બિહારમાં તૂટી પડેલા પુલવાળી કંપની જ ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર ફ્લાયઓવર બાંધી રહી છે, પણ હવે એની પાસે કામ કરાવવું કે નહીં એનો નિર્ણય બીએમસી બિહાર ટ્રૅજેડીની તપાસનો રિપોર્ટ આવ્યા પછી લેશે
ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર ચાલી રહેલું ફ્લાયઓવરનું કામ (તસવીર : અનુરાગ આહિરે)
બીએમસી ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (જીએમએલઆર)ના ફ્લાયઓવરના બાંધકામનો અંતિમ નિર્ણય બિહાર ટ્રૅજેડી રિપોર્ટ જાહેર થયા બાદ લેશે.
બિહારમાં હાલમાં ગંગા નદી પર બંધાઈ રહેલો એક પુલ તૂટી પડ્યો હતો. એનું નિર્માણ કરનાર કંપની એસપી સિંગલા જીએમએલઆર પ્રોજેક્ટ હેઠળ મુંબઈમાં ત્રણ ફ્લાયઓવરનું નિર્માણ કરી રહી છે. બીએમસીએ એને ૨૦૨૧માં ૬૬૬ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો.
ADVERTISEMENT
બીએમસીના ઍડમિનિસ્ટ્રેટર ઇકલાબ સિંહ ચહલે જણાવ્યું કે ‘પ્રાથમિક તારણ મુજબ બિહારમાં ડિઝાઇનમાં ખામીને કારણે પુલ તૂટી પડ્યો હતો. અહીંના બ્રિજની ડિઝાઇન આઇઆઇટી-મુંબઈના નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવી છે. કન્સલ્ટન્ટ ચાલુ કામ પર નજર રાખી રહ્યા છે. બિહાર બ્રિજની ટ્રૅજેડીની તપાસ ચાલી રહી છે. ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ અમે આગળનો નિર્ણય લઈશું. હાલમાં અમે કૉન્ટ્રૅક્ટરને લઈને કોઈ નિર્ણય નથી લીધો અને તેને બ્લૅકલિસ્ટ નથી કર્યો.’
એસપી સિંગલાની કંપની પાસે ત્રણ પ્રોજેક્ટ છે : એક, ગોરેગામનો દિંડોશી કોર્ટથી ફિલ્મસિટી સુધીનો ૧.૨૬ કિલોમીટર લાંબો ફ્લાયઓવર. બીજો, ભાંડુપ ખિંડીપાડા ખાતે સર્ક્યુલર રોડ અને ત્રીજો, મુલુંડના ડૉ. હેગડેવાર ચોકથી નાહૂર રેલવે ક્રૉસિંગ બ્રિજ. એ બ્રિજની લંબાઈ ૧.૮૯ કિલોમીટર છે.

