Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૪ વર્ષ બાદ કમબૅક કરશે શેખર સુમન

૧૪ વર્ષ બાદ કમબૅક કરશે શેખર સુમન

Published : 13 May, 2026 10:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૫ મેથી પોતાની યુટ્યુબ ચૅનલ પર લૉન્ચ કરશે શેખર ટુનાઇટ નામનો ટૉક-શો, પ્રથમ ગેસ્ટ નીતિન ગડકરી

૧૪ વર્ષ બાદ શેખર સુમન ‘શેખર ટુનાઇટ’ નામના શોથી કમબૅક કરી રહ્યો છે

૧૪ વર્ષ બાદ શેખર સુમન ‘શેખર ટુનાઇટ’ નામના શોથી કમબૅક કરી રહ્યો છે


લગભગ ૧૪ વર્ષ બાદ શેખર સુમન ‘શેખર ટુનાઇટ’ નામના શોથી કમબૅક કરી રહ્યો છે. આ શોનું પ્રીમિયર ૧૫ મેથી થશે. એના નવા એપિસોડ દર શુક્રવારે યુટ્યુબ ચૅનલ ‘શેખર સુમન’ પર જોઈ શકાશે. આ વખતે શો વધુ પર્સનલ, ભાવનાત્મક અને સચ્ચાઈથી ભરેલો હશે. ‘શેખર ટુનાઇટ’માં ફિલ્મ, રાજકારણ, સંગીત, રમતગમત, બિઝનેસ અને સંસ્કૃતિ જગતની અનેક જાણીતી હસ્તીઓ ભાગ લેશે. શોમાં થતી વાતચીત સંપૂર્ણપણે ખુલ્લી, બિનસ્ક્રિપ્ટેડ અને સ્વાભાવિક હ‍શે. આ શોના પ્રથમ ગેસ્ટ નીતિન ગડકરી હશે.

‘શેખર ટુનાઇટ’નો ફર્સ્ટ લુક અને ઑફિશ્યલ ટ્રેલર મોટા પાયે આઉટડોર કૅમ્પેન અને ડિજિટલ લૉન્ચ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. એ જોઈને દર્શકોની જૂની યાદો ફરી તાજી થઈ ગઈ. પૉડકાસ્ટ અને ડિજિટલ ટૉક-શો લોકપ્રિય બન્યા એ પહેલાં જ શેખર સુમને પોતાની સમજદારી, સ્ટાઇલ અને લાગણીઓને સમજવાની કળાથી દેશભરના દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. વાતચીત કરવાની તેમની શૈલી આજે પણ સૌથી અલગ અને ખાસ માનવામાં આવે છે.



પોતાના આ નવા શો વિશે વાતચીત કરતાં શેખર સુમને કહ્યું હતું કે ‘મારા માટે ‘શેખર ટુનાઇટ’ માત્ર સેલિબ્રિટી ઇન્ટરવ્યુનો શો નથી. આ માનવીય લાગણીઓ અને સાચી પળોનો શો છે. જે વાતો દિલમાં રહી જાય છે એ ક્યારેય પહેલેથી તૈયાર કરેલી નથી હોતી. એ વાતચીત વચ્ચેના બ્રેક વચ્ચે અચાનક આવતી હાસ્યભરી ક્ષણો છે. આ વાતો લોકો ત્યારે કહે છે જ્યારે તેઓ પોતાને પર્ફેક્ટ દેખાડવાનો પ્રયાસ છોડે છે. આ વર્ષોમાં મેં અનુભવ્યું છે કે સૌથી અસરકારક વાતચીત ત્યારે થાય છે જ્યારે લોકો ભૂલી જાય છે કે તેમની સામે કૅમેરા છે. એ જ વાત આજે પણ મને ઉત્સાહિત કરે છે. ઘણાં વર્ષો પછી હું ફરી એવો મંચ લઈને આવવા માગતો હતો જ્યાં વાતચીત ખુલ્લેઆમ થઈ શકે, જ્યાં અભિનય કરતાં લાગણીઓ વધુ મહત્ત્વ રાખે અને દેખાવ કરતાં ઈમાનદારી વધુ મૂલ્યવાન બને.’


હું માત્ર ૨૪ કલાક માટે રાજકારણી હતો, મને મારી ભૂલ સમજાઈ એ પછી તરત પાર્ટી છોડી દીધી : શેખર સુમને તેના ટૉક-શોની લૉન્ચ-ઇવેન્ટમાં કહ્યું કે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો રહીને હું આ શો કરી શકતો નહોતો

શેખર સુમનના ટૉક-શો ‘શેખર ટુનાઇટ’ની લૉન્ચ-ઇવેન્ટ દરમ્યાન તેણે પોતાની કરીઅરથી લઈને રાજકારણ સુધી અનેક મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી હતી. આ કાર્યક્રમ દરમ્યાન એક પત્રકારે આજના સમયમાં ડરનું વાતાવરણ હોવાની વાત કરી અને કમેન્ટ કરી કે લોકો પહેલાંની જેમ નિર્ભયતાથી અવાજ ઉઠાવતા નથી. આ પત્રકારની વાતનો જવાબ આપતાં શેખર સુમને કહ્યું હતું કે ‘લોકો ખરેખર ગભરાયેલા છે. પોતાની વાત કહેવાની હિંમત હોવી ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમે અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી લોકશાહી અને સમાજ મજબૂત નહીં બને. ખોટાં કામ સામે બોલવું જરૂરી છે. લોકો પરિણામના ડરથી એવું કરતા નથી, પરંતુ જો દરેક વ્યક્તિ એમ જ વિચારશે તો પછી ક્રાન્તિ કેવી રીતે આવશે? જો બદલાવ લાવવો હોય તો બોલવાની હિંમત રાખવી પડશે.’


શેખર સુમન બરાબર બે વર્ષ પહેલાં ૨૦૨૪ના મે મહિનામાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયો હતો. આ મુદ્દે સ્પષ્ટતા કરતાં તેણે કહ્યું હતું કે ‘હું માત્ર ૨૪ કલાક માટે રાજકારણી હતો. મને મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં તરત પાર્ટી છોડી દીધી. હું આ શો કરવા માગતો હતો અને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો રહીને આ શો કરી શકતો નહોતો. કેટલીક પરિસ્થિતિઓ અને મજબૂરી હોય છે જેના કારણે માણસ કેટલાંક પગલાં લે છે. હું જે રીતે ઊછર્યો છું અને જે વિચારધારા સાથે આવ્યો છું એને કારણે હું કોઈ પણ રાજકીય પક્ષનો ભાગ બનીને રહી શકતો નથી.’

અધ્યયન સુમન માટે ખાસ છે આ પ્રોજેક્ટ

‘શેખર ટુનાઇટ’ના ક્રીએટર અને શેખર સુમનના દીકરા અધ્યયન સુમને આ શો વિશે કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ મારા માટે ખૂબ ખાસ અને દિલની નજીક છે. આ માત્ર એક શો નથી પરંતુ એક એવા યુગ, એક કલાકાર અને એક અવાજની વાપસી છે જેણે આ દેશમાં વાતચીતના અંદાજને નવી ઓળખ આપી હતી. મારા માટે અને મારી આખી પેઢી માટે શેખર સુમન એક લેજન્ડ છે. લોકો આજે પણ તેમની હાજરજવાબી, શાનદાર મોનોલૉગ્સ અને વાતચીત પરની મજબૂત પકડને યાદ કરે છે. બાળપણથી મેં તેમનો આ જાદુ ખૂબ નજીકથી જોયો છે અને એ હંમેશાં મારી સાથે રહ્યો છે. આજે ઘણાં વર્ષો બાદ તેમને ફરી એ જ જુસ્સા અને શાનદાર અંદાજમાં જોવું એ મારા માટે ખૂબ ઇમોશનલ ક્ષણ છે. તેમનામાં કંઈ બદલાયું નથી, પરંતુ તેમનો પ્રભાવ પહેલાંથી પણ વધુ મજબૂત બન્યો છે. સૌથી ખાસ વાત એ છે કે તેમણે પોતાની ઈમાનદારી અને જાદુ આજ સુધી જાળવી રાખ્યાં છે.’

શેખર સુમનને જબરદસ્ત લોકપ્રિયતા અપાવનારા શો

શેખર સુમનને ભારતીય ટેલિવિઝન પર સ્ટૅન્ડ-અપ કૉમેડી અને લેટ-નાઇટ ટૉક-શોના પ્રણેતા માનવામાં આવે છે. તે હાલમાં જ તેના નવા ટૉક-શો ‘શેખર ટુનાઇટ’ સાથે કમબૅક કરી રહ્યો છે. એ સિવાયના શેખર સુમનના ‘મૂવર્સ ઍન્ડ શેકર્સ’, ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ’, ‘મૅડનેસ મચાએંગે’, ‘કૉમેડી સર્કસ’, ‘સિમ્પ્લી શેખર’, ‘કૅરી ઑન શેખર’ અને ‘પોલ ખોલ’ જેવા શોએ વ્યંગ્ય અને કૉમેડી ક્ષેત્રે મોટું પ્રદાન આપ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK