Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જાણીએ રખડુ કૂતરાઓ માટે વિશ્વભરમાં કેવી વ્યવસ્થા છે

જાણીએ રખડુ કૂતરાઓ માટે વિશ્વભરમાં કેવી વ્યવસ્થા છે

Published : 17 August, 2025 06:28 PM | IST | New Delhi
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

માત્ર કૂતરાઓની સંખ્યા વધારે હોવી એ જ મોટી સમસ્યા હોય એવું નથી, કૂતરાઓને રાખવા માટેની વ્યવસ્થાઓ, વસ્તીનિયંત્રણ અને જાળવણી માટેના કાયદાઓ જો ટકોરાબંધ હોય અને એનું અમલીકરણ થાય તો સ્ટ્રે ડૉગ્સ કદી સમસ્યા ન બને એ કેટલાક દેશોની નીતિઓમાંથી શીખવા જેવું છે

કૂતરાઓ

કૂતરાઓ


દિલ્હીના તમામ રખડુ કૂતરાઓને શેલ્ટર હોમમાં ભરી દેવાનો નિર્ણય લૉજિકલ નથી તો પછી પ્રૅક્ટિકલ ઑપ્શન છે શું?  

ભારતની સર્વોચ્ચ અદાલતે દેશની રાજધાનીના મુખ્ય પ્રધાનને ઉદ્દેશીને એક આદેશ આપ્યો અને આખાય દેશમાં હોબાળો મચી ગયો. આમ જોવા જઈએ તો સર્વોચ્ચ અદાલતના એ આદેશની સાથે જ મહારાષ્ટ્ર રાજ્યની અદાલતે આપેલા એક આદેશ વિશે મહારાષ્ટ્રમાં પણ હાલ હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષ, પ્રાણીપ્રેમીઓ સહિત દેશની સામાન્ય જનતા પણ આ બન્ને ચુકાદા બાબતે જાણે બે જૂથમાં વિભાજિત થઈ ગઈ છે.



સર્વોચ્ચ અદાલતે રાજધાનીના માર્ગો પર રખડતા લાખો કૂતરાઓને હટાવવાનો આદેશ કર્યો છે. તો બીજી તરફ મહારાષ્ટ્રની અદાલતે કબૂતરખાનાંઓ બંધ કરવાના આપેલા આદેશ સામે હમણાં બન્ને તરફી નિવેદનો અને કાર્યવાહીઓ સામે આવી રહ્યાં છે પણ આજે આપણે અહીં વાત કરવી છે દિલ્હીના ચુકાદા વિશે અને એ જ વિષયના સંદર્ભે વિશ્વના બીજા દેશોમાં શું પરિસ્થિતિ છે એ વિશે. સામાન્યજન કે જે હજી નિષ્પક્ષ રહી આખીય વાત અને ઘટનાને સમજી રહ્યા છીએ તેમના માટે વિશ્વના બીજા દેશોની વાતો જાણવી પણ રસપ્રદ રહેશે. કારણ કે જે રીતે સર્વોચ્ચ અદાલતનો આ આદેશ આપણને કંઈક અજીબ લાગી રહ્યો છે એ જ રીતે બીજા અનેક દેશોમાં પણ આ અજીબ પરિસ્થિતિ સામે અજીબ નિર્ણયો લેવાયા જ છે. પણ એ પહેલાં એટલું સ્પષ્ટપણે જાણી લઈએ કે સુપ્રીમ કોર્ટે રખડુ કૂતરાઓને મારી નાખવાનો આદેશ નથી આપ્યો કે આપણે આટલું બુમરાણ મચાવી મૂકીએ. કોર્ટે કહ્યું છે કે એ જાનવરોને નિયંત્રણ ધરાવતા શેલ્ટર હોમમાં મૂકવામાં આવે, એમનું ટીકાકરણ કરવામાં આવે અને નસબંધી વિશે નિર્ણયો લેવામાં આવે. સાથે જ એ નિર્ધારિત કરવામાં આવે કે સાર્વજનિક સ્થાનો પર તેમના પાછા આવવા પર પ્રતિબંધ લદાય. આ માટે કોર્ટે છથી આઠ અઠવાડિયાંની સમયસીમા નિર્ધારિત કરી છે.            


પૂરી દુનિયા મેં અપના બોલબાલા હૈ

હવે એક નજર વિશ્વના બીજા દેશોમાં આવા રખડુ કૂતરાઓની વસ્તી પર પણ નાખી લઈએ જેથી આગળની ચર્ચા થોડી વધુ રસપ્રદ રહે. પાળતુ અને રખડુ બન્ને કૂતરાઓનો આ ગણતરીમાં સમાવેશ કરી લઈએ તો આખાય અમેરિકામાં અંદાજે ૯૦ મિલ્યન એટલે કે ૯ કરોડ જેટલા કૂતરાઓ છે. જ્યારે ૨૦૨૪ના પ્રાપ્ય આંકડાઓ અનુસાર બ્રાઝિલમાં ૨૯ લાખ જેટલા તો ચીનમાં ૨૦૨૧ના ઉપલબ્ધ આંકડા પ્રમાણે અંદાજે ૪ કરોડ જેટલા રખડુ કૂતરાઓ છે! ચીનાઓ તો ખાવામાં કૂતરાઓને પણ છોડતા નથી એટલે એ લોકોને જયારે તેમની વસ્તી વધી રહી જણાશે ત્યારે એમને વધુ ખાવા માંડશે. એની સામે ભારતમાં કુલ ૫.૨૫ કરોડ કૂતરાઓ હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે અને મેક્સિકોમાં આ આંકડો છે ૧.૬ કરોડ જેટલો.      


હવે આ જ આંકડાઓની સાથે કૂતરા અને બિલાડીઓની બાબતમાં વિશ્વના ટૉપ ૧૦ દેશોની યાદી પર પણ એક નજર નાખવી જોઈએ.

તો પછી વિશ્વ શું કરી રહ્યું છે? શું આપણા જેવી મુશ્કેલી બધા જ દેશોને નહીં નડતી હોય? નડે જ છે. આથી જ કેટલાક દેશોએ એ માટે નવીન પગલાંઓ પણ લીધાં જ છે. સૌથી પહેલાં એક એવા દેશની વાત કરીએ કે જે એક પણ રખડુ કૂતરો નહીં હોવાનો માઇલસ્ટોન હાંસલ કરી ચૂક્યો છે. એ દેશ એટલે નેધરલૅન્ડ્સ જ્યાં આખાય દેશમાં તમને એક પણ રખડુ, આવારા કૂતરો જોવા નહીં મળે.

નેધરલૅન્ડ્સ, કૂતરાની પૂંછડી સીધી કરનાર દેશ

એક અંદાજ કહે છે કે આખાય વિશ્વમાં લગભગ ૨૦ કરોડ જેટલા રખડુ આવારા કૂતરાઓ છે પરંતુ એમાંથીય એકેય કૂતરું નેધરલૅન્ડ્સમાં નથી. આ માઇલસ્ટોન તેમણે કૂતરાઓને મારી નાખીને નથી હાંસલ કર્યો પરંતુ દયાળુ અને માનવીય અપ્રોચ સાથે મેળવ્યો છે. કઈ રીતે? આવો જાણીએ.

નેધરલૅન્ડ્સમાં કૂતરાઓનું વર્ષોવર્ષથી એક સાંસ્કૃતિક મહત્ત્વ રહ્યું છે. દેશના અમીરો માટે એ પાળતુ જાનવર તરીકે પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યું છે તો ગરીબો માટે કામમાં મદદરૂપ થનાર એક મહત્ત્વના જાનવર તરીકે. પરંતુ ૧૯મી સદીમાં આખાય નેધરલૅન્ડ્સમાં રેબીઝને કારણે મહામારી ફેલાઈ અને પરિસ્થિતિ એટલી ભયાનક આવી પડી હતી કે દેશના લોકોએ પોતાના જ કૂતરાઓને સાર્વજનિક રસ્તાઓ પર રખડતા છોડી દેવા માંડ્યા હતા. પરિણામ એ આવ્યું કે માણસોની સાથે-સાથે કૂતરાઓના સ્વાસ્થ્યની પરિસ્થિતિ તો બગડી જ સાથે જ જાહેર જગ્યાઓ પર એમનું પ્રભુત્વ પણ વધવા માંડ્યું, જેને કારણે રેબીઝની બીમારી ઓછી થવાની જગ્યાએ વધુ વકરવા માંડી. એક તરફ માનવ વસ્તી હતી અને બીજી તરફ કૂતરાઓની વસ્તી. એક તરફ માણસોમાં ફેલાતી બીમારી હતી અને બીજી તરફ એનું મૂળ એવા કૂતરાઓ. કરવું તો કરવું શું? આખરે સરકારે એક અજબ નિર્ણય લીધો. તેમણે ડૉગ ટૅક્સ લગાડવાનું શરૂ કર્યું. સરકારનું માનવું હતું કે આમ કરવાથી કૂતરાઓની સંખ્યા ઘટશે, પરંતુ આ નિર્ણય સાવ ઊલટો સાબિત થયો. પરિસ્થિતિ કંઈક એવી સર્જાઈ કે જે ટૅક્સ આપી શકે એવા હતા તેમણે વિરોધ-પ્રદર્શનમાં અને જે ડૉગ ટૅક્સ ચૂકવી શકે એમ નહોતા તેમણે નવા ટૅક્સ બોજને કારણે પોતાના કૂતરાઓ રસ્તા પર છોડી દેવા માંડ્યા. અર્થાત ટૅક્સ નાખવાથી કૂતરાઓની સંખ્યા ઘટવાને બદલે રખડુ આવારા કૂતરાઓની સંખ્યા વધવા માંડી.

આખરે ૧૮૬૪ની સાલમાં નેધરલૅન્ડ્સ સરકારે એક પશુ સંરક્ષણ એજન્સીની સ્થાપના કરી અને ત્યારથી નેધરલૅન્ડ્સમાં ઍનિમલ રાઇટ્સ સૌથી અગ્રીમ અને મહત્ત્વનો મુદ્દો બની ગયો. એ હદ સુધી કે કોઈ પણ પશુ સાથે દુર્વ્યવહારને સરકાર સાંખી લેવા તૈયાર નહોતી. ધારો કે કોઈ પશુ સાથે દુર્વ્યવહાર કરે તો એના પર ૧૮,૫૩૯ ડૉલરની પેનલ્ટી અને ત્રણ વર્ષ સુધીની જેલની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું.

કામ કરવું કઈ રીતે?

ડચ સરકારે સૌથી પહેલાં તો કૂતરાઓને ચાર અલગ-અલગ કૅટેગરીમાં પરિભાષિત કરી નાખ્યા. ૧. માલિક સાથે જાહેરમાં રખડતા કૂતરાઓ. અર્થાત એવા કૂતરાઓ કે જેના માલિક તો હોય છે પરંતુ દિવસ દરમિયાન એના માલિક એમને મહદ અંશે ખુલ્લા છોડી દેતા હોય. ૨. માલિક વિના જાહેરમાં રખડતા અર્થાત એવા કૂતરાઓ કે જેના માલિકે એમને છોડી દીધા હોય. ૩. સામાજિક માલિકીના કૂતરાઓ, જેમાં એવા કૂતરાઓ હોય જેનો કોઈ એક વ્યક્તિ માલિક નહીં હોય પરંતુ કોઈ ગલી, મહોલ્લા કે સમુદાય દ્વારા એનું ભરણપોષણ કરવામાં આવતું હોય. અને છેલ્લે ૪. જંગલી કૂતરાઓ, જેનો કોઈ માલિક નથી કે કોઈ સ્થળ નથી; એ એકલા જ પોતાની રીતે જાહેર સ્થળોએ જીવતા હોય.

નેધરલૅન્ડ્સની ડચ સરકારે આ જ મુદ્દે આગળ જતાં નક્કી કર્યું કે પેટ શૉપમાંથી ખરીદાતા કૂતરાઓ પર મોટા પ્રમાણમાં ટૅક્સ લગાડવામાં આવે જેથી મહત્તમ લોકો શેલ્ટર હોમમાંથી જ કૂતરાઓ ગોદ લેવાનું વિચારે. સરકાર કહેતી હતી કે આથી બે મોટા ફાયદા થશે. એક તો દેશમાં રખડુ કૂતરાઓની સંખ્યા ઘટશે અને બીજું, કૂતરાઓને નવું ઘર અને પોતાનો પરિવાર મળશે. તમે નહીં માનો, આ સરકારી નિર્ણયની જબરદસ્ત અસર જોવા મળી. નેધરલૅન્ડ્સના લગભગ ૯૦ ટકા પરિવારોએ પોતાના ઘરમાં એક કૂતરાનું સ્વાગત કરવાનું નક્કી કર્યું જેને કારણે અંદાજે દસ લાખ જેટલા કૂતરાઓને નવું ઘર અને નવો પરિવાર મળી ગયા.

આ સિવાય ત્રીજા પગલા તરીકે તેમણે સ્વીકાર્યું CNVR અર્થાત કલેક્ટ, ન્યુટર, વૅક્સિનેટ અને રિટર્ન. મતલબ કે એમને પકડો, નસબંધી કરો, વૅક્સિનેશન કરો અને પાછા છોડી દો. આ પહેલ આખાય નેધરલૅન્ડ્સમાં રાષ્ટ્રવ્યાપી કક્ષાએ ચલાવવામાં આવી. સરકાર દ્વારા ફન્ડેડ એવા આ કાર્યક્રમને કારણે રખડુ કૂતરાઓની ચિકિત્સા પણ થઈ અને સાથે વસ્તી નિયંત્રણ પણ આડકતરી રીતે શરૂ થયું એટલું જ નહીં, આ સાથે તેમણે બીજું પણ એક મહત્ત્વનું પગલું લીધું અને એ હતું ઍનિમલ કૅર પોલીસનું ગઠન. આ સુરક્ષાબળ એવી પોલીસ હતી જે માત્ર જાનવરો સાથે થતા દુર્વ્યવહાર માટે કામ કરતી હતી કારણ કે દેશમાં ઍનિમલ રાઇટ્સ વિશે હવે કડક કાયદો બનાવવામાં આવ્યો હતો.

ટર્કીનો અમાનવીય નિર્ણય

એક તરફ નેધરલૅન્ડ્સ જેવો દેશ છે જે પ્રાણીઓ પ્રત્યે માનવીય વ્યવહાર અપનાવીને કાયદો અને પગલાંઓ લે છે તો બીજી તરફ ટર્કી જેવો દેશ છે કે જે સદંતર અમાનવીય વલણ અપનાવી એવો કાયદો રચે છે કે જે રખડુ આવારા કૂતરાઓને લાંબા સમય માટે સામૂહિક આશ્રય સ્થાનમાં મૂકી દેવાની અને મારવાની પરવાનગી આપે છે. ૨૦૨૪ના જુલાઈ મહિનામાં ટર્કીમાં આ કાયદા અંતર્ગત દેશના લગભગ ૪૦ લાખ જેટલા રખડુ કૂતરાઓને મારી નાખવાનો નિર્ણય લેવાયો હતો જેને કારણે આખાય વિશ્વમાં ટર્કીના આ અમાનવીય નિર્ણયની નિંદા થઈ રહી છે અને આજે વૈશ્વિક સ્તરની અનેક પ્રાણીપ્રેમી સંસ્થાઓ પોતાનો વિરોધ દર્શાવી રહી છે.

સોફિયાનું મૅનેજમેન્ટ

બલ્ગેરિયાનું સોફિયા પણ નેધરલૅન્ડ્સની જેમ જ CNVR પૅટર્ન અપનાવી રખડુ કૂતરાઓની સમસ્યાથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે એટલું જ નહીં, હમણાં સુધી ચાલેલી આ પહેલમાં તેમને અકલ્પનીય સફળતા મળી છે. સાથે જ તેમણે શરૂ કર્યાં મોબાઇલ ઍનિમલ ક્લિનિક, જે એક્સક્લુઝિવ રખડુ આવારા પ્રાણીઓની ચિકિત્સા કરે અને સારવાર આપે. આજે એવો અંદાજ મુકાઈ રહ્યો છે કે દરેક મોબાઇલ ક્લિનિક રોજનાં લગભગ ૧૦૦ પશુઓની ચિકિત્સા અને સારવાર કરે છે.

પરિણામ શું આવ્યું? તો એક વર્ષ હતું ૨૦૦૭ કે જ્યારે આખાય સોફિયામાં કુલ ૧૧ હજાર જેટલા સ્ટ્રીટ ડૉગ્સ હતા. સરકારે પગલાં લીધાં, એ પ્રમાણે ગંભીરતાથી કામ શરૂ થયું અને ૨૦૧૮ની સાલ આવતા સુધીમાં તો આખાય સોફિયામાં માત્ર ૩૬૦૦ જેટલા રખડુ આવારા કૂતરાઓ રહી ગયા હોવાનું નોંધાયું! આજે પરિણામ એ છે કે બલ્ગેરિયાના આખાય સોફિયામાં લગભગ બધા જ કૂતરાઓની નસબંધી થઈ ચૂકી છે અને હવે જે કૂતરાઓ છે એ ઘરડા થઈ રહ્યા છે. ભૂતકાળમાં એક સમય એવો પણ હતો જ્યારે ટર્કીની જેમ જ સોફિયાએ પણ આ પશુઓની નિર્મમ હત્યાનો માર્ગ અપનાવ્યો હતો. ૧૯૯૯થી લઈને ૨૦૦૬ની સાલ સુધીમાં લગભગ ૭૦ હજાર જેટલા કૂતરાઓને મારી નાખવામાં આવ્યા હતા એટલું જ નહીં, એ સમય એવો હતો જ્યારે કોઈ પણ પશુ ચિકિત્સક આવાં આવારા પશુઓ સાથે કે એમની બાબતે કામ કરવા તૈયાર નહોતા. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે.

બીજો પણ એક મહત્ત્વનો ફેરફાર સોફિયાએ અપનાવ્યો. અને એ ફેરફાર એટલે નોંધણીકરણ. આખાય સોફિયાના દરેક રહેવાસીએ પોતાના પાળતુ પ્રાણીની નોંધણી કરાવવી ફરજિયાત બનાવી દેવામાં આવ્યું જેને કારણે થયું એવું કે જો કોઈ માલિક તેના પાળતુ પ્રાણીને કોઈ પણ કારણસર રખડતું મૂકી દે કે છોડી મૂકે તો એ માટે જવાબદેહી નક્કી થઈ ગઈ અને એના પર રોક લાગી ગઈ.

પ્રિસ્ટિનાની પરિયોજના

કોસોવો, યુરોપનો એક એવો દેશ જેની ગણતરી ડેવલપ કન્ટ્રી તરીકે થાય છે. કોસોવોનું કૅપિટલ એટલે પ્રિસ્ટિના જ્યાં એક સમયે રખડુ કૂતરાઓની ખૂબ મોટી સમસ્યા હતી. આખરે એક વેટરિનરી ડૉક્ટર અર્થાત પશુ-ચિકિત્સકને વિચાર આવ્યો કે રખડુ પ્રાણીઓ વિશે જ્યાં સુધી કોઈ ઠોસ પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી આ સમસ્યા મોટી ને મોટી જ થતી જશે. આખરે તેમણે પોતાની સાથે બીજા બે પશુ-ચિકિત્સક, પ્રાણીઓ માટે કામ કરતી એક સંસ્થા અને કૂતરાઓને પકડનારી એક ટીમને પોતાની સાથે લીધા અને આ બધા ભેગા મળી પોડુજેવો નગરપાલિકામાં પહોંચ્યા. પોતાના વિચારો તેમણે પાલિકાના આધિકારીઓ સામે રજૂ કર્યા અને પાલિકા પણ તેમની સાથે અભિયાનમાં જોડાવા રાજી થઈ ગઈ. માત્ર ચાર જ દિવસમાં તેમણે ૫૪ જેટલા રખડુ કૂતરાઓને પકડી એમની નસબંધી કરી અને સાથે જ એમને વૅક્સિનેટેડ કરવામાં આવ્યા. એમનું આ કામ નગરપાલિકાએ ધ્યાનમાં લીધું અને એક સફળ પ્રયાસ તરીકે બિરદાવતાં આ અભિયાન આખાય પ્રિસ્ટિનામાં શરૂ થયું જે આજે પણ ચાલી રહ્યું છે.

બ્રિટનમાં જેલ થશે

બ્રિટનમાં એ લોકોએ એવી સિસ્ટમ બનાવી છે કે જો કોઈ પણ જાનવર રખડતી હાલતમાં મળી આવ્યું તો આઠ દિવસની અંદર-અંદર એના માલિકે સંપર્ક કરી એને પાછું મેળવી લેવાનું હોય છે. જો એમ નહીં થાય તો એ પ્રાણીને શેલ્ટર હોમમાં મોકલી આપવામાં આવે છે પરંતુ કોઈ પણ માલિકને તેના પાળતુ પ્રાણીને છોડી મૂકવાની કે ત્યજી દેવાની પરવાનગી બ્રિટનમાં નથી. જો કોઈ માલિક દ્વારા એમ કરવામાં આવે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા ૪૫ હજાર પાઉન્ડ સુધીની સજા પણ થઈ શકે છે.

જપાનની ગૅસ ચેમ્બર

જપાનમાં પશુ કલ્યાણ માટેનો ખૂબ જ સખ્ત કાયદો બનાવવામાં આવ્યો છે. આ એશિયાઈ દેશમાં જો રખડુ કૂતરા મળી આવે તો એને પકડી લઈ ક્વૉરન્ટાઇન કરવામાં આવે છે. ત્યાર બાદ એના સ્વાસ્થ્યની ચકાસણી થાય છે અને એને ગોદ લેવા માટે તૈયાર કરવામાં આવે છે. પરંતુ એ સિવાયના આવારા કૂતરાઓની નસબંધી અને ટીકાકરણ કરવામાં આવે છે. વધતી વસ્તીની પરિસ્થિતિ સર્જાય તો જપાનમાં કૂતરાઓને મારી નાખવાની પરવાનગી આપતો કાયદો પણ છે. પરંતુ એ મહદ અંશે બીમાર અને ખતરનાક જાનવરો માટે જ પ્રૅક્ટિસમાં લેવાય છે. જપાનમાં આ પ્રક્રિયા ગૅસ ચેમ્બર દ્વારા કરવામાં આવે છે જેમાં કૂતરાને એક ચેમ્બરમાં પૂરી ગૂંગળાવીને મારી નાખવામાં આવે છે.

આ સિવાય સ્વિટ્ઝરલૅન્ડમાં પાળતુ પ્રાણીઓની નોંધણી કરાવવી આવશ્યક છે તો દક્ષિણ કોરિયામાં નસબંધીનો વિકલ્પ અપનાવવામાં આવ્યો છે. અને યુરોપના પણ અનેક દેશોમાં ટીકાકરણ અને નસબંધીનો વિકલ્પ અપનાવાઈ રહ્યો છે. હવે એશિયાના બે નાના દેશોની મોટી અચીવમેન્ટ્સ વિશે વાત કરી આ ચર્ચા પૂર્ણ કરીએ. એમાંથી એક આપણો જ પાડોશી દેશ ભુતાન છે!

એશિયાનો પહેલો દેશ ભુતાન

આખાય એશિયામાં ભુતાન પહેલો એવો દેશ બન્યો છે કે જેણે પોતાના દેશના તમામ રખડુ કૂતરાઓની નસબંધી અને વૅક્સિનેશન કર્યા છે! હ્યુમન સોસાયટી ઇન્ટરનૅશનલ સાથે મળી ભુતાન સતત ૧૪ વર્ષો સુધી કામ કરતું રહ્યું અને આખરે એના પરિણામ સ્વરૂપે સફળતા એ મળી કે આજે આખાય દેશનો એક પણ એવો કૂતરો નથી જેનું ટીકાકરણ અને નસબંધી ન થયાં હોય. એટલું જ શું કામ, હ્યુમન સોસાયટી ઇન્ટરનૅશનલ તો કહે છે કે  ભુતાન આખાય વિશ્વમાં પહેલો એવો દેશ છે કે જેના દરેક કૂતરા વૅક્સિનેટેડ છે.

વાત કંઈક એવી છે કે ભુતાનની રાજધાની થિમ્પુમાં એક કાર્યક્રમ દરમિયાન નિર્ણય લેવાયો કે આખાય દેશના કૂતરાઓની જનસંખ્યાની ગણતરી થશે અને રેબીઝ નિયંત્રણ પર ઠોસ પગલાં લેવાશે એટલું જ નહીં, કૂતરાઓના વસ્તી નિયંત્રણ પર પણ કામ થવું જોઈએ. આખરે આખાય દેશના કૂતરાઓને પકડી એમની ચિકિત્સા, સારવાર, ટીકાકરણ અને નસબંધીનો કાર્યક્રમ શરૂ થયો અને ૧૪ વર્ષના સતત પ્રયાસના અંતે દેશના તમામ કૂતરાઓને આવરી લેવામાં આવ્યા જેમાં ૧ લાખ ૫૦ હજાર કૂતરાઓનો સમાવેશ થાય છે. આ સિવાય ૩૨ હજાર જેટલા પાળતુ કૂતરાઓને માઇક્રોચિપ લગાવી એમની પણ નોંધણી અને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. બીજો એશિયાઈ દેશ છે થાઇલૅન્ડ, જ્યાં કૂતરા અને બિલાડીઓની દેખભાળ દ્વારા ભવિષ્ય નિર્માણ થઈ રહ્યું છે.

થાઇલૅન્ડની દેખભાળ

થાઇલૅન્ડ બૌદ્ધ ધર્મને માનનારો દેશ છે અને બૌદ્ધ ધર્મમાં રખડુ, બેઘર પ્રાણી-પશુઓને ખાવાનું ખવડાવવાથી, પાણી-દૂધ પીવડાવવાથી પુણ્ય મળે છે એવી માન્યતા છે; જેને કારણે થાઇલૅન્ડમાં રસ્તાઓ પર, સમુદ્રી તટો પર અને મંદિરોમાં પણ મોટા પ્રમાણમાં કૂતરા અને બિલાડીઓ જોવા મળે છે. બૌદ્ધ ધર્મની પુણ્ય કમાવાની આ માન્યતાને કારણે આવાં પશુઓને જબરદસ્ત ફાયદો થાય છે. એક તો એમને જીવન વ્યાપન કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી અને પૂરતાં ખોરાક-પાણીને લીધે એમની પ્રજનન ક્ષમતા પણ સારી રહે છે. પરંતુ એને કારણે દેશમાં તકલીફ એવી ઊભી થઈ કે થાઇલૅન્ડના રસ્તાઓ પર હજારોની સંખ્યામાં કૂતરાઓ જન્મવા માંડ્યા. એક તરફ હતી વધતી જનસંખ્યા અને બીજી તરફ હતી પુણ્ય કમાવાની મનોકામના. પરિણામ સ્વરૂપ થાઇલૅન્ડમાં અનેક શેલ્ટર હોમ ખોલવામાં આવ્યાં. જ્યાં સેંકડોની કૅપેસિટી હોય ત્યાં હજારો પશુઓને લાવી મૂકવામાં આવ્યાં. આને લીધે પરિસ્થિતિમાં તો કોઈ સુધાર ન થયો ઊલટાની શેલ્ટર્સની પરિસ્થિતિ દયનીય બની ગઈ.

થાઇલૅન્ડના દક્ષિણી પ્રાંતોમાં ભૂતકાળમાં એક વાર રેબીઝ જેવી મૃત્યુ ફેલાવનારી બીમારી ફેલાઈ ચૂકી છે જેની સામે લડવા માટે થાઇલૅન્ડને ખૂબ મહેનત પડી હતી. આથી ફરી જ્યારે રખડુ પ્રાણીઓની જનસંખ્યાની પરિસ્થિતિ બદલાવા માંડી ત્યારે ત્રાંગ જેવા થાઇલૅન્ડના વિસ્તારો સજાગ થઈ ગયા અને તેમણે કોઈક નક્કર પગલાં લેવા વિચાર્યું. પરંતુ બૌદ્ધ ધર્મ કોઈ પશુને મારી નાખવાની પરવાનગી તો આપતો નથી તો હવે કરવું શું? આખરે વૈશ્વિક સ્તરે કામ કરતી એક પ્રાણીપ્રેમી સંસ્થા પાઉ એ સમયે ક્રાબીમાં કાર્યરત હતી. ત્રાંગના લોકોએ એમની પાસે મદદ માગી અને શરૂ થયો ટીકાકરણ અને નસબંધીનો કાર્યક્રમ.

પ્રાણી હોય કે મનુષ્ય, સહજીવન નામનો શબ્દ માત્ર પતિ અને પત્નીના સબંધ સુધી જ મર્યાદિત નથી. કૂતરાઓની વસ્તી વધી રહી હોય તો એમાં બિચારા એ ચોપગા પ્રાણીનો શું દોષ એ વાત સાથે સહમત થવું જ પડે એમ છે. પરંતુ વિરોધ અને તકલીફ બાબતે અવાજ કેમ ઊઠી રહ્યા છે ખબર છે? કારણ કે આપણે માનવીઓ પોતાની જાતને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ પ્રાણીઓ સાથે આપણે અમાનવીય વ્યવહાર કરીશું, દયા નામના શબ્દને ભુલાવી દઈ પ્રાણીઓ સાથે પ્રાણીપણાને પણ શરમાવે એવો વ્યવહાર કરીશું, મારી નાખીશું. આથી અવાજ મોટા થઈ રહ્યા છે અને ચિંતાઓ વધી રહી છે. પરંતુ નેધરલૅન્ડ્સ અને ભુતાન જેવા દેશોએ આપણને ઉત્તમ વિકલ્પો સાથેનાં ઉત્તમ દૃષ્ટાંતો આપ્યાં છે, જો સ્વીકારીએ તો.

ભારતમાં દિલ્હી અને મુંબઈની શું છે સ્થિતિ?

કોર્ટે નોંધ્યું છે કે દિલ્હી-NCR વિસ્તારમાં રખડુ કૂતરાઓની વસ્તી એટલી વધી ગઈ છે કે એ વિસ્તારમાં સામાન્ય માણસોને કૂતરા કરડવાની લગભગ ૨૦૦૦ જેટલી ઘટનાઓ રોજ સામે આવે છે, જેને કારણે રેબીઝ જેને આપણે ગુજરાતીમાં હડકવા કહીએ છીએ, એ થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને એક વાર હડકવા થઈ જાય તો એનો ઇલાજ લગભગ અશક્ય છે. હડકવા આખરે માણસને મૃત્યુના દ્વાર સુધી ખેંચી જાય છે એટલું જ નહીં, દિલ્હી શહેરમાં રેબીઝને કારણે થતા મૃત્યુનો દર પણ ઉત્તરોત્તર વધી રહ્યો છે. 

એક સર્વે અનુસાર દિલ્હી NCR વિસ્તારમાં અંદાજે આઠથી દસ લાખ કૂતરાઓ ભટકે છે. ગરીબ મજૂરોથી લઈને રોજિંદી કમાણી પર નભતા ગરીબ લોકો આવી પરિસ્થિતિમાં સૌથી વધુ શિકાર બનતા હોય છે. પરંતુ [ેની સામે જ એ પણ વાસ્તવિકતા છે કે કૂતરાની આ વસ્તી સામે હાલ દિલ્હી રાજ્ય સરકાર પાસે એટલી ક્ષમતાના કે એટલી સંખ્યામાં આશ્રયસ્થાનો એટલે કે ડૉગ્સ શેલ્ટર નથી. પણ બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે આખાય ભારતમાં આવા રખડુ કૂતરાઓની વસ્તીની બાબતમાં બીજાં રાજ્યોની સરખામણીએ દિલ્હી મોખરાના સ્થાને છે. ૨૦૦૯માં ગલીમાં કે રસ્તે રખડતા કૂતરાઓની જનગણના થઈ હતી અને એ સમયે એમની વસ્તી ૫.૬ લાખ જેટલી નોંધાઈ હતી, જે આજે વધીને દસ લાખ થઈ ચૂકી છે એવો અંદાજ છે. દિલ્હી બાદ બીજા ક્રમાંકે આવે છે દેશનું આર્થિક કૅપિટલ એવું મુંબઈ.               

હવે આ પરિસ્થિતિ સામે પ્રાણીપ્રેમીઓ કે સંસ્થાઓ જે વિરોધ કરી રહ્યાં છે તેમનું કહેવું છે કે કૂતરાઓની હાલની વસ્તી માટે જરૂરી એટલાં આશ્રયસ્થાનો રાજ્ય સરકાર પાસે નથી. વળી આ કૂતરાઓનું સ્થળાંતર કરાવતી વેળા તેમની સાથે અમાનવીય વર્તન થશે એવી પણ ભીતિ છે.

૬૦૦૦ કૂતરાઓનું વિશ્વનું સૌથી મોટું શેલ્ટર હોમ

દુનિયાનું સૌથી મોટું ડૉગ શેલ્ટર હોમ રોમાનિયામાં છે. જર્મન-રોમાનિયન પ્રોજેક્ટ અંતર્ગત ૨૦૦૧માં બીમાર શ્વાનોને આશ્રય આપવા માટે અને એમનો ઇલાજ કરવા માટે આ શેલ્ટર હોમ શરૂ થયેલું. એમાં ૪૫,૫૪૩ સ્ક્વેર ફુટ વિસ્તારમાં ૬૦૦૦ ડૉગીઝ રહે છે. અહીં એમને જે સુવિધા આપવામાં આવે છે એ પણ અવ્વલ દરજ્જાની છે. આ શેલ્ટર હોમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ એવું શેલ્ટર હોમ છે જે શરૂ થયું ત્યારથી અહીં એક પણ ડૉગને મારી નાખવામાં નથી આવ્યો.

અમેરિકાના અલબામામાં છે પાંજરામુક્ત ડૉગ રેસ્ક્યુ હોમ

અમેરિકાના અલબામામાં બિગ ડૉગ રૅન્ક રેસ્ક્યુ હોમ શરૂ કર્યું છે લૉરી સિમોન્સ નામના પ્રાણીપ્રેમીએ. ૧૦૦ એકરમાં ફેલાયેલા આ રેસ્ક્યુ હોમમાં અનેક માલિકો પોતાના ડૉગીઝને છોડી જાય છે. જેઓ પોતાના પાળેલા ડૉગથી છુટકારો મેળવવા માગતા હોય તેઓ અહીં ડૉગ્સ છોડી જાય છે. અહીં માંદા અને અપંગ શ્વાનોની સારવાર, શેલ્ટર બન્ને મળે છે એટલું જ નહીં, અહીંથી સાજા થયેલા ડૉગીઝ પાછા દત્તક પણ લેવાય છે. અહીં લગભગ ૫૦૦૦ શ્વાન રહે છે અને એમને કોઈને પાંજરામાં રાખવામાં નથી આવતા.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2025 06:28 PM IST | New Delhi | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK