વૉટ્સઍપના સ્ટેટસને લીધે વિક્રોલીના યુવાનને MNSના કાર્યકરોએ ફટકાર્યો, માફી મગાવી અને પોલીસને સોંપ્યો
પ્રેમસિંહની દુકાને પહોંચેલા MNSના કાર્યકરો.
રાજ્યમાં મરાઠી મુદ્દે રોજેરોજ નવા વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે બુધવારે વિક્રોલી-ઈસ્ટના ટાગોરનગર માર્કેટમાં લકી મેડિકલ શૉપમાં કામ કરતા પ્રેમસિંહ દેવડા નામના યુવકે વૉટ્સઍપ સ્ટેટસ પર મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર વિરુદ્ધ અપશબ્દો પોસ્ટ કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પદાધિકારીઓ આક્રમક બન્યા હતા. પ્રેમસિંહે વૉટ્સઍપ પર ‘દેખ લિયા રાજસ્થાની પાવર, મરાઠી કો મહારાષ્ટ્ર મેં હી પેલ દિયા, હમ મારવાડી હૈં, હમારે સામને કિસી કી નહીં ચલતી’ લખેલું સ્ટેટસ મૂક્યું હતું. એ ધ્યાનમાં આવ્યા બાદ MNSના કાર્યકરોએ તેની દુકાને પહોંચી તેને દુકાનની બહાર કાઢી બધા સામે મરાઠી નાગરિકોની માફી મગાવી હતી. ત્યાર બાદ તેને માર્કેટ વિસ્તારમાં ફેરવી જાહેરમાં માફી મગાવીને વિક્રોલી પોલીસ-સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં દુકાનદાર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. MNSના કાર્યકરોએ મરાઠી ઓળખને ઠેસ પહોંચાડતા આ કૃત્ય સામે ઉગ્ર બની આવા દુકાનદારો પાસેથી માલ ન ખરીદવો જોઈએ એવી પ્રતિક્રિયા આપી હતી.
MNSના વિક્રોલી વિધાનસભા પ્રમુખ વિશ્વજિત ઢોલમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને મારા કાર્યકરો MNSમાં છીએ એટલે રોષે ભરાઈને ત્યાં ગયા એવું નથી, પ્રેમસિંહ દેવડાએ મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર વિરુદ્ધ જે અપશબ્દો પોસ્ટ કર્યા હતા એ જોઈ કોઈ પણ મરાઠીનું લોહી ગરમ થઈ જશે. બુધવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ અમારા એક કાર્યકરે પોતાના મોબાઇલના વૉટ્સઍપ પર પ્રેમસિંહનું સ્ટેટસ જોઈ એનો સ્ક્રીનશૉટ મને મોકલ્યો હતો એટલે તાત્કાલિક અમે પ્રેમસિંહની દુકાને પહોંચી તેને MNSની ભાષામાં મરાઠી નાગરિકોનું અપમાન ન કરવું જોઈએ એમ સમજાવ્યું હતું. મીરા રોડનો મુદ્દો હજી તાજો છે એ જોતાં અમે સામેથી જ પ્રેમસિંહને અમારી સાથે લઈ વિક્રોલી પોલીસ-સ્ટેશનમાં કાર્યવાહી માટે સોંપ્યો હતો. મહારાષ્ટ્રમાં રહી મરાઠી અને મહારાષ્ટ્રનું અપમાન કોઈ દિવસ ચલાવી લેવામાં આવશે નહીં.’
ADVERTISEMENT
વિક્રોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સૂર્યકાંત નાયકવાડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘MNSના કાર્યકરોએ લેખિતમાં કોઈ ફરિયાદ અમારી પાસે આપી નહોતી એટલે અમે દુકાનદારને વૉર્નિંગ આપી છોડી મૂક્યો હતો. એવી જ રીતે દુકાનદારે પણ MNSના કાર્યકરો સામે કોઈ ફરિયાદ આપી નથી. આવું સ્ટેટસ કેમ મૂક્યું એ વિશેની પૂછપરછ કરતાં દુકાનદાર પ્રેમસિંહે કહ્યું હતું કે તેણે ઇન્સ્ટાગ્રામ પર આ સ્ટેટસ જોયું હતું જેનો તેણે સ્ક્રીનશૉટ લઈ પોતાના વૉટ્સઍપમાં મૂકી દીધો હતો. તેનો ઇરાદો મરાઠી ભાષાને ઠેસ પહોંચાડવાનો ન હોવાનો તેણે દાવો કર્યો હતો.’

