સૂર્યા પાણીપુરવઠા યોજનામાં વધુ ૨૧૮ મિલ્યન લીટર પાણીની સપ્લાય થવાથી લોકોને થઈ જશે ઘણી રાહત
પ્રતીકાત્મક તસવીર
મીરા-ભાઈંદરમાં છેલ્લા ત્રણ દાયકામાં જબરદસ્ત વિકાસ થવાની સાથે વસ્તીમાં પણ ધરખમ વધારો થયો છે. અહીં પંદરેક લાખ લોકો રહે છે. એની સામે પાણીપુરવઠો મર્યાદિત છે એટલે લોકોએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી થઈ રહેલી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને મીરા-ભાઈંદરને સૂર્યા પાણીપુરવઠા યોજના અંતર્ગત દરરોજ વધુ ૨૧૮ મિલ્યન લીટર પાણીની સપ્લાયને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. સૂર્યા નદીથી મીરા-ભાઈંદરમાં પાણી પહોંચાડવા માટે અત્યારે વસઈના કાશિદ કોપરથી ચેના ગામ સુધીની પાંચ કિલોમીટર લંબાઈની પાણીની પાઇપલાઇન બેસાડવાનું, વસઈ ખાડીની નીચે માઇક્રો ટનલનું, ચેના ગામમાં પ્રાઇવેટ જગ્યામાં પુલ બાંધવાનું અને ચેના ગામમાં ઓવરહેડ પાણીની ટાંકી બનાવવાનું કામ અંતિમ તબક્કામાં છે. ગઈ કાલે રાજ્યના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સૂર્યા પાણીપુરવઠા યોજનાના ચાલી રહેલા કામની ચકાસણી કરી હતી. આ તમામ કામ છ મહિનામાં પૂરાં થઈ જશે એટલે દિવાળીમાં મીરા-ભાઈંદરને ૨૪ કલાક પાણી મળવા લાગશે એવો વિશ્વાસ પરિવહનપ્રધાને વ્યક્ત કર્યો હતો.

