસ્તારમાં રહેતા અને મેટલનો વ્યવસાય કરતા ૫૮ વર્ષના શાંતિલાલ જૈને કરેલી ફરિયાદ અનુસાર ૧૯ સપ્ટેમ્બરે પર્યુષણનો છેલ્લો દિવસ હોવાથી તેઓ પરિવાર સાથે બપોરે ત્રણ વાગ્યે સંવતસરી પ્રતિક્રમણ કરવા ઘરેથી નીકળ્યા હતા. સાંજે સાત વાગ્યે તેઓ પરિવાર સાથે ઘરે આવ્યા ત્યારે ઘરનું મેઇન લૉક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. અંદર જઈને તપાસ કરતાં ઘરમાં રાખેલા અઢી લાખ રૂપિયાની રોકડ સહિત આશરે ૧૨ લાખ રૂપિયાના દાગીના ચોરી થયા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ આ ઘટનાની જાણ વી. પી. રોડ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વી. પી. રોડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીની પુત્રી શીતલનાં ૨૮ નવેમ્બરે લગ્ન હોવાથી તેમણે દાગીના ઉપરાંત અઢી લાખ રૂપિયાની રોકડ ઘરે રાખી હતી, જે ચોરી થયા હોવાની ફરિયાદ હાલમાં નોંધાવવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કોઈ જાણભેદુ હોવાની શંકા અમને લાગી રહી છે. જોકે હાલમાં અમને કંઈ મળ્યું નથી.’

