પ્રાણીપ્રેમીઓનું લોખંડવાલા સર્કલ પર જોરદાર વિરોધ-પ્રદર્શન
વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રાણીપ્રેમીઓ.
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાંથી શેરીઓમાં રખડતા બધા જ શ્વાનને પકડી એમને શેલ્ટર હોમમાં રીલોકેટ કરવા જણાવ્યું છે એનો દિલ્હીમાં પ્રાણીપ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે. હવે તેમના સપોર્ટમાં મુંબઈના પ્રાણીપ્રેમીઓ પણ જોડાયા છે. ગઈ કાલે અંધરી-લોખંડવાલ સર્કલ પર પ્રાણીઓ માટે કામ કરતા નૉન ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન (NGO) પ્યૉર ઍનિમલ લવર (PAL) વેલ્ફેર ફાઉન્ડેશનના નેજા હેઠળ ૩૦૦ કરતાં વધુ પ્રાણીપ્રેમીઓએ આ બાબતે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. સામાન્ય પ્રાણીપ્રેમીઓ સાથે ડૉક્ટર, ઍક્ટર્સ, ઍક્ટિવિસ્ટ પણ આ વિરોધ-પ્રદર્શનમાં જોડાયા હતા.
વિરોધ-પ્રદર્શન કરી રહેલાઓનું કહેવું હતું કે આ આંદોલન ફક્ત દિલ્હી કે મુંબઈના શ્વાન માટે જ નથી, પણ દરેક શહેરના શ્વાન માટે છે. તેમણે માગણી કરતાં કહ્યું હતું કે સરકારે આ ઇશ્યુ સંદર્ભે ઍનિમલ બર્થ કન્ટ્રોલ રૂલ્સ બરોબર પાળવા જોઈએ. સરકાર પાસે એટલી જગ્યા પણ નથી, પૈસા પણ નથી અને એ સંભાળવા સ્ટાફ પણ નથી.
ADVERTISEMENT
શ્વાન સાથે ગોકુળાષ્ટમી


સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં સુરતની એક પ્રાણીપ્રેમી યુવતી ત્રિશા શ્વાનોને જન્માષ્ટમીની ઉજવણી રૂપે માથા પર તિલક કરે છે અને પછી એમને મટકી ફોડી બિસ્કિટની લહાણી કરે છે. આ વિડિયો જોઈને લોકો તેને વધાવી રહ્યા છે. તેને ઘણી બધી લાઇક્સ મળી રહી છે.
ખસીકરણ અને વૅક્સિનેશન પર ધ્યાન આપો
ઍનિમલ રાઇ્ટસ ઍડ્વાઇઝર અને PAL સાથે જોડાયેલા રોશન પાઠકે કહ્યું હતું કે ‘જો મહારાષ્ટ્ર સરકાર આવો આદેશ આપશે તો અમે એનો અમલ થવા નહીં દઈએ. સરકાર અને સુધરાઈએ એમને રીલોકેટ કરવાને બદલે એમના ખસીકરણ અને વૅક્સિનેશન પર ધ્યાન આપવાની જરૂર છે. સુધરાઈના અધિકારીઓ કે જે વૅક્સિનેશન કરવાની ડ્યુટી પ્રૉપર નથી કરતા તેમની સામે પગલાં લેવાવાં જોઈએ. સરકારે સિટીને ક્રાઇમ-ફ્રી કરવાની જરૂર છે, નહીં કે ઍનિમલ-ફ્રી.’


