આજથી કોસ્ટલ રોડ ૨૪ કલાક ખુલ્લો રહેશે
કોસ્ટલ રોડના દરિયાકિનારે ટહેલવા પ્રૉમનેડ આજથી ઓપન
આજે સ્વતંત્રતા દિવસથી કોસ્ટલ રોડ ૨૪ કલાક ખુલ્લો રહેશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે. એની સાથે જ કોસ્ટલ રોડના આ પ્રોજેક્ટ હેઠળના ૭.૫ કિલોમીટર લાંબા પ્રૉમનેડમાંથી ૫.૫ કિલોમીટરનો પ્રૉમનેડ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ઘાટન કર્યા બાદ આજે સાંજે ૪.૩૦ વાગ્યાથી મુંબઈગરા માટે ખુલ્લો મુકાશે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા તૈયાર કરવામાં આવેલા ૧૦ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડ પર રોડની સમાંતર પ્રિયદર્શિની પાર્ક પાસેથી લઈને વરલી સુધીના ૫.૫ કિલોમીટર લાંબો પ્રૉમનેડ મરીન ડ્રાઇવ કરતાં પણ લાંબો છે. એના પર સાઇકલ-ટ્રૅક પણ બનાવવામાં આવ્યો છે અને ઠેકઠેકાણે સિટિંગ અરેન્જમેન્ટ પણ કરવામાં આવી છે. વરલી સી-ફેસ પર જે પ્રૉમનેડ હતા એનો આ પ્રૉમનેડ વિકલ્પ બની રહેશે. સાથે જ ગ્રીનરી માટે લૅન્ડસ્કેપ પણ તૈયાર કરવામાં આવ્યા છે અને BMCએ ૩૦૦ જેટલાં વૃક્ષો પણ રોપ્યાં છે. ૭૦ એકરના વિસ્તારમાં ફેલાયેલા પ્રૉમનેડ પર નાનાં–નાનાં ઍમ્ફીથિયેટર પણ બનાવવામાં આવ્યાં છે, જેમાં લોકો પોતાની કળા પણ દર્શાવી શકશે અને બીજા લોકો શાંતિથી બેસીને એ માણી પણ શકશે.
ADVERTISEMENT
સુધરાઈના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રૉમનેડ લોકો માટે તો હરવા-ફરવાની જગ્યા બની રહેશે, પણ એ મૉન્સૂનમાં દરિયામાં ભરતીના સમયે કુદરતી બાઉન્ડરીનું પણ કામ કરશે. BMCએ એ માટે પ્રૉમનેડના બેઝમાં મોટા-મોટા સ્ટોન બોલ્ડર્સ ગોઠવ્યા છે જે દરિયાનાં ધસમસતાં મોજાં રોકવાનું કામ કરશે અને એથી પ્રૉમનેડની દીવાલને ઓછો ઘસારો પહોંચશે.
પ્રૉમનેડ પર કઈ રીતે જશો?
આ જે પ્રૉમનેડ બનાવાયા છે એ કોસ્ટલ રોડની પશ્ચિમે દરિયા તરફ બનાવવામાં આવ્યા છે. એથી કોસ્ટલ રોડ પછી એ આવે છે. વળી કોસ્ટલ રોડ પર તો વાહનોની સતત અવરજવર રહેવાની છે એટલે એ પગપાળા ક્રૉસ કરી શકાય એવી ગોઠવણ નથી રાખવામાં આવી. એથી લોકો પ્રૉમનેડ પર આવી-જઈ શકે એ માટે ૧૯ અન્ડરપાસ બનાવવામાં આવ્યા છે જેમાંથી ૪ આજે ખોલવામાં આવશે. પહેલો અન્ડરપાસ ભુલાભાઈ દેસાઈ રોડ પર આકૃતિ (પાર્કિંગ બિલ્ડિંગ) પાસે, બીજો હાજી અલી જંક્શન પાસે, ત્રીજો વરલી ડેરી સામે અને ચોથો વરલી બિંદુ માધવ ઠાકરે ચોક પાસેથી રાખવામાં આવ્યો છે. સુધરાઈના ઑફિસરે કહ્યું હતું કે બાકીના અન્ડરપાસ તબક્કાવાર ખોલવામાં આવશે.


