મુંબઈના ૪૦ ટકા રસ્તા ટૂંક સમયમાં રિપેર કરવામાં આવશે. આથી ખોદાયેલા રસ્તાઓને કારણે પરિસ્થિતિ બદતર બની જશે.
ફાઈલ ફોટો
મુંબઈ : મુંબઈના ૪૦ ટકા રસ્તા ટૂંક સમયમાં રિપેર કરવામાં આવશે. આથી ખોદાયેલા રસ્તાઓને કારણે પરિસ્થિતિ બદતર બની જશે. બીએમસીએ ૪૦૦ કિલોમીટરના આસ્ફાલ્ટ રોડને કૉન્ક્રીટના બનાવવા માટે ૭૦૦૦ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. બીએમસી આ ટેન્ડરનો મુસદ્દો તૈયાર કરી રહી છે, જેને ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે. મુંબઈમાં અંદાજે ૨૦૫૦ કિલોમીટરના રોડ છે. બીએમસીએ ૨૦૨૨માં આસ્ફાલ્ટના તમામ રોડને સિમેન્ટ-કૉન્ક્રીટમાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો.
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલારાસુએ પણ આ બાબતે સમર્થન આપ્યું હતું. બાકીના ૪૦૦ કિલોમીટરના રોડને કૉન્ક્રીટના બનાવવા બીએમસી ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડશે એમ વેલારાસુએ જણાવ્યું હતું. બીએમસી આ ટેન્ડરમાં ત્રણ અને છ મીટરના નાના રસ્તાઓના કૉન્ક્રીટિંગનો સમાવેશ કરશે એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
બીએમસીએ અત્યાર સુધીમાં ૧૧૪૮ કિલોમીટરના રોડનું કૉન્ક્રીટિંગ કર્યું છે. ૨૦૨૨ના વર્ષ સુધીમાં ૯૯૦ કિલોમીટરના રોડનું કૉન્ક્રીટિંગ પૂરું થયું હતું. બીએમસીએ ૨૦૨૨-’૨૩ દરમ્યાન ૧૫૮ કિલોમીટર રોડનું કૉન્ક્રીટિંગ પૂરું કર્યું હતું. હાલ ૪૦૦ કિલોમીટર રોડના કૉન્ક્રીટિંગના કાર્યને હાથ ધરવામાં આવ્યું છે. બીએમસીએ હવે બાકીના ૪૦૦ કિલોમીટરના રોડના કૉન્ક્રીટિંગ માટે ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કર્યો છે.
બીએમસીએ ૨૦૨૩ના વર્ષમાં ૪૦૦ કિલોમીટર રોડના કૉન્ક્રીટિંગ માટે ૬૨૫૦ કરોડ રૂપિયાના ટેન્ડરને બહાલી આપી હતી. જોકે બીએમસીએ સાઉથ મુંબઈ માટે ફાળવેલા ૧૬૦૦ કરોડ રૂપિયાના ટેન્ડરને રદ કર્યું હતું, કેમ કે કૉન્ટ્રૅક્ટર ૨૦૨૪ના ડિસેમ્બર પહેલાં કાર્ય શરૂ કરી શકે એમ નહોતો. બીએમસીએ હવે સાઉથ મુંબઈ માટે નવેસરથી ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ઉપનગરોમાં કુલ કાર્યના ૧૦ ટકા જેટલું કામ થયું નથી.
ટેન્ડર અનુસાર ચોમાસાને બાદ કરતાં રોડના કૉન્ક્રીટિંગમાં ૨૪ મહિનાનો સમય લાગશે. નવા રોડનું કાર્ય ૨૦૨૪ના ઑક્ટોબરમાં શરૂ થવાની શક્યતા છે.
દરમ્યાન શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ બીએમસીના વડા આઇ. એસ. ચહલને એક પત્ર લખ્યો છે અને દાવો કર્યો છે કે આનાથી કરદાતાઓનાં નાણાંની વધુ એક લૂંટ થશે. પત્રમાં આદિત્ય ઠાકરેએ ૨૦૦ કરોડ રૂપિયાના દંડ સામે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે દંડની રકમ પોતે ક્યારે વસૂલ કરશે એની તારીખ પણ બીએમસીએ જાહેર કરવી જોઈએ.


