પેડર રોડ પર ભયાનક અકસ્માત, નીચે પાર્ક કરેલી બીજી ગાડીના બૉનેટ પર જઈને પડી
કાર રૅમ્પ પરથી નીચે પડેલી હાલતમાં.
મુંબઈના પૉશ વિસ્તાર ગણાતા પેડર રોડ પર સોમવારે સાંજે માઉન્ટ યુનિક બિલ્ડિંગમાં રહેતા ભાડૂત રસિક મેઘાણી પોતાની કાર લઈને બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અચાનક કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રૅમ્પ પરથી નીચે ખાબકી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર કારનું ઍક્સેલરેટર અચાનક દબાઈ જવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું મનાય છે. અનિયંત્રિત થયેલી કાર પૂરઝડપે ગાર્ડન પાસેના બિલ્ડિંગની દીવાલ સાથે અથડાઈ હતી અને દીવાલ તોડીને સીધી નીચે પાર્ક કરેલી અન્ય એક કારના બૉનેટ પર જઈ પડી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, પરંતુ સદ્નસીબે જાનહાનિ ટળી હતી. રસિક મેઘાણીને માથામાં સામાન્ય ઈજાઓ થઈ છે અને તેઓ આ ગંભીર અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયા છે. અકસ્માત સમયે ત્યાં કોઈ રાહદારી કે અન્ય વ્યક્તિ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી. આ ઘટના બાદ તરત જ રસિક મેઘાણીને સારવાર માટે નજીકની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
