મુલુંડની ઘટના : પોલીસે સ્કૂલના સર સામે ફરિયાદ નોંધીને તાબામાં લીધો
MNSના કાર્યકરોએ સ્કૂલમાં શિક્ષકની મારપીટ કરી હતી.
મુલુંડ-વેસ્ટના સેવારામ લાલવાણી રોડ પર આવેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની વિજયનગર સ્કૂલની મહિલા શિક્ષિકા અને વિદ્યાર્થિનીઓને મોડી રાતે ફોન કરીને તેમની છેડતી કરનાર શિક્ષક દીપક સરોદેને ગઈ કાલે સવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ સ્કૂલમાં જઈને મેથીપાક ચખાડ્યો હતો એટલું જ નહીં, તેના ચહેરા પર કાળી શાહી ચોપડી હતી. આની જાણ મુલુંડ પોલીસ સ્ટેશનને કરવામાં આવતાં પોલીસે તાત્કાલિક સ્કૂલના શિક્ષકને કસ્ટડીમાં લઈને તેની સામે ફરિયાદ નોંધી હતી. આ ઘટના બાદ MNSના કાર્યકરોએ બદલાપુર જેવી ઘટનાની રાહ જોતા હતા એવો સવાલ કરીને સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.
બદલાપુરની સ્કૂલમાં બનેલી ઘટના બાદ મુલુંડમાં આવી ઘટના બનતાં ફરીથી વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે એમ જણાવતાં મુલુંડ વિભાગના MNSના પ્રમુખ રાજેશ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિજયનગર સ્કૂલમાં અભ્યાસ કરતી બે-ત્રણ વિદ્યાર્થીઓને એ સ્કૂલનો એક શિક્ષક રાતે ૧૨ વાગ્યા પછી ફોન કરીને છેડછાડ કરતો હોવાની ફરિયાદ અમને મળી હતી એટલું જ નહીં, એ શિક્ષકે સ્કૂલમાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીઓના નંબર પણ માગ્યા હતા. આવી ગંભીર ઘટનાની જાણ થતાં અમારા પદાધિકારીઓ સ્કૂલમાં જઈને MNS-સ્ટાઇલથી મેથીપાક આપી આરોપી શિક્ષકને સ્થાનિક પોલીસના તાબામાં સોંપ્યો હતો.’
ADVERTISEMENT
આ મામલે અમે આરોપી શિક્ષકની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે એમ જણાવતાં મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં અમે બે વિદ્યાર્થિનીઓનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે જેમણે શિક્ષક છેડતી કરતો હોવાનો આરોપ ફરિયાદમાં કર્યો છે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. અન્ય કોઈ વિદ્યાર્થિની આ શિક્ષકનો ભોગ બની છે કે નહીં એની પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ.’


