મુંબઈ : મીરા રોડના 30 વર્ષના યુવકે ગળાફાંસો ખાધો
પ્રતીકાત્મક તસવીર
કોરોનાને લીધે કરાયેલા લૉકડાઉનને કારણે નોકરી છૂટી જતાં મીરા રોડમાં રહેતા ૩૦ વર્ષના એક યુવાને હતાશામાં આવીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના ગઈ કાલે વહેલી સવારે બની હતી. પંખા સાથે લટકતા પહેલાં યુવાને લખેલી સુસાઇડ-નોટમાં નોંધ્યું છે કે તે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જવાથી આ પગલું ભરી રહ્યો છે. નયાનગર પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
મળેલી માહિતી મુજબ મીરા રોડમાં આવેલા પૂજા નગરની એક સોસાયટીમાં નિવૃત્ત પોલીસ-કર્મચારી શાબીર સૈયદનો પરિવાર રહે છે. તેમનો ૩૦ વર્ષનો પુત્ર સલમાન દુબઈમાં નોકરી કરતો હતો. જોકે કોરોનાને કારણે દુનિયાભરમાં કરાયેલા લૉકડાઉનને લીધે સલમાન જે કંપનીમાં કામ કરતો હતો એ બંધ થઈ જવાથી તે બેરોજગાર બન્યો હતો.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ ગઈ કાલે સવારે પરિવારના બધા લોકો જાગી ગયા હતા, સલમાન બેડરૂમમાંથી બહાર નહોતો આવ્યો. તે સૂતો હોવાનું માનીને બધા પોતપોતાને કામે લાગ્યા હતા. જોકે નાસ્તાના સમયે પણ સલમાન બેડરૂમમાંથી બહાર ન આવતાં અંદર જઈને જોયું તો તે પંખા સાથે બાંધેલા કપડાથી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.
પોલીસને જાણ કરાતાં નયાનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સલમાનના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતદેહ પાસેથી એક વિઝિટિંગ કાર્ડ મળ્યું હતું, એની પાછળ પોતાની દુબઈની નોકરી જતી રહેવાને લીધે બેરોજગાર બનતાં આર્થિક મુશ્કેલીમાં હોવાથી પોતે આ પગલું ભરી રહ્યો હોવાનું લખ્યું હતું.
નયાનગર પોલીસ સ્ટેશનના ડ્યુટી ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સલમાન શાબીર સૈયદના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને અમે તપાસ હાથ ધરી છે. લૉકડાઉનને કારણે નોકરી જતી રહેવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું સુસાઇડ-નોટમાં લખ્યું છે.’


