Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar

૭ મહિના, ૨૧૪ કરોડ

05 September, 2023 07:31 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

યસ, એમએમઆર વિસ્તારમાં છેલ્લા ૭ મહિનામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ કરાયેલા દંડમાંથી ૨૧૪ કરોડ રૂપિયાનો ફાઇન વાહનચાલકોએ ભર્યો નથી : કડક કાર્યવાહીના અભાવે આ આંકડો વધતો ચાલ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીરમુંબઈઃ મુંબઈ સહિત એમએમઆર રીજનમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કરનાર વાહનચાલકો પર ઈ-ચલાન સિસ્ટમ દ્વારા લાદવામાં આવેલો દંડ ચૂકવવામાં ન આવતો હોવાથી દંડની રકમ કરોડો રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આટલી મોટી રકમનો દંડ વસૂલવાનો પડકાર હવે ટ્રાફિક પોલીસ સમક્ષ ઊભો થયો છે. ચાલુ વર્ષ દરમ્યાન ૨૦૨૩ના જાન્યુઆરી મહિનાથી જુલાઈ એમ સાત મહિના સુધીનો મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી છે. ઉલ્લેખનીય છે કે એમાંથી માયાનગરી મુંબઈમાં સૌથી વધુ ૧૬૪ કરોડ ૭૨ લાખ રૂપિયા તેમ જ થાણેમાં ૪૬ કરોડ ૪૯ લાખ રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી છે. એથી આ કરોડો રૂપિયાની દંડની રકમ કેવી રીતે વસૂલાશે એવો પ્રશ્નાર્થ ઊભો થવાની સાથે કડક કાર્યવાહીના અભાવે વાહનચાલકો દંડ ભરવાનું ટાળી રહ્યા છે કે એવો સવાલ પણ ઊભો થઈ રહ્યો છે. 
વર્ષ ૨૦૧૯થી ઈ-ચલાન સિસ્ટમ લાગુ કરવામાં આવી


મુંબઈ સહિત આસપાસના એમએમઆર રીજનમાં ટ્રાફિકનું પ્રમાણ વધતું જઈ રહ્યું હોવાથી લોકોએ કલાકો સુધી જૅમમાં સમય વેડફવો પડે છે. અગાઉ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ સ્થળ પર જ રોકડ રકમ સ્વીકારીને દંડ વસૂલતી હતી, પરંતુ આવી કાર્યવાહી કરતી વખતે પોલીસ સાથે બોલાચાલી કરીને દંડની રકમ ઓછી કરવાથી લઈને પોલીસ સાથે મારામારી જેવા અઢળક બનાવો પ્રકાશમાં આવ્યા છે. એથી આવા કિસ્સાઓને રોકવા માટે ૨૦૧૯થી ઈ-ચલાન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. એથી ઈ-ચલાન મશીન દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. 
દંડની રકમ ૧૪ દિવસમાં ઑનલાઇન ભરવાની હોય છેઆ દંડ ટ્રાફિક પોલીસની મહાટ્રાફિક નામની ઍપ પર જઈને ૧૪ દિવસની અંદર ઑનલાઇન ભરવાનો હોય છે, પરંતુ વાહનચાલકો આ દંડ ભરવાની અવગણના કરે છે. આ વર્ષ એટલે કે ૨૦૨૩ના જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનાના સમયગાળામાં મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારના વિવિધ વિસ્તારોમાંથી કરોડો રૂપિયાથી વધુનો દંડ વસૂલવાનો બાકી છે. એમાં આંકડા પર નજર નાખીએ તો મુંબઈ (૧૬૪ કરોડ ૭૨ લાખ રૂપિયા), થાણે (૪૬ કરોડ ૪૯ લાખ ૪૩ હજાર ૫૦ રૂપિયા), વસઈ-વિરાર (૧ કરોડ ૪૧ લાખ ૪ હજાર ૯૫૦ રૂપિયા), મીરા-ભાઈંદર (૧ કરોડ ૧૮ લાખ ૭૩ હજાર ૪૦૦ રૂપિયા) અને પાલઘર (૩૩ લાખ ૩૫ હજાર ૪૦૦ રૂપિયા)નો સમાવેશ થાય છે. એથી શહેરમાં અંદાજે કુલ ૨૧૪ કરોડ ૧૪ લાખ ૫૬ હજાર ૮૦૦ રૂપિયાનો દંડ બાકી છે. 
દંડની વસૂલાત માટે પડકાર


નિયમ પ્રમાણે ઈ-ચલાન કપાયાને ૧૪ દિવસમાં વાહનચાલકોએ દંડ ભરવાનો હોય છે. એમ છતાં લોકો આપેલી મુદતમાં દંડ ભરતા નથી. આ માટે દર ૩ મહિને લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે, જેમાં દંડ ન ભર્યો હોય એવા વાહનચાલકોને બોલાવી, સમાધાન કરીને દંડની રકમ ભરવા જણાવવામાં આવે છે. એમ છતાં જો કોઈ વ્યક્તિ દંડ ન ભરે તો તેની સામે કેસ દાખલ થાય છે. 

દંડની રકમ ઓછી કરીને કડક ઍક્શન લેવાની જરૂર
આ વિશે ટ્રાફિક એક્સપર્ટ પ્રોફેસર ડૉ. વિરશ્રી ભોઈરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વિદેશમાં લોકો સિગ્નલ ક્રૉસ કરતાં પણ ખૂબ તકેદારી રાખતા હોય છે, કારણ કે તેમને જાણ છે કે નિયમનું પાલન નહીં કરીશું તો કડક ઍક્શન લેવામાં આવશે. અહીં પહેલાં સ્થળ પર જ કાર્યવાહી થતી હોવાથી લોકો ગભરાતા હતા, પરંતુ હવે ઑનલાઇન પ્રક્રિયા થતાં લોકો દંડ ભરવાનું ટાળે છે. દંડ ભરવાનું કહીને પછી રકમમાં ઍડ્જસ્ટમેન્ટ કરીને રકમ વસૂલાતી હોવાથી એનું ગાંભીર્ય રહેતું નથી. એથી પહેલાંથી જ દંડની રકમ ઓછી કરવી જોઈએ જેથી લોકો દંડ ભરે. દંડ ન ભરવા પર લાઇસન્સ જપ્ત કરવું જોઈએ તેમ જ ત્રણ વખતથી વધુ થયા બાદ બ્લૅક લિસ્ટેડ અથવા તો હંમેશાં માટે લાઇસન્સ રદ કરવા જેવી ​​સ્ટ્રિક્ટ ઍક્શન લેવામાં આવશે તો ટ્રાફિકના નિયમો જે માટે બનાવવામાં આવ્યા છે એનું ચોક્કસ પાલન થશે. આ ઉપરાંત સ્કૂલ, કૉલેજ, રસ્તાઓ પર કૅમ્પેન હાથ ધરીને જનજાગૃતિ ફેલાવાની પણ ખૂબ આવશ્યકતા છે.’


ટ્રાફિક પોલીસનું શું કહેવું છે?
થાણે ટ્રાફિક પોલીસ વિભાગના ડીસીપી વિનય રાઠોડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પહેલાં મૅન્યુઅલ દંડ વસૂલાતો હતો, પણ હવે ઑનલાઇન વસૂલવામાં આવે છે. જોકે ઑનલાઇન દંડ ભરતી વખતે દંડ ભરવા ફોર્સ કરી શકતા નથી તેમ જ આખા કમિશનરેટ; જેમાં થાણે સીટીથી લઈને ડોમ્બિવલી, ઉલ્હાસનગર વગેરે તમામ વિસ્તારો આવે છે અને એની સામે મેન-પાવર ફક્ત ૬૫૦ જ છે. એમ છતાં પણ અમે સમયાંતરે દંડ વસૂલવા માટે વિવિધ પ્રકારની ડ્રાઇવ કરીએ છીએ. મહિનામાં સતત સાતથી આઠ વખત તો દંડની રિકવરી માટે પોલીસનો સ્ટાફ કામ કરતો હોય છે. આ દંડમાં સૌથી વધુ ટ્રિપલ સીટ, સીટ બેલ્ટ વગર પ્રવાસ, હેલ્મેટ, ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવ વગેરે ગુનાઓ હોય છે. આ નવ તારીખે લોક અદાલત પણ છે જ્યાં લોકોને સમજાવીને દંડ ભરવા કહેવામાં આવે છે. સાત હજાર રૂપિયા હોય તો પાંચથી ત્રણ હજાર રૂપિયા ભરવાનું કહેવાય છે. દંડની વસૂલાત કરવા માટે અમે બ્લૅક લિસ્ટની સિસ્ટમનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે એક વાહન પર અનેક વખત ચલાન કપાયું હોય અને અનેક વખત દંડ ભરવા માટે કહેવાયું હોવા છતાં એ ન ભરવામાં આવે તો તેને આરટીઓની મદદથી બ્લૅક લિસ્ટ કરવાનું કહેવાય છે. બ્લૅક લિસ્ટ કર્યા બાદ જયારે પણ તે વાહન, રિક્ષા લાઇસન્સ રિન્યુ કરાવવા માટે આવે ત્યારે ઈ-ચલાનનો દંડ ભરે નહીં ત્યાં સુધી તેનું લાઇસન્સ રિન્યુ કરવામાં આવતું નથી. કરોડો રૂપિયાનાં ઈ-ચલાન વસૂલવાનાં બાકી છે એ ખરી વાત છે. એની સામે ટ્રાફિક પોલીસ સ્ટાફ ઓછો હોવા છતાં પોતાના તરફથી દરેક પ્રયાસો કરી રહી છે.’

ક્યાં કેટલો દંડ બાકી (જાન્યુઆરીથી જુલાઈ ૨૦૨૩ સુધી)

મુંબઈવાહનો પર કુલ કાર્યવાહી- ૩૨ લાખ ૫૨ હજાર વાહનચાલકો

કુલ દંડની રકમ- ૨૩૨ કરોડ રૂપિયા

દંડ ચૂકવ્યો- ૬૮ કરોડ રૂપિયા

દંડ બાકી- ૧૬૪ કરોડ ૭૨ લાખ રૂપિયા

થાણે

વાહનો પર કુલ કાર્યવાહી- ૬ લાખ ૧૫ હજાર ૨૪૬ વાહનચાલકોકુલ

દંડની રકમ- ૫૨ કરોડ ૩૦ લાખ ૨૫ હજાર ૫૫૦ રૂપિયા

દંડ ભર્યો - ૫ કરોડ ૮૦ લાખ ૮૨ હજાર ૫૦૦ રૂપિયા
દંડ બાકી- ૪૬ કરોડ ૪૯ લાખ ૪૩ હજાર ૫૦ રૂપિયા

વસઈ વિરાર
વાહનો પર કુલ કાર્યવાહી- ૫૮ હજાર ૭૪૮ વાહનચાલકો
કુલ દંડની રકમ- ૩ કરોડ ૩૭ લાખ ૧૭ હજાર ૮૫૦ રૂપિયા
દંડ ચૂકવ્યો- ૧ કરોડ ૯૬ લાખ ૧૨ હજાર ૯૦૦ રૂપિયા
દંડ બાકી- ૧ કરોડ ૪૧ લાખ ૪ હજાર ૯૫૦ રૂપિયા

મીરા-ભાઈંદર
વાહનો પર કુલ કાર્યવાહી- ૫૨ હજાર ૫૪ વાહનચાલકો
કુલ દંડની રકમ- ૩ કરોડ ૩૮ લાખ ૩૬ હજાર રૂપિયા
દંડ ચૂકવ્યો- ૨ કરોડ ૧૯ લાખ ૬૨ હજાર ૬૦૦ રૂપિયા
દંડ બાકી- ૧ કરોડ ૧૮ લાખ ૭૩ હજાર ૪૦૦ રૂપિયા

પાલઘર
વાહનો પર કુલ કાર્યવાહી- ૨૫ હજાર ૬૦૮ વાહનચાલકો
કુલ દંડની રકમ- ૧ કરોડ ૬ લાખ ૪૧ હજાર ૧૫૦ રૂપિયા
દંડ ચૂકવ્યો- ૭૩ લાખ ૫ હજાર ૭૫૦ રૂપિયા
દંડ બાકી- ૩૩ લાખ ૩૫ હજાર ૪૦૦ રૂપિયા

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2023 07:31 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK