૨૦૧૪ અને ૨૦૧૭ના કડવા અનુભવને કારણે MNSમાં દ્વિધા, પાકો પ્રસ્તાવ મળે એ પછી જ આગળ વધવાનો નિર્ધાર : જોકે શિવસેના (UBT)ના સંજય રાઉતે કહ્યું કે જૂની વાતોને ભૂલી જાઓ; અમે ભવિષ્યને નજરમાં રાખીએ છીએ, ભૂતકાળને નહીં
ગઈ કાલે દાદરમાં ઘરની બહાર નીકળ્યા ત્યારે પત્રકારો સાથે વાત કરતા રાજ ઠાકરે.
ઘરમાંથી બહાર નીકળતી વખતે રાજ ઠાકરેએ પત્રકારોની ફીરકી લઈ નાખી, ક્યાં ચાલ્યા એવું પુછાયું ત્યારે એના જવાબમાં કહ્યું...
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની યુતિ થઈ શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે MNS એને ૨૦૧૪ અને ૨૦૧૭માં થયેલા કડવા અનુભવથી આ વખતે ઉતાવળ ન કરીને બધું પાકે પાયે થાય અને શિવસેના તરફથી વ્યવસ્થિત પ્રસ્તાવ મળે એ પછી જ આગળ વધવાના મૂડમાં છે. MNSના નેતા સંદીપ દેશપાંડે અને અવિનાશ જાધવે પણ આ સ્પષ્ટતા કરી છે ત્યારે શિવસેના નેતા સંજય રાઉતે ગઈ કાલે કહ્યું છે કે જે લોકોને પૉઝિટિવ સ્ટેપ્સ લેવા હોય એ પાછળ નથી જોતા, અમે ભવિષ્ય પર નજર નાખી રહ્યા છીએ, ક્યાં સુધી તમે ભૂતકાળને ખોતર્યા કરશો.
ADVERTISEMENT
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગઈ કાલે ફરી એક વખત શિવસેના અને MNS વચ્ચે યુતિ બાબતે આપનું શું માનવું છે એમ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બહુ જ બોલચાલની ભાષામાં કહ્યું હતું કે ‘એમની યુતિ થાય એની ઉતાવળ મીડિયાને જેટલી છે એટલી તો તે બન્ને ભાઈઓને પણ નથી. આ એવું છે કે હિન્દીમાં કહેવત છે કે ‘કબ બાપ મરેગા ઔર કબ બૈલ કટેગા’. યુતિ થશે એવી ચર્ચા માત્ર પતંગબાજી (ગપગોળા) જ લાગી રહી છે, તો એ વિશે હું શું કામ પ્રતિક્રિયા આપું. મારે એ સિવાયનાં પણ ઘણાં બધાં કામ છે.’
રાજ ઠાકરેએ પત્રકારોની ફીરકી લીધી
રાજ ઠાકરે જેમ તેમના તડફડ અને તેજાબી ભાષણ માટે જાણીતા છે એ જ રીતે રમૂજવૃત્તિ માટે પણ જાણીતા છે અને ગઈ કાલે તો તેમણે પત્રકારોની જ ફીરકી લઈ લીધી હતી. શિવસેના અને MNS વચ્ચે યુતિની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ગઈ કાલે પોતાના ઘરેથી રાજ ઠાકરે તેમની કારમાં બહાર નીકળ્યા ત્યારે ગેટની બહાર ટોળે વળીને ઊભેલા પત્રકારોની નજર તેમના તરફ જતાં રાજ ઠાકરેએ તેમને પોતાની તરફ બોલાવ્યા હતા. પત્રકારોએ લાગલું જ પૂછી લીધું, સાહેબ કઈ તરફ? પળનો પણ વિલંબ ન કરતાં રાજ ઠાકરેએ કહ્યું, ‘માતોશ્રી જ જવા નીકળ્યો છું.’ તેમના આ જવાબથી પત્રકારો સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓ કશું સમજે એ પહેલાં જ રાજ ઠાકરેએ મસ્તીભર્યું સ્માઇલ આપી ત્યાંથી કાર આગળ લીધી હતી. ક્ષણબેક્ષણ પછી પત્રકારોને જાણ થઈ હતી કે આ તો રાજ ઠાકરે તેમની જ ફીરકી ઉતારી ગયા.
MNSનો પ્લાન B રેડી
હાલ બન્ને ઠાકરે ભાઈઓને એકમેકના સહકારની જરૂર જેટલી છે એટલી આ પહેલાં ક્યારેય નહોતી એવું રાજકીય નિરીક્ષકોનું કહેવું છે. એથી બન્ને પક્ષો તરફથી એકબીજાની રાજકીય તાકાતનાં લેખાંજોખાં મૂકીને ગણતરીઓ મંડાઈ રહી છે ત્યારે MNSએ પોતાનો પ્લાન B રેડી રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગઈ કાલે જ MNSની કેન્દ્રીય સમિતિની બેઠક પાર પડી હતી. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં MNSનો ફુલફ્લેજ્ડ ઊતરવાનો પ્લાન છે. આ જ બાબતનો અહેવાલ આ કેન્દ્રીય સમિતિએ રાજ ઠાકરેને આપ્યો છે. મુંબઈના મરાઠી પટ્ટામાં અને મરાઠી લોકોની બહુમતી ધરાવતા વિસ્તારોની હાલ શું સ્થિતિ છે એ એમાં જણાવવામાં આવ્યું છે. એ પછી ૧૩ જૂને જૂથ-અધ્યક્ષની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શિવસેના સાથે યુતિ ન થાય તો પણ MNS પોતાની ‘એકલો જાને રે’ની ફૉર્મ્યુલા પર કામ કરી આગળની રૂપરેખ બનાવવાનો પ્લાન B રેડી રાખ્યો છે.

