સંસદસભ્ય મનોજ કોટકે રેલવે અધિકારીઓની મુલાકાત લઈને સુધરાઈ અધિકારીઓ સાથે બહેતર કો-ઑર્ડિનેશનની માગણી કરી હતી

સંસદસભ્ય મનોજ કોટક મંગળવારે સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ મૅનેજર રજનીશ ગોયલ સાથે.
મુંબઈ : ઈસ્ટર્ન સબર્બ્સનાં મહત્ત્વનાં ઈસ્ટ-વેસ્ટ કનેક્ટર્સ પરનાં કામ ઝડપથી આટોપવા માટે સંસદસભ્ય મનોજ કોટક પહેલ કરીને સોમવાર અને મંગળવારે મુંબઈ સુધરાઈ અને રેલવે અધિકારીઓને મળ્યા હતા. મંગળવારે તેઓ સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ મૅનેજર રજનીશ ગોયલને મળ્યા હતા. મનોજ કોટકે કહ્યું હતું કે અમે વિક્રોલી બ્રિજ તથા વિદ્યાવિહારના પેન્ડિંગ કામ અને નાહુર રોડ ઓવરબ્રિજને પહોળો કરવાના કામની ચર્ચા કરી હતી.
મનોજ કોટકે ઉમેર્યું હતું કે ‘કેટલાક પ્રશ્નો રેલવે અને કૉર્પોરેશનને લગતા હોવાથી અમારે ઑથોરિટીઝ સાથે સહનિર્દેશન કરીને એમને ઉકેલવા જરૂરી છે. હું બ્રિજના કામ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સહિતના પ્રશ્નોને લઈને સોમવારે કૉર્પોરેશનના કમિશનર આઇ. એસ. ચહલને મળ્યો હતો. અમે પ્રોજેક્ટની ઝડપ વધારવા અંગે ચર્ચા કરી હતી.’
ADVERTISEMENT
કોર્પોરેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘વિદ્યાવિહાર અને વિક્રોલી આરઓબીનું કામ લાંબા સમયથી પેન્ડિંગ છે. વિક્રોલી આરઓબી લાલ બહાદુર શાસ્ત્રી રોડ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરનો ટ્રાફિક હળવો કરવામાં મદદરૂપ થશે. વિદ્યાવિહાર આરઓબી સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડનો વિકલ્પ બની રહેશે. અમે શક્ય એટલી ઝડપથી બંને બ્રિજ તૈયાર કરવા માટે કામ કરી રહ્યા છીએ. વિક્રોલી આરઓબી પરનું કામ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂરું થઈ જશે.’
મુંબઈની નૉર્થ ઈસ્ટ બેઠકના સંસદસભ્ય મનોજ કોટકે વધુમાં જણાવ્યું હતું કે ‘અમે મુલુંડ, ભાંડુપ, ઘાટકોપર, ગોવંડી અને માનખુર્દ રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવા વિશે પણ ચર્ચા કરી હતી. સામાન્યપણે હું મારા મતવિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે હંમેશાં અધિકારીઓને મળતો રહું છું. અમે સ્ટેશનો પર એસ્કેલેટર અને લિફ્ટ શરૂ કરવા પર કામ કરી રહ્યા છીએ અને વિક્રોલી સ્ટેશન પર ટૂંક સમયમાં એનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.’

